Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

શરૂ થશે બે વર્લ્ડ કલાસ ટ્રેનઃ શતાબ્દી રાજધાની કરતા પણ ફાસ્ટ દોડશે

પ્રવાસીઓનો ૨૦ ટકા સમય બચશે : ટ્રેન-૧૮ ૧૬૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડશે યાત્રીઓને માટે વર્લ્ડ કલાસ સુવિધાઓ હશે જુન ૨૦૧૮ સુધીમાં તૈયાર થઇ જશે

ચેન્નાઈ તા. ૨૩ : આ વર્ષે જૂન મહિનામાં રેલવે સેમી-હાઈસ્પીડ બે ટ્રેન લોન્ચ કરવા જઈ રહી છે જે તમારો યાત્રાનો સમય ૨૦ ટકા જેટલો ઘટાડી દેશે. ચેન્નાઈના રેલવે ઈન્ટિગ્રલ કોચ ફેકટરી (ICF)એ નવા પ્રકારની ટ્રેન ડિઝાઈન કરી છે અને તે આ ફૂલ્લી એ.સી ટ્રેનનું નામ ટ્રેન ૧૮ રાખવામાં આવ્યું છે અને તે જૂન ૨૦૧૮થી પાટા પર દોડવા માંડશે. આ ટ્રેનમાં યાત્રીઓને વર્લ્ડ કલાસ સુવિધાઓ આપવામાં આવશે. ઈન્ફોટેઈન્મેન્ટ અને વાઈફાઈની સવિધા ઉપરાંત તેમાં જીપીએસ આધારિત પેસેન્જર ઈન્ફોર્મેશન સિસ્ટમ અને મનમોહક ઈન્ટિરિયર પણ છે. આ ટ્રેન ભવિષ્યમાં શતાબ્દી જેવી આલીશાન તથા સુપરફાસ્ટ ટ્રેનોને રિપ્લેસ કરે તેવી શકયતા છે.

બીજી ટ્રેનનું નામ ટ્રેન ૨૦ આપવામાં આવ્યું છે. આ ટ્રેન ૨૦૨૦માં લોન્ચ થાય તેવી શકયતા છે. તેમાં પણ વર્લ્ડ કલાસ સુવિધા હશે. તે રાતના ટ્રાવેલિંગમાં વાપરવામાં આવશે. બંને ટ્રેન ૧૮ અને ટ્રેન ૨૦, મેક ઈન ઈન્ડિયા પ્રોજેકટ અંતર્ગત ICF દ્વારા જ બનાવવામાં આવશે. તેની કિંમત ઈમ્પોર્ટેડ ટ્રેન સીટની કિંમત કરતા અડધી હશે. આ બંને ટ્રેનમાં ફરક માત્ર એટલો જ છે કે ટ્રેન ૨૦માં એલ્યુમિનિયમ બોડી હશે જયારે ટ્રેન ૧૮માં સ્ટેઈનલેસ સ્ટીરનું બોડી હશે.

દેશમાં અત્યારે ચાલતી ટ્રેનોને રિપ્લેસ કરવા જઈ રહેલી આ ટ્રેનમાં કાંચની બારી અને મોડર્ન લૂક હશે. તેમાં ઓટોમેટિક સ્લાઈડિંગ દરવાજા હશે જે સ્ટેશન પર જાતે જ ખોલ-બંધ થશે. આ ઉપરાંત તેમાં વેકયુમ આધારિત બાયો ટોઈલેટ્સ હશે જેને કારણે પાટા પર બિલકુલ ગંદકી નહિ થાય. ICFના જનરલ મેનેજર એસ. મણિએ જણાવ્યું, 'ટ્રેન ૧૮ ૧૬૦ કિ.મી પ્રતિ કલાકની ઝડપથી દોડે છે. તેમાં યાત્રીઓ માટે વર્લ્ડ કલાસ સુવિધાઓ હશે અને તે જુન ૨૦૧૮ સુધીમાં તૈયાર થઈ જશે.' એક અભ્યાસ મુજબ નવી ટ્રેન પછી રેલવે દિલ્હી-હાવરાના ૧૪૪૦ કિ.મીના રૂટ પર ૩.૩૫ કલાકનો ટ્રાવેલ ટાઈમ ઘટાડી શકશે. રાજધાની અને શતાબ્દીની સ્પીડ ૧૫૦ કિ.મી પ્રતિ કલાક છે. પરંતુ તેની સરેરાશ સ્પીડ ૯૦ કિ.મી પ્રતિ કલાક થાય છે. લોકોમોટિવમાં બ્રેક મારવામાં અને એકસેલરેટર મારવામાં વધારે વાર થતી હોવાથી આ ટ્રેનોની ઝડપ મર્યાદિત થઈ જાય છે. જયારે આ નવા પ્રકારની ટ્રેનમાં આ મર્યાદા ન હોવાથી તે પવનવેગે દોડશે. જો અત્યારે ટ્રેનની ઝડપની મર્યાદા વધારીને ૧૬૦ કિ.મી પ્રતિ કલાક કરી દેવાય તો આ ટ્રેન તમને તમારા ડેસ્ટિનેશન પર ફટાફટ પહોંચાડી શકશે.

(3:50 pm IST)