Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

વિવિધ સમાજ- સંસ્થાઓ દ્વારા પદ્માવત સંઘર્ષ સમિતિની સ્થાપના

'પદ્માવત' સામે સર્વ સમાજનો પ્રચંડ આક્રોશ

સિનેમા-કલબ હાઉસ કે સીડીના માધ્યમથી ફિલ્મ રીલીઝ થવા નહિ દેવાય : નરેન્દ્રસિંહ જાડેજા : લોકશાહીમાં લોકોની અદાલત સર્વોચ્ચ ગણાય : અભયભાઇ ભારદ્વાજ : રેલી-શકિત સંમેલનના આયોજનો : રાજકોટમાં ફિલ્મ બહિષ્કારના બે લાખ સંકલ્પ પત્રો ભરાશે : પાટીદારો પણ વિરોધમાં : પરેશ ગજેરા

 

પત્રકાર પરીષદની તસ્વીરમાં નરેન્દ્રસિંહ જાડેજા, અભયભાઇ ભારદ્વાજ, પરેશભાઇ ગજેરા, કાશ્મીરાબેન નથવાણી, રાજુ જુંજા, જીમ્મી અડવાણી, વિનુભાઇ ધવા, પ્રવિણસિંહ જાડેજા, જે.વી.હેરમા, યુસુફભાઇ વગેરે નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

 

રાજકોટ, તા. ર૩ : 'પદ્માવત' ફિલ્મ અંગે સુપ્રિમ કોર્ટનો ચુકાદો આવી ગયો છે, પરંતુ સંજય ભણસાલીની વૃત્તિ સામે વિરોધ વધારે આક્રમક બન્યો છે. કરણી સેના દ્વારા ચાલતી લડતને રાજકોટમાં વિવિધ સમાજ-જ્ઞાતિ-સંસ્થાઓનું સમર્થન પ્રાપ્ત થયું છે અને ફિલ્મ સામે આક્રોશ તીવ્ર બન્યો છે. નરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષપદ હેઠળ વિવિધ સમાજ-સંસ્થાઓની એક સંઘર્ષ સમિતિની સ્થાપના થઇ છે. આ સમિતિ દ્વારા આજે પત્રકાર પરિષદ યોજાઇ હતી.

વકતાઓએ સ્પષ્ટ ચીમકી આપી છે કે, 'પદ્માવત' ફિલ્મ સીનેમાઘરો, કલબ હાઉસ કે સીડી જેવા કોઇપણ માધ્યમથી દર્શાવવા દેવામાં નહિ આવે. સંઘર્ષ સમિતિની લડત શાંતિપૂર્ણ રહેશે, પણ ફિલ્મ ધરાર પ્રદર્શિત કરાશે તો કાર્યકરો માટે અસહ્ય બનશે અને બાદમાં જે કોઇ સ્થિતિ નિર્માણ થાય તેના માટે સમિતિ જવાબદાર નહિ રહે.

'પદ્માવત' સંઘર્ષ સમિતિના અધ્યક્ષ શ્રી નરેન્દ્રસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, રાજકોટ રંગીલુ છે તેમ સંપીલુ પણ સાબિત થયું છે. 'પદ્માવત' સામે વિવિધ જ્ઞાતિ સમાજ-સંસ્થાઓનું સમર્થન પ્રાપ્ત થયું, અમે તમામના આભારી છીએ. ઉપરાંત થીયેટર માલિકોએ ફિલ્મ ન દર્શાવીને ટેકો આપ્યો છે, તેના પણ આભારી છીએ. ભવિષ્યમાં પણ 'પદ્માવત' ફિલ્મ કે ઐતિહાસિક-ધાર્મિક પાત્રોને વિકૃત કરતી ફિલ્મો સામે સમિતિ લડી લેશે. 'પદ્માવત' ફિલ્મ સિનેમા-કલબ હાઉસ-સીડી કે અન્ય કોઇ માધ્યમથી રીલીઝ થવા નહિ દેવાય.

પત્રકાર પરિષદમાં અગ્રણી એડવોકેટ અને લોકમિશનના સદસ્ય શ્રી અભયભાઇ ભારદ્વાજે જણાવ્યું હતું કે, સુપ્રિમ કોર્ટનો હુકમ સરકારને બંધનકર્તા હોય છે, લોકોને નહિ. લોકશાહીમાં લોકો જ સૌથી મોટી કોર્ટ  ગણાય. શ્રી ભારદ્વાજે કહ્યું હતું કે, ફિલ્મ એ વ્યવસાયનો એક ભાગ છે.કોમર્શીયલ કેટેગરીમાં તેનો સમાવેશ થાય છે. આ કારેગરીને મફત રક્ષણ આપવું  ફરજીયાત નથી. સરકાર પદ્માવત ફિલ્મને મફત રક્ષણ આપવા બંધાયેલી નથી. આ મુદ્ે સરકાર કોર્ટમાં પણ ઉઠાવી શકે.

પત્રકાર પરિષદમાં વિવિધ જ્ઞાતિ-સમાજ -સંગઠનના આગેવાનોએ સમર્થન જાહેર કરીને પદ્માવત સામે આક્રોશ વ્યકત કર્યો હતો. અગ્રણીઓએ જણાવ્યું હતું કે, દેશમાં પ્રચંડ લોકજાગૃતિ આવે તો સંજય ભણસાલી જેવા સંસ્કૃતિના સન્માનીય પાત્રોને વિકૃત કરવાની હિંમત નહિ કરે. નફાખોરી માટે ઐતિહાસીક - ધાર્મિક પાત્રોને મારી-મચોડીને વિકૃતરૂપે રજૂ કરવામાં આવેતે નીંદનીય  -અસહ્ય બાબત છે. પદ્માવત સંઘર્ષ સમિતિ આવું કયારેય  સહન નહિ કરે. માત્ર પદ્માવત ફિલ્મ જ નહિ, ઐતિહાસિક-ધાર્મિક પાત્રોનું હનન કરતી ફિલ્મો બનશે તો તેનો પણ વિરોધ કરવામાં આવશે.

પત્રકાર પરિષદમાં ખોડલધામના પ્રમુખ પરેશભાઇ ગજેરાએ જણાવ્યું હતું કે, સંસ્કૃતિના હનની સામેની લડતમાં અમારો પણ ટેકો છે. પદ્માવતનો વિરોધ પાટીદારો પણ કરશે.

 પત્રકાર પરિષદમાં અગ્રણીઓ પરેશભાઇ ગજેરા (ખોડલધામ પ્રમુખ), અભયભાઇ ભારદ્વાજ (બ્રહ્મ સમાજ), કાશ્મીરાબેન નથવાણી (લોહાણા સમાજ પ્રમુખ), રાજુ જોષી (બ્રહ્મ સમાજ), જીમ્મીભાઇ અડવાણી (શિવસેના), વિનુભાઇ ધવા (પટેલ અગ્રણી,પાટીદાર), પ્રવિણસિંહ જાડેજા (કચ્છ-કાઠીયાવાડ એસો. પ્રમુખ), જે. વી. હેરમા, ચંદુભાઇ પરમાર (કારડીયા રાજપૂત), હરેશભાઇ ગઢવી (ચારણ સમાજ અગ્રણી), યુસુફભાઇ (દાઉદી વ્હોરા સમાજ જોહર કાર્ડ), જે. પી. જાડેજા (કરણી સેના), કૃષ્ણસિંહ જાડેજા (કરણી સેના), પી. ટી. જાડેજા (ક્ષત્રીય અગ્રણી), હરીશ્ચંદ્રસિંહ જાડેજા (ક્ષત્રીય અગ્રણી), કિશોરભાઇ રાઠોડ (રજપૂત અગ્રણી), સુરેન્દ્રસિંહ વાળા (ભાજપ અગ્રણી), રાજૂભાઇ ઝૂંઝા (માલધારી અગ્રણી), દિલીપભાઇ ગઢવી (ચારણ સમાજ), જલજીતસિંઘ ધીલોન (શીખ સમાજ), સત્યેન્દ્રસિંહ ખાચર (કાઠી સમાજ), ઘનશ્યામસિંહ જાડેજા (કોર્પોરેટર), મનસુખભાઇ, વીરજીભાઇ, કોળી સમાજ અગ્રણીઓ, પ્રજાપતી સમાજ, દલીત સમાજ, વિશ્વ હિન્દુ પરીષદ, બજરંગ દળ, હીન્દુ વાહીની, સહિતની સંસ્થા,  સંગઠીતોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા અશોકસિંહ વાઘેલા, ભરતસિંહ વાગુદડ, દેવેન્દ્રસિંહ જાડેજા (ટીકુભાઇ), આર.ડી. જાડેજા, દૈવતસિંહ જાડેજા, પૃથ્વીસિંહ જાડેજા, રાજવીરસિંહ વાળા, પરાક્રમસિંહ આર. ગોહિલ, દીલીપસિંહ વી. જાડેજા, નવલસિંહ ભાણવડ, રણજીતસિંહ જાડેજા (રણજીત ટ્રાન્સપોર્ટ) યશપાલસિંહ ચાંદલી, દિલીપસિંહ મનહરસિંહ જાડેજા, રાજભા ઝાલા, જયકિશનસિંહ ઝાલા, દુષ્યંતસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ વાળા, રાજદીપસિંહ જાડેજા, ખેમચંદ્ર મંદીયાણી, કશ્યપભાઇ રાવલ વિગેરે જહેમત ઉઠાવી હતી.

જીવના જોખમે પણ પદ્માવત ફિલ્મ અટકાવીશું: નરેન્દ્રસિંહ

શકિત સંમેલનના આયોજનો

પદ્માવતી દેવીની કૃપા... રાજકોટના જ્ઞાતિ-સમાજ એક થયા

રાજકોટ, તા., ૨૩: પદ્માવત ફિલ્મ સામે રાજકોટમાં શકિત સંમેલનો બોલાવવામાં  આવશે. સમીતીના અધ્યક્ષ નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જીવના જોખમે ફિલ્મનો વિરોધ કરાશે.

સંજય લીલા દ્વારા ભારતીય સંસ્કૃતિને તથા મા પદ્માવતીના શૌર્ય, ત્યાગ, બલીદાન અને વિશ્વનો ઇતિહાસમાં કયાંય ન થયું હોય તેવું ઐતિહાસિક રીતે શહીદ પતિ પાછળ ચારીત્ર્યના રક્ષણ હેતુથી થયેલ જૌહર કરનાર બલીદાનની દેવીના પાત્રને વિક્રતતાનું કલંગ લગાવવાની હરકતને પાઠ ભણાવવાનો છે.

સમગ્ર દેશમાં જયારે પદ્માવતી ફિલ્મને લઇને ભારે આક્રોશ છે તથા રાજયમાં ઠેર-ઠેર આગજની ઘર અથડામણ અને હિંસક ઘટના આ બની રહી છે. ત્યારે હંમેશા રંગીલુ અને સંપીલુ રહેલા રાજકોટમાં વસતા તમામ સમાજના આગેવાનોએ ભારતીય સંસ્કૃતિ અને ભાતીગળ ઇતિહાસના રક્ષણ હેતુથી રચેલ પદ્માવતી સંઘ સમીતીમાં લીધેલ નિર્ણયોની જાણકારી તથા આગામી વિરોધ કાર્યક્રમો જાહેર થશે. પદ્માવતી દેવીની કૃપા અને દેવી-દેવતાઓની ઉર્જા ગણો, પરંતુ આ મુદ્દે રાજકોટના સર્વ સમાજ એક થયા છે.

'પદ્માવત' બહિષ્કારના બે લાખ સંકલ્પપત્રો ભરાશે

રાજકોટ, તા., ૨૩: પદ્માવત ફિલ્મ સંઘર્ષ સમીતી આયોજીત પત્રકાર પરીષદમાં વિવિધ જ્ઞાતિ-સમાજના આગેવાનોએ આક્રોશ ઠાલવ્યો હતો. અગ્રણી કાશ્મીરાબેન નથવાણીએ જણાવ્યું હતું કે પદ્માવત ફિલ્મ બહિષ્કારના રાજકોટમાં બે લાખ સંકલ્પપત્રો ભરવામાં આવેલ છે.

સંકલ્પપત્રમાં નીચે પ્રમાણેનું લખાણ પ્રકાશીત કરાયું છે.

હિન્દુત્વ અને ભારતીય સંસ્કૃતિને વરેલો દેશનો નાગરીક દેશભકત સૈનિક છું. સંજય લીલા ભણસાલી નામનો વિકૃત માનસીકતા ધરાવતો વ્યકિત વારંવાર દેશના ઇતિહાસ, ભાતીગળ સંસ્કૃતિ, નારી શૌર્યને વિકૃત રૂપે રજુ કરતી ફિલ્મોનું નિર્માણ કરીને હિન્દુ સહિષ્ણુતાની મજાક ઉડાવે છે તેનો સખત વિરોધ કરૂ છું અને જેના સમર્થનમાં પદ્માવત કે કોઇ પણ સમાજની લાગણીને હાની પહોંચે એવી એક પણ ફિલ્મ આજે નહિ પરંતુ ભવિષ્યમાં પણ કયારેય નહિં નિહાળુ તેમજ અન્યોને પણ સમજાવીશ તેવો દ્રઢ સંકલ્પ જાહેર કરૂ છું.

રાજપૂતની ગરીમાનું અપમાન સાંખી નહી લેવાયઃ કરણી સેના

રાજકોટ તા. ર૩ :.. કરણી સેના રાજય પ્રવકતા ક્રિપાલસિંહ રાણા, રાજકોટ શહેર પ્રભારી જે. પી. જાડેજા, ત્થા રાજકોટ શહેર કરણી સેના પ્રમુખ કૃષ્ણસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે દેશની એકતા અને અખંડીતતા માટે હસતા મુખે રજવાળાઓ આપતા અચકાયેલ નહીં.

દેશને દુશ્મનોથી બચાવતા જાનની આહુતિઓ આપનાર  રાજપૂતોની ગરીમાને ઝાંખપ  લગાડનાર વિકૃત માનસીક રોગી સંજય લીલા ભણશાણીના દેશમાં તોડફોડ કરાવી ફિલ્મ પ્રદર્શીત કરાવવાના મનસુબા પાર પડવા નહી દેવાય. રાજકોટમાં  આવતીકાલે યોજાનાર સર્વ જ્ઞાતીય શકિત સંમેલનમાં ઉમટી પડવા તેમણે યુવાનોને અનુરોધ કર્યો છે.

(3:43 pm IST)