Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

ચાલુ ફલાઇટે ઇન્ટરનેટ યુઝ કરવા માટે ૨૦થી ૩૦ ટકા આપવો પડશે ચાર્જ

યાત્રીઓએ ૫૦૦થી ૧૦૦૦ રૂપિયા સુધીનો ચાર્જ આપવો પડી શકે

ચેન્નાઈ તા. ૨૩ :  ટૂંક જ સમયમાં એર ટ્રાવેલ કરનારા યાત્રીઓ ચાલુ ફલાઈટે ઈન્ટરનેટ યુઝ કરી શકશે અને સોશિયલ મીડિયા પર સેલ્ફી પોસ્ટ કરવાનો આનંદ મેળવી શકશે. પરંતુ આ સુવિધા માટે તેમણે ૨૦થી ૩૦ ટકા વધુ ચાર્જ આપવો પડશે. ફલાઈટ દરમિયાન વોઈસ અને ડેટા કનેકિટવિટી માટે ટ્રાઈ તરફથી સહમતિ મળ્યા બાદ એરલાઈન્સ હવે યાત્રીઓને ફલાઈટ દરમિયાન ઈન્ટરનેટની સુવિધા આપવાનો વિચાર કરી રહી છે.

અધિકારીઓએ જણાવ્યું કે વાઈ-ફાઈનો ચાર્જ આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબ જ હશે. સેટેલાઈટ્સ પર સ્લોટ માટે સર્વિસ પ્રોવાઈડર દ્વારા લગાવવામાં આવેલા ચાર્જને ધ્યાનમાં રાખી પ્રવાસીઓ પાસેથી ચાર્જ વસૂલવામાં આવશે. ત્રીસ મિનિટથી એક કલાકની ફલાઈટ માટે યાત્રીઓએ ૫૦૦થી ૧૦૦૦ રૂપિયા સુધી ચાર્જ આપવો પડી શકે છે.

એરલાઈન્સને ઈનમારસેટ જેવા સર્વિસ પ્રોવાઈડરોને ફલાઈટ દરમિયાન વાઈ-ફાઈની સુવિધા આપવા બદલ મોટી રકમ ચૂકાવવી પડશે. ઈન્ટરનેશનલ રૂટ્સના યાત્રીઓ માટે ચાર્જ આપવો મુશ્કેલ નહિં હોય પરંતુ ડોમેસ્ટિક પેસેન્જર્સ માટે આ થોડુ અઘરુ છે કારણ કે ડોમેસ્ટિક રૂટ્સ માટે એડવાન્સ બુકિંગનું ભાડુ ૧૨૦૦થી ૨૫૦૦ સુધી હોય છે. આવામાં વાઈફાઈનો વધારાનો ૫૦૦થી ૧૦૦૦નો ચાર્જ આપવો યાત્રીઓ માટે મુશ્કેલ બની જશે.

એક ખાનગી એરલાઈનના અધિકારીએ જણાવ્યું, 'અમે ડોમેસ્ટિક ફલાઈટ્સમાં આ પ્રકારની સુવિધા આપવાની શકયતાઓ અંગે વિચારી રહ્યા છે. કોઈપણ નિર્ણય લેતા પહેલા ખર્ચ અને ડિમાન્ડ અંગે વિચાર કરવો પડશે.'

(12:41 pm IST)