Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

ટુર ઓપરેટરોને ૫% GST વિકલ્પમાં ITC મળશે

એક ટુર ઓપરેટર બીજા ટુર ઓપરેટરની સર્વિસ લે તો તેમને આઇટીસી મળી શકશેઃ ટુર ઓપરેટરો માટે જીએસટી હેઠળ ૫% અને ૧૮% એમ બે વિકલ્પ આપવામાં આવ્યા

નવી દિલ્હી તા. ૨૩ : પ્રવાસના શોખીન ગુજરાતીઓ માટે જીએસટીમાં ખુશખબર છે. જીએસટી કાઉન્સિલની તાજેતરની બેઠકમાં સેવાઓ પરના કરમાં ઘણી આડકતરી રાહતો આપવામાં આવી છે. જે ટુર ઓપરેટરોએ પાંચ ટકા જીએસટીનો વિકલ્પ પસંદ કર્યો છે તેમને અત્યાર સુધી કોઇ પ્રકારની ઇનપુટ ટેકસ ક્રેડિટ (આઇટીસી) મળતી નહોતી પરંતુ હવે નિર્ણય કરવામાં આવ્યો છે કે જો ટુર ઓપરેટર બીજા ટુર ઓપરેટરની સર્વિસ લે તો તેમને તેના પર આઇટીસી મળી શકશે. આ પગલાંથી ગ્રાહકો માટે ટુર સસ્તી થશે પરંતુ કેટલા ટકા સસ્તી થશે તે અંગે હજુ સ્પષ્ટતા નથી.

સીએ કરીમ લાખાણીએ જણાવ્યું હતું કે, 'ટુર ઓપરેટરો માટે જીએસટી હેઠળ પાંચ ટકા અને ૧૮ ટકા એમ બે વિકલ્પ આપવામાં આવ્યા છે. કુલ સેવા ખર્ચના પાંચ ટકા જીએસટીનો વિકલ્પ પસંદ કરનારા ટુર ઓપરેટરોને કોઇ પ્રકારની આઇટીસી આપવામાં આવતી નથી જયારે ૧૮ ટકાનો વિકલ્પ લેનારા ઓપરેટરોને આઇટીસી મળે છે. જોકે, મોટાભાગના ટુર ઓપરેટરોએ પાંચ ટકાનો વિકલ્પ પસંદ કર્યો છે, જેમાં આઇટીસી ઉપલબ્ધ નહોતી. આ સ્થિતિમાં એવી પરિસ્થિતિનું નિર્માણ થતું હતું કે એક જ ગ્રાહકને ટુર ઓપરેટર પોતાના અન્ય ઓપરેટર સ્ત્રોત દ્વારા સેવાઓ પૂરી પાડે ત્યારે તે તમામે પાંચ ટકા જીએસટી ભરવાનો થતો હતો એટલે કે ડબલ ટેકસેશનની સ્થિતિ થતી હતી અને સરવાળે ગ્રાહકોને પણ ટુર મોંઘી પડતી હતી. તેઓ અન્ય સેવાઓ પર જે જીએસટી ચૂકવતા હતા તેની આઇટીસી મળતી નહોતી.'

તેમણે કહ્યું હતું કે કાઉન્સિલે છેલ્લી બેઠકમાં પાંચ ટકાનો વિકલ્પ પસંદ કરનારા ટુર ઓપરેટરોને રાહત આપવામાં આવી છે. કાઉન્સિલે ભલામણ કરી છે કે ટુર ઓપરેટર બીજા ટુર ઓપરેટર પાસેથી સેવા લે અને તે બંને પાંચ ટકા જીએસટી ભરતા હોય તો પણ તેઓ આ પ્રકારે લીધેલી સેવા પર ભરેલા જીએસટીની ક્રેડિટ લઇ શકશે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં આ માટેનું નોટિફિકેશન બહાર પાડે તેવી શકયતા છે.(૨૧.૬)

(9:37 am IST)