Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

દેશની બધી જ ટ્રેનો અને સ્ટેશનોમાં ૩૦૦૦ કરોડના ખર્ચે લાગશે CCTV

દરેક કોચમાં ૮ સીસીટીવીઃ પેસેન્જર સર્વિસ બનાવાશે આધુનિક

નવી દિલ્હી તા. ૨૩ : ટ્રેન મુસાફરોને સુરક્ષા અને સલામતી પૂરી પાડવાના પ્રયાસરૂપે ભારતીય રેલવે દેશભરમાં પોતાની તમામ ટ્રેન અને સ્ટેશન્સ પર ૧૨ લાખ અત્યાધુનિક સીસીટીવી કેમેરા લગાવશે. દેશભરમાં નાની-મોટી સહિત તમામ ૧૧,૦૦૦ ટ્રેન અને ૮૫૦૦ રેલવે સ્ટેશન્સ પર સીસીટીવી ઇન્સ્ટોલ કરવા માટે આગામી બજેટ ૨૦૧૮-૧૯માં ૩,૦૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ છે. આ સાથે ભારતીય રેલવે નેટવર્કનાં તમામ ૮૫૦૦ સ્ટેશન પર સુરક્ષાની જોગવાઈ કરવામાં આવી છે.

રેલવેની યોજના અનુસાર, દરેક કોચમાં આઠ સીસીટીવી કેમેરા હશે, જે પ્રવેશ દ્વાર, કોચની વચ્ચેના ભાગને તથા કોચના છેવાડાના ભાગને કવર કરશે. સ્ટેશન્સના દરેક મહત્ત્વના પોઇન્ટ્સ પર સર્વેલન્સ સિસ્ટમ સ્થાપિત કરાશે. હાલ ૩૯૫ રેલવે સ્ટેશન અને આશરે ૫૦ ટ્રેન સીસીટીવી સિસ્ટમ્સથી સજ્જ છે.

રેલવે મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાનુસાર, 'આગામી બે વર્ષમાં જ તમામ મેલ/એકસપ્રેસ, રાજધાની, શતાબ્દી, દુરન્તો સહિતની પ્રીમિયર ટ્રેન તથા લોકલ પેસેન્જર સર્વિસીસ આધુનિક સર્વેલન્સ સિસ્ટમથી સજ્જ કરવામાં આવશે.' રેલવે સીસીટીવી કેમેરા સ્થાપિત કરવા માટે ફંડ એકત્રિત કરવા વિભિન્ન વિકલ્પો શોધી રહ્યું છે અને જો જરૂર પડશે તો બજારમાંથી સંસાધનો એકત્રિત કરશે.

છેલ્લા એક વર્ષમાં વધી રહેલી ટ્રેન દુર્ઘટનાઓને જોતાં, આ વખતે રેલવે બજેટમાં સુરક્ષા-સલામતી અને અકસ્માતો રોકવાને પ્રાથમિકતા આપવામાં આવશે. આ સિવાય મુસાફરોની સુવિધાઓ વધારવાને પ્રાથમિકતા આપવામાં આવશે.(૨૧.૫)

(9:35 am IST)