Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

જડબાતોડ જવાબઃ BSFએ છોડયા ૯૦૦૦ મોર્ટારઃ પાક. છાવણીનો ભુક્કો

પાકિસ્તાની રેન્જર્સના ઓઇલ ડેપો અને ઘણી ફાયરીંગ પોઝિશન્સ તબાહ

નવી દિલ્હી તા. ૨૩ : પાકિસ્તાન તરફથી અકારણે ગોળીબારનો સરહદ પર તહેનાત બોર્ડર સિકયોરિટી ફોર્સ (બીએસએફ) અને સૈન્યના જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાન દ્વારા સતત સંઘર્ષવિરામનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. પાકિસ્તાની સૈન્યે નિર્દોષ નાગરિકોને પણ નિશાન બનાવ્યાં હતાં. છેલ્લા ચાર દિવસોમાં બીએસએફે જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદ (IB) પર પાકિસ્તાનની છાવણીઓ પર ૯૦૦૦ રાઉન્ડ મોર્ટાર છોડ્યા છે.

ખાસ વાત એ છે કે, બીએસએફે ટાર્ગેટ બનાવીને જવાબી કાર્યવાહી કરી છે, જેનાથી પાકિસ્તાનને ભારે નુકસાન થયું છે. અધિકારીઓએ સોમવારે કહ્યું હતું કે, પાકિસ્તાની રેન્જર્સના ફયૂઅલ ડમ્પ (ઓઇલ ડેપો) અને ઘણી ફાયરિંગ પોઝિશન્સને તબાહ કરી દેવામાં આવી છે.

બીએસએફ અને ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, જમ્મુમાં ૧૯૦ કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ પર સ્થિતિ ઘણી તણાવપૂર્ણ છે. પાકિસ્તાન તરફથી રવિવારે સાંજથી જ સમગ્ર વિસ્તારમાં ભારે ગોળીબારી કરવામાં આવી રહ્યો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, પાકિસ્તાને પહેલેથી જ શાંતિ ભંગ કર્યો છે અને બીએસએફની ચોકીઓ અને રહેણાક વિસ્તારોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે.

ત્યાર બાદ બીએસએફે ૧૯ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ૯૦૦૦ રાઉન્ડ મોર્ટાર છોડ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મોર્ટારની સાથે અન્ય હથિયારો વડે પણ જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. બીએસએફે કહ્યું છે કે, ફોર્સ ટાર્ગેટ બનાવીને ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે, જેનાથી પાકિસ્તાની રેન્જર્સની ઘણી ફાયરિંગ પોઝિશન્સ, મોર્ટાર લોન્ચિંગ પેડ્સ, હથિયાર અને ઓઇલ ડિપોને નષ્ટ કરી દેવાયાં છે. ફોર્સે બે વીડિયો પણ જાહેર કર્યા છે, જેમાં ઓઇલ ડેપોનો નાશ કર્યાની તસવીર દેખાય છે.

(9:34 am IST)