Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

'દલિત' શબ્દ કહેવા પર મધ્યપ્રદેશ હાઈકોર્ટે પ્રતિબંધ મુક્યો

સરકારી અને બિન-સરકારી વિભાગોમાં દલિત શબ્દનો ઉપયોગ ન કરવા જાહેર હિતની અરજી પર આપ્યો આદેશ

ગ્વાલિયર  : મધ્યપ્રદેશ હાઈકોર્ટની ગ્વાલિયર બેન્ચ દ્વારા જનહિતની સુનાવણી વખતે 'દલિત' શબ્દનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ડૉ. મોહન લાલ માહૌરએ દલિત શબ્દ પર તેમનો વાંધો વ્યક્ત કરતા હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી હતી, જેમાં જણાવાયું હતું કે બંધારણમાં આ શબ્દનો કોઈ ઉલ્લેખ જ નથી.

આ વર્ગના લોકો અનુસૂચિત જાતિ અથવા જનજાતિ તરીકે ઓળખાય છે. આવી પરિસ્થિતિમાં, દલિત શબ્દનો ઉપયોગ સરકારી દસ્તાવેજોમાં અને અન્યત્ર બંધારણથી વિરૂધ કરવામાં આવી રહ્યો છે.

હાઈકોર્ટે અરજીની સુનાવણી કરતી વખતે આદેશ આપ્યો હતો કે દલિત શબ્દનો ઉપયોગ કોઈ પણ સરકારી કે બિન-સરકારી વિભાગોમાં કરવામાં ન આવે અને તેમને માટે બંધારણમાં ઉલ્લેખ હોય તે જ શબ્દોનો ઉપયોગ કરે. અરજદારના વકીલ અભિષેક પરાશરે જણાવ્યું હતું કે આ આદેશ સમગ્ર મધ્યપ્રદેશમાં લાગુ થશે.

બંધારણમાં દલિત શબ્દનો કોઈ ઉલ્લેખ નથી. 2008 માં, રાષ્ટ્રીય SC કમીશને તમામ રાજ્યોને તેમના સત્તાવાર દસ્તાવેજોમાં દલિત શબ્દનો ઉપયોગ ન કરવા સૂચના આપી હતી.

જો કે આ શબ્દનો ઉપયોગ ડૉ. ભીમરાવ આંબેડકર, શ્રી કાંશીરામ સહિત દેશભરના દલિત વિચારકોથી લઈને સામાન્ય લોકો પણ કરતા આવ્યા છે.

(9:03 am IST)