Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

કોંગ્રેસ પાર્ટી ખતમ થવાની સાથે નેતાઓના પતન માટે ફાઇવ સ્ટાર સંસ્કૃતિ મુખ્ય કારણ છે: ગુલાબનબી આઝાદ

પાર્ટીએ જમીની સબંધ ગુમાવ્યો : નેતાઓ ફાઇવ સ્ટાર સંસ્કૃતિ છોડશે નહીં ત્યાં સુધી કોઇ ચૂંટણી જીતી શકાશે નહી

નવી દિલ્હી: બિહાર વિધાનસભા ચૂંટણી અને અન્ય રાજ્યોની પેટાચૂંટણીમાં કોંગ્રેસની હાર થતાં પાર્ટીમાં આતંરિક મતભદો બહાર આવ્યા છે પાર્ટીના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદે પાર્ટી નેતૃત્વ અને પાર્ટીની સ્થિતિને લઇને નિવેદન આપ્યુ હતું. તાજેતરના ચૂંટણી પરિણામોને લઇને તેમણે જણાવ્યું હતું કે, પાર્ટી તમામ નુકસાન વિશે ચિંતામાં છે, ખાસ કરીને બિહાર અને પેટાચૂંટણી વિશે. હું નુકસાન માટે નેતૃત્વને દોષ નથી આપતો, પરંતુ અમારા લોકોએ જમીની સંબંધ ગુમાવી દીધો છે.

કોંગ્રેસ નેતાનું કહેવુ હતું કે આજે નેતાઓની સૌથી મોટી સમસ્યા એ છે કે તેમને ટિકિટ મળતાની સાથે જ પહેલા ફાઇવ સ્ટાર હોટલ બુક કરાવે છે. જો કોઇ ખરાબ રોડ હોય તો ત્યાં પ્રચાર માટે નથી જતા. જ્યાં સુધી પાર્ટીની અંદરના નેતાઓ ફાઇવ સ્ટાર સંસ્કૃતિ છોડતા નથી ત્યાં સુધી કોઇ ચૂંટણી જીતી શકાશે નહીં.

તેમણે જણાવ્યું કે ફાઇવ સ્ટાર સંસ્કૃતિ કોંગ્રેસ પાર્ટી ખતમ થવાની સાથે નેતાઓનું પતન થવાનુ મુખ્ય કારણ છે. તેમણે રાજકારણને તપસ્યા કહી હતી અને એવા લોકો માટે ધૃણા વ્યક્ત કરી હતી જેઓ આનંદ અને પૈસા માટે રાજકારણમાં જોડાય છે.

બિહાર ચૂંટણી પછી કોંગ્રેસમાં વિરોધના સૂર બહાર આવવા લાગ્યા હતા. પાર્ટીના દિગ્ગજ નેતાઓએ નેતૃત્વ સામે સવાલો કર્યા તો કેટલાકે પાર્ટીની રણનીતિ સામે સવાલો કર્યા હતા. એવામાં ગુલાબ નબી આઝાદનું આ નિવેદન પાર્ટી કલ્ચર પર ધ્યાન દોરી રહ્યુ છે.

(7:58 pm IST)