Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

કોંગ્રેસ પાર્ટી દેશમાં અસરકારક વિપક્ષ રહી જ નથી : કોંગ્રેસ પોતાના સંગઠનને વધારે મજબુત બનાવવાના કોઈ પ્રયાસ જ નથી કરી રહી: કપીલ સિબ્‍બ્‍લનો રાહુલ-સોનિયા પર આકરા પ્રહારો

નવી દિલ્હી : લોકસભામાં કોંગ્રેસના સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરી અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત જેવા દિગ્ગજ નેતાઓના પ્રહારો વચ્ચે ફરી એકવાર પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે કોંગ્રેસ હાઈકમાન્ડ પર આકરા પ્રહારો કર્યા છે.

સોનિયા ગાંધીને પત્ર લખનારા જુથના 23 નેતાઓમાંના દિગ્ગજ નેતા કપિલ સિબ્બલે તો ત્યાં સુધી કહી દીધું છે કે, કોંગ્રેસ પાર્ટી દેશમાં અસરકારક વિપક્ષ રહી નથી ગયો.

સિબ્બલે દાવો કર્યો છે કે, કોંગ્રેસ પોતાના સંકઠનને વધારે મજબુત બનાવવાના કોઈ પ્રયાસ નથી કરી રહી. એક વર્ષ કરતા પણ વધારે સમય સુધી કોંગ્રેસ અધ્યક્ષ પદને લઈ ચૂંટણી ના કરવાનો મુદ્દો ફરી એકવાર ઉઠાવતા સિબ્બલે પાર્ટીના કામકાજની રીત પર ગંભીર સવાલ ઉઠાવ્યા હતાં. તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષનું પદ છોડ્યાને દોઢ વર્ષ થયું. કોઈ પણ રાજકીય પક્ષ દોઢ વર્ષ સુધી નેતા વગર કામ કઈ રીતે કરી શકે? કોંગ્રેસ કાર્યકર્તાઓને ખબર નથી કે તેમને જવાનું છે ક્યાં.

પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, વર્તમાન ચૂંટણીઓમાં વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં કોંગ્રેસની કોઈ ખાસ અસર રહી ગઈ નથી. ઉપરાંત ગુજરાત અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યો કે જ્યાં કોંગ્રેસની સીધી ટક્કર ભાજપ જોડે હતી ત્યાં પણ પરિણામો તદ્દન ખરાબ આવ્યા છે. અમે ગુજરાતની તમામે તમામ 8 વિધાનસભા બેઠકો હારી ગયા. 65 % મત ભાજપના ખાતામાં ગયા જ્યારે બેઠકો પક્ષ પલટો કરીને આવેલા કોંગ્રેસીઓના કારણે ખાલી થઈ હતી.

સિબ્બલના જણાવ્યા પ્રમાણે, રહી વાત મધ્ય પ્રદેશની તો અહીં તમામે તમામ 28 બેઠકો કોંગ્રેસના ધારાસભ્યોએ પક્ષપલટો કરવાના કારણે ખાલી થઈ હતી પરંતુ પાર્ટી માત્ર 8 બેઠકો જીતી શકી. જ્યાં પણ ભાજપ સામે બબ્બે હાથની સ્થિતિ આવે છે ત્યાં ત્યાં અમે અસરકારક વિકલ્પ રહી ગયા નથી. કંઈક તો ખોટું થઈ રહ્યું છે. દિશામાં આપણે કઈંક કરવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના 23 દિગ્ગજ નેતાઓમાંના એક એવા કપિલ સિબ્બલે સીધી રીતે સોનિયા ગાંધીને પત્ર લખી કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીને લઈને ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી. સાથે તેમણે કોંગ્રેસને આત્મમંથન કરવાની સલાહ પણ આપી હતી. ત્યારથી હાંસિયામાં ધકેલાઈ ગયેલા કપિલ સિબ્બલ સમયાંતરે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરી પાર્ટી માટે મુશ્કેલીઓ ઉભી કરી રહ્યાં છે.

(11:51 am IST)