Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

આત્મનિર્ભરતા થકી શોનાર બાંગ્લાના સપનું સાકાર થશે

દુર્ગા પૂજા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વર્ચ્યુઅલ સંબોધન : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળ ચૂંટણીનું બ્યૂગલ ફૂક્યું, સરકારે પૂર્વોદયનો મંત્ર સાથે પૂર્વ ભારતના વિકાસ માટે નિર્ણયો કર્યાનો દાવો

નવી દિલ્હી, તા. ૨૨ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કોલકાતાના દુર્ગા પૂજાના કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે સામેલ થઈને સંબોધન કર્યું હતું. સાથે તેમણે પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભા ચૂંટણીનું રણશિંગૂ પણ ફૂંક્યું હતું. નવરાત્રિના છઠ્ઠા દિવસે પીએમ મોદીએ બંગાળમાં દુર્ગાપૂજા પંડાલનું ઉદ્ઘાટન કર્યું હતું. સંબોધનનો પ્રારંભ બંગાળી ભાષામાં બોલીને કર્યો હતો. વડાપ્રધાને બંગાળીમાં લોકોને દુર્ગા પૂજાના અભિનંદન આપ્યા હતા તેમજ આત્મનિર્ભર ભારતમાં બંગાળની મહત્વની ભૂમિકા વિશે તેમજ કેન્દ્રની વિકાસ યોજનાઓ વિશે જણાવ્યું હતું. આગામી વર્ષે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી યોજાનાર છે અને ભાજપની નજર બંગાળ પર છે. દુર્ગા પૂજાના અવસરે પીએમ મોદીએ ચૂંટણીનું બ્યુગલ પણ ફૂંક્યું હતું. વર્ચ્યુઅલ સંબોધનમાં પીએમે જણાવ્યું કે કેન્દ્ર સરકાર આત્મનિર્ભાર ભારતના સંકલ્પને લઈને આગળ વધી રહી છે, જેથી બંગાળનો વિકાસ કરી શકાય.

આત્મનિર્ભર ભારત થકી શોનાર બાંગ્લાના સપનાને સાકાર કરી શકાશે અને સરકાર તે દિશામાં કામ કરે છે. વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે પીએમ આવાસ યોજના અંતર્ગત ૩૦ લાખ ઘરોનું નિર્માણ કરાયું છે, ઉજ્જવલા યોજનામાં ૯૦ લાખ મહિલાઓને ગેસ જોડાણ અપાયા છે. બંગાળમાં ચાર કરોડ બેક્ન ખાતા પણ ખોલવામાં આવ્યા છે. પીએમ મોદીએ જણાવ્યું કે કોલકાતામાં મેટ્રો પ્રોજેક્ટની ઝડપ પણ વધારાઈ છે. સરકારે પૂર્વોદયનો મંત્ર અપનાવ્યો છે અને પૂર્વ ભારતના વિકાસ માટે સતત નિર્ણયો લીધા છે. સરકારે મહિલા સુરક્ષાની દિશામાં પણ મહત્વના નિર્ણયો લીધા છે. બળાત્કાર વિરોધી કાયદો મજબૂત કરાયો છે અને દોષિતોને ફાંસીની સજા સુધીની જોગવાઈ પણ સરકારે કરી હોવાનું વડાપ્રધાને સંબોધનમાં જણાવ્યું હતું. બંગાળ ભાજપ દ્વારા આયોજિત દુર્ગા પૂજામાં સામેલ થઈને હું ધન્યતા અનુભવું છું તેમ પીએમ મોદીએ જણાવ્યું હતું. કેન્દ્ર સરકાર બંગાળના વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને હાઈવે તેમજ જળમાર્ગ સહિત માળખાકીય ક્ષેત્રના વિકાસ માટે રાજ્યને જંગી ફંડ પુરું પાડ્યું છે.

(7:36 pm IST)