Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

બેંકોને વ્યાજ પરનું વ્યાજ ચુકવશે સરકાર

આર્થિક મામલાની કેબિનેટ સમિતિનો નિર્ણય

નવી દિલ્હી તા. રરઃ કોરોના મહામારીના કારણે હપ્તા ચુકવવામાં ગ્રાહકોને છ મહિનાની રાહતનો બોજ સરકાર ઉપાડશે. આર્થિક બાબતોની કેબિનેટ કમીટીએ આ દરમ્યાન બેંકોને માસિક હપ્તાના વ્યાજ પરનું વ્યાજ ચુકવવાનો નિર્ણય લીધો છે. જો કે હજી આ કેસ સુપ્રીમમાં છે એટલે સરકાર પહેલા આની માહિતી જ સુપ્રીમને આપશે.

કેબિનેટના નિર્ણય અનુસાર, સરકાર ખાસ શ્રેણીની લોન પર છ મહિનામાં વસુલાયેલ ચક્રવૃધ્ધિ વ્યાજ અને સામાન્ય વ્યાજના ડીફરન્સનું ચુકવણું કરશે.

સરકારી સુત્રો અનુસાર, એમએસએમઇ, શિક્ષણ, આવાસ, ક્રેડીટ કાર્ડની બાકી, વાહન અને પર્સનલ લોન જેવી લોન આમાં આવશે. એક અનુમાન મુજબ, વ્યાજના વ્યાજનું આ ચુકવણાથી સરકારી ખજાના પર પપ૦૦ કરોડનો બોજ આવશે.

કોરોના સંક્રમણના કારણે આબીઆઇએ ૧ માર્ચથી ૩૧ ઓગસ્ટ સુધીની મોરેટોરીયમ મુદત લાગુ કરી હતી એટલે તે દરમ્યાન જો પૈસાની અગવડતા કારણે કોઇ હપ્તો ન ચૂકવી શકે તો તેને લોન ડીફોલ્ટ નહીં ગણવામાં આવે.

જો કે તે દરમ્યાન ન ચુકવાયેલ હપ્તાઓ પર બેંકોએ ગ્રાહકો પાસેથી વ્યાજ લેવાનું ચાલુ કરી દીધું હતું. તેની સામે ઘણાં ગ્રાહકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ કેસમાં સુપ્રીમમાં સુનાવણી ચાલી રહી છે. સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, એમએસએમઇ અને વ્યકિતગત શ્રેણી ભેગી કરીને તે ફકત ર કરોડ રૂપિયા સુધીનું ચક્રવૃધ્ધિ વ્યાજ ચૂકવશે.

(12:52 pm IST)