Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

CBIC એ આધારે ધોકો પછાડ્યો

આયકર ભર્યો પણ સર્વિસ ટેક્ષ કેમ નથી ભર્યો ? હજારો લોકો -કંપનીઓને નોટિસ

નવી દિલ્હી,તા.૨૨: આવકવેરા રિટર્નમાં આપવામાં આવેલી માહિતી- ફીડબેકના આધારે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેકટ ટેકસીસ એન્ડ કસ્ટમ્સ (CBIC) દ્વારા કંપનીઓ અને સર્વિસ પ્રોવાઈડર્સ સહિત હજારો કરદાતાઓને નોટિસ ફટકારવામાં આવી છે. CBDT અને CBIC  વચ્ચે કંપનીઓ અને વ્યકિતગત કરદાતાઓ વિશેની માહિતી (ડેટા) આપ-લે કરવાની સમજૂતી અંતર્ગત મળેલી વિગતો- ફીડબેકના આધારે સર્વિસ ટેકસના દાયરામાં આવનારાઓને નોટિસો આપવાને પગલે હજારો કરદાતાઓમાં ફફડાટ ફેલાયો છે. કરદાતાઓએ ફાઈલ કરેલા ઈન્કમટેકસ રિટર્ન અને સર્વિસ ટેકસના રિટર્નની વિગતો અને માહિતીનું ક્રોસ વેરિફિકેશન કરીને તેમજ અન્ય ડેટાનું એનાલિસીસ કરીને સર્વિસ ટેકસ ભરવામાંથી છટકી ગયેલા કરદાતાઓની યાદી તૈયાર કરવામાં આવી છે.

CBDT અને CBIC વચ્ચે ૨૦૧૫માં થયેલી ડેટા શેરિંગની સમજૂતી નવેસરથી કરવા સંમત થયા છે. જેના પરિણામે ૨૦૧૪-૧૫ પછીના સમયગાળામાં વ્યકિત અથવા કંપની દ્વારા ઈન્કમટેકસ પેટે નોંધપાત્ર રકમ ચૂકવી હોય પરંતુ જો વ્યકિત કે કંપનીએ સર્વિસ ટેકસની ચુકવણી નહીં કરી હોય તેવા જંગી કમાણી કરનાર વ્યકિતગત અને કંપની- કોર્પોરેટ કરદાતાઓને સર્વિસ ટેકસના દાયરામાં લાવવાના પ્રયાસો હાથ ધરાયા છે તેમજ લાખો રૂપિયાનો આવકવેરો ભર્યો પરંતુ સર્વિસ ટેકસ કેમ નથી ભર્યો, તે અંગેના પ્રશ્નો- કવેરી કાઢવામાં આવી રહી છે. આ હેતુસર અપાતી નોટિસમાં કરદાતાઓને થયેલી આવક પર ભરવાપાત્ર ૧૫ ટકા સર્વિસ ટેકસ ભરવા તાકીદ કરાઈ છે. કરદાતાઓને કરવેરાની જાળ હેઠળ આવરી લેવા માટે સરકારના જુદા જુદા વિભાગો અને સરકારી એજન્સીઓ પાસેથી પણ વિગતો અને ફીડબેક મંગાવવામાં આવી રહ્યા છે અને તેનું વિશ્લેષણ કરીને આગામી દિવસોમાં ટેકસ ડિમાન્ડ સાથેની નોટિસો આપવામાં આવે તેવી શકયતા છે.

(11:26 am IST)