Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

જમ્‍મુ-કાશ્‍મીર પોલીસ દ્વારા આતંકી કાર્યકર સાથે કથિત સંબંધોના આરોપમાં ડેપ્‍યુટી સુપ્રિન્‍ટેડન્‍ટની ધરપકડઃ શ્રીનગર કોર્ટે વોરન્‍ટ મોકલ્‍યુ હતુ

કોર્ટ દ્વારા 6 દિવસના રિમાન્‍ડઃ શેખ આદિલ મુસ્‍તાક આતંકવાદીઓ સાથે સંબંધ રાખતો હતો

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર પોલીસે આતંકી કાર્યકર સાથે કથિત સંબંધોના આરોપસર એક ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટની ધરપકડ કરી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. શ્રીનગરની કોર્ટ દ્વારા વોરન્ટ જારી કરાયા બાદ આ અધિકારીની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટનું નામ શેખ આદિલ મુસ્તાક હોવાનું જાણવા મળી રહ્યું છે.

આતંકવાદીની મદદનો આરોપ

આ અધિકારી પર આતંકવાદીના એક સહયોગીને ધરપકડથી બચવામાં મદદ કરવાનો અને તેની તપાસ કરી રહેલા એક પોલીસ અધિકારીને ફસાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવાયો છે. શ્રીનગર પોલીસ અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર શેખ આદિલની બુધવારે નૌગામ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ ધરપકડ કરી હતી. તેની સામે ભ્રષ્ટાચાર સહિત અનેક આરોપો મૂકાયા છે. આદિલને શ્રીનગરમાં એક મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરાયા હતા. મેજિસ્ટ્રેટે તેમના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

આતંકી કાર્યકરોના સતત સંપર્કમાં હોવાનો દાવો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જુલાઈમાં ધરપકડ કરાયેલા એક આતંકીના ફોન પરથી માહિતી મળી હતી કે શેખ આદિલ મુશ્તાક તેના સતત સંપર્કમાં હતો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીનો એક આતંકવાદી સાથે સંબંધ હોવાની અને તેને મદદ કરવાની ઘટનાએ સૌને ચોંકાવી દીધા. આરોપીએ તેને કથિત રીતે કાયદાથી બચવાના ઉપાયો જણાવ્યા હતા. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ આદિલ મુસ્તાક ટેલીગ્રામ એપ પર આરોપી સાથે સતત ચેટ કરતો હતો. તપાસ સંભાળી રહેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે આતંકી આરોપી અને પોલીસ ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ વચ્ચે લગભગ 40 વખત કોલ પર વાતચીત થઈ હતી. તે તેને ગાઇડ કરી રહ્યો હતો.

આ ઉપરાંત આદિલ શેખે આતંકવાદી પાસેથી રૂ. 5 લાખ પણ લીધા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ડીએસપી શેખ સતત આતંકવાદી મુઝમ્મિલ ઝહૂરના સંપર્કમાં હતા. મીડિયા અહેવાલો પ્રમાણે આ આતંકવાદીએ ફંડિંગ મેનેજમેન્ટ માટે બનાવટી દસ્તાવેજોના આધારે એક બેંક એકાઉન્ટ પણ ખોલાવ્યું હતું.

(5:25 pm IST)