Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

ભારતીય ટીમનો એક એવો દિગ્ગજ ક્રિકેટર છે જેણે આખી કારકિર્દીમાં એક પણ નો બોલ ફેંક્યો નથી !!

મુંબઈ :ક્રિકેટની રમતમાં બોલરની ભૂમિકા હંમેશા ખૂબ મહત્વની હોય છે. જ્યારે બેટ્સમેન તેની ટીમ માટે રન બનાવવાનો પ્રયાસ કરે છે, ત્યારે બોલર રન બચાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરે છે. પરંતુ આ પ્રયાસમાં ઘણી વખત બોલર પણ ભૂલ કરે છે. ખાસ કરીને વાઈડ અને નો બોલ ફેંકવાનો ડર હંમેશા રહે છે, પરંતુ ટીમ ઈન્ડિયાનો એક એવો બોલર રહ્યો છે જેણે ક્યારેય એક પણ નો બોલ ફેંક્યો નથી.

હા, ભારતીય ટીમનો એક એવો દિગ્ગજ ક્રિકેટર છે જેણે પોતાની આખી કારકિર્દીમાં એક પણ નો બોલ ફેંક્યો નથી. આશ્ચર્યની વાત એ છે કે આ ખેલાડી ફાસ્ટ બોલિંગ કરતો હતો અને તેણે તેની 16 વર્ષની લાંબી કારકિર્દીમાં ક્યારેય ભૂલ કરી નથી. આ ખેલાડી બીજું કોઈ નહીં પરંતુ 1983માં ભારતને પહેલો વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટન કપિલ દેવ છે. આ દિગ્ગજ ક્રિકેટર એક શાનદાર બેટ્સમેન હોવાની સાથે સાથે ઘાતક બોલર પણ હતો, પરંતુ તેમ છતાં તેણે ક્યારેય એક પણ નો બોલ ફેંક્યો ન હતો.

કપિલ દેવ એકમાત્ર એવા કેપ્ટન હતા જેમણે 1983માં ભારતને પ્રથમ વર્લ્ડ કપ જીતાડ્યો હતો. કપિલે ભારત માટે 131 ટેસ્ટ અને 225 વનડે રમી છે. આ દરમિયાન તેણે 8 હજારથી વધુ રન બનાવ્યા હતા. આ સાથે જ તેના નામે 434 ટેસ્ટ અને 253 વનડે વિકેટ છે. કપિલ જેવો ઓલરાઉન્ડર ભારતમાં આજ સુધી જન્મ્યો નથી. કપિલે એવા સમયે ભારત માટે વર્લ્ડ કપ જીત્યો હતો જ્યારે ટીમ ઈન્ડિયા પાસેથી કોઈને આશા નહોતી.

કપિલ દેવ સિવાય દુનિયામાં એવા 4 અન્ય બોલર છે જેમણે પોતાની આખી કારકિર્દીમાં એક પણ નો બોલ ફેંક્યો નથી. કપિલ ઉપરાંત વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ સ્પિનર લાન્સ ગિબ્સ, ઓસ્ટ્રેલિયાના ડેનિસ લિલી, ઈંગ્લેન્ડના દિગ્ગજ ઓલરાઉન્ડર ઈયાન બોથમ, પાકિસ્તાનના સૌથી સફળ કેપ્ટન ઈમરાન ખાનનું નામ પણ આવે છે. આ તમામ ખેલાડીઓ તેમના સમયના સૌથી દિગ્ગજ ક્રિકેટરોમાંના એક છે. પરંતુ આજના સમયમાં એવો કોઈ બોલર નથી કે જેણે નો બોલ ન નાખ્યો હોય

(11:34 pm IST)