Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

વધુ રીટર્ન કે એશ્યોર્ડ રીટર્નની ઓફર કરી ગ્રાહકોને હવે લૂંટી નહિં શકાય

મોદી સરકારે પોંઝી સ્કીમો-પોંઝી કંપનીઓ ઉપર લગામ કસવા તૈયાર કર્યો કડક કાયદોઃ આકરો દંડ અને લાંબી સજાની જોગવાઈઃ લોકોના પૈસા ચાંઉ કરી જતા ઠગભકતો-કંપનીઓને હવે ધોળા દિવસે તારા બતાડાશેઃ હવે પઝેશન સુધી રીયલ એસ્ટેટના ડેવલોપરો ફીકસ રીટર્નની ઓફર કરી નહી શકે કે જ્વેલર્સ ૧૧ હપ્તાની સ્કીમ વડે પૈસા ઉઘરાવી નહીં શકેઃ પીયરલેસ, જેવીજી, કુબેર, શારદા જેવી કંપનીઓ હવે લોકોને ઠગી નહી શકે

નવી દિલ્હી, તા. ૨૨ :. અત્યંત આકર્ષક રીટર્ન કે વધુ વ્યાજ આપવાની લાલચ આપીને લોકો પાસેથી પૈસા એકઠા કરનાર પોંઝી કંપનીઓ હવે બચી નહી શકે. આવી કંપનીઓ વિરૂદ્ધ આકરા કાયદાનો મુસદો તૈયાર થઈ ચૂકયો છે. પીએમ મોદીના વડપણમાં તાજેતરમાં મળેલી કેન્દ્રીય કેબીનેટની બેઠકમાં આને મંજુરી આપવામાં આવી છે. બેનીંગ ઓફ અનરેગ્યુલેટેડ ડીપોઝીટ સ્કીમ ખરડો ૨૦૧૮ આવતા સપ્તાહમાં પસાર કરવાનો પ્રયાસ થશે. જેનેથી ગેરકાનૂની રીતે ચલાવવામાં આવતી તમામ પ્રકારની પોંઝી કે ડીપોઝીટ સ્કીમો પર પ્રતિબંધ આવી જશે અને તેણે ચલાવનાર વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવામા આવશે. આવુ ચલાવનાર લોકો કે કંપનીઓની સંપત્તિઓને એક નિશ્ચિતગાળામાં જપ્ત કરવા અને તેમનુ વિરૂદ્ધ ભારે દંડ લગાવવાનો માર્ગ પણ ખુલશે. આ સૂચીત કાયદો પોંઝી સ્કીમ ચલાવતા રીયલ એસ્ટેટના ડેવલોપરો કે જેઓ પઝેશન સુધી ફીકસ રીટર્નની ઓફર કરતા હોય કે પછી જવેલર્સ દ્વારા કોઈ સ્કીમ ચલાવાતી હોય તો તે બધુ બંધ થઈ જશે કારણ કે સરકાર માને છે કે, આ બધી અનરેગ્યુલેટેડ ડીપોઝીટ છે.

 

રીટેલર્સ, જ્વેલર્સ કે અન્ય ડીપોઝીટ મેળવતા લોકો કે સંસ્થાઓ ઉપર હવે લગામ આવશે. આ કાયદેને પરિણામ રીયલ એસ્ટેટના ડેવલપરો પઝેશન સુધી ૧૨ થી ૧૪ ટકાની એસ્યોર્ડ રીટર્નની ઓફર કરતા હોય છે તેઓ હવે આવુ કરશે નહી. ઉપરાંત અનેક જ્વેલર્સ એવી ઓફર કરતા હોય છે કે, તમે ૧૧ હપ્તા ભરો અને ૧૨મો હપ્તો અમે ભરીશું. આવી ઓફરો પણ બંધ થશે કારણ કે જ્વેલર્સ લોકો પાસેથી લીધેલ રકમનો ઉપયોગ પોતાની રીતે કરતા હોય છે. આ ઉપરાંત અનેક પ્રકારે ડીપોઝીટો ઉઘરાવતા હોય છે અને એસ્યોર્ડ રીટર્નની ઓફર કરતા હોય છે ત્યારે સરકારનુ કહેવુ છે કે, આવી સ્કીમો બીજુ કંઈ નહી પણ ડીપોઝીટ છે અને તેના પર હવે નિયમન જરૂરી છે. હવેથી આ પ્રકારની ડીપોઝીટ લેનારાઓ કે ઓથોરીટી સમક્ષ પોતાનું નામ નોંધાવવાનું રહેશે અને પછી તે આગળ કાર્યવાહી કરી શકશે.

કેબીનેટે ચીટ ફંડ કારોબારને વધુ પારદર્શી તથા તેને સારી રીતે ચલાવવા માટેના કાયદાના મુસદ્દાને પણ મંજુરી આપી છે. સરકારે સ્પષ્ટ કર્યુ છે કે પ્રાઈઝ ચીટ પરનો પ્રતિબંધ ચાલુ રહેશે.

ગેરકાનૂની રીતે ચલાવવામાં આવી રહેલી ડીપોઝીટ સ્કીમો ઉપર કાનૂની રીતે પ્રતિબંધ લગાવવાના ફેંસલાને મહત્વનો ગણવામાં આવે છે. નવા કાયદામાં એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે, પીયરલેસ, જેવીજી, કુબેર, હીલીયસ, શારદા જેવી કંપનીઓ ફરીથી લોકોને ઠગી ન શકે. આ બધી કંપનીઓ લોકોના પૈસા ચાંઉ કરી છનન થઈ ગઈ છે. સરકારના બધા પ્રયાસો  છતા આવી કંપનીઓ ગ્રાહકોને પૈસા પાછા આપતી નથી.

નવા કાયદામાં એ સુનિશ્ચિત થશે કે આવી સ્કીમોમા ફસાયેલા ગ્રાહકોની રકમ નહી ચુકવનાર કંપનીઓ તથા તેમના પ્રમોટરો વિરૂદ્ધ પેનલ્ટી પણ લાગે અને તેઓને વધુ સમયની સજા પણ થાય. એવી સ્કીમોનો ડેટા તૈયાર થશે જેનાથી ફ્રોડ કરવાના હેતુથી જો કોઈ સ્કીમ લોન્ચ કરે તો તેની તરત જ જાણ થઈ જશે.

સરકારનો હેતુ છે કે નવા કાયદા થકી આમ આદમીના દરેક નિવેસ પર નજર રાખી શકાય. સરકારનું માનવુ છે કે, ગેરકાનૂની કમાણી ઉપર આનાથી રોક લાગી જશે.

(11:29 am IST)