Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

સરકારે જીએસટીઆર-૩બીમાં સુધારા કરતા વેપારીઓની મુશ્કેલી હળવી બનશે

જીએસટીના અમલીકરણ સાથે જ તેના રીટર્નની સમસ્યાથી વેપારીઓ ત્રસ્ત હતા

નવી દિલ્હી, તા. ૨૨ : જીએસટીના  અમલીકરણ સાથે જ તેના રીટર્ન ભરવાની સમસ્યાઓથી વેપારીઓ ત્રસ્ત છે ત્યારે બુધવારથી જીએસટીના માસિક જીએસટીઆર - ૩બી રીટર્ન ભરવામાં સરકારે કેટલાક સુધારા કર્યા છે જેના કારણે મુશ્કેલીઓ હળવી બનશે એમ નિષ્ણાંતોએ જણાવ્યુ હતું.જીએસટીઆર-૩બી રીટર્નમાં તમામ વિગતો મેન્યુઅલી ગણતરી કરીને ભરવી પડતી હતી તેમાં હવે ઓટોમેટીક ગણતરી થશે જેના કારણે સમયની પણ બચત થશે અને ચોકસાઈ પણ વધશે.

જીએસટીઆર-૩બી વેપારીએ કરેલી ખરીદી અને વેચાણનું સારાંશરૂપ રીટર્ન ે અને કોમ્પોઝીશન સ્કીમનો વિકલ્પ અપાવનારા વેપારીઓ સિવાયના તમામે એ રીટર્ન દર મહિને ભરવાનું હોય છે. અત્યાર સુધી સીજીએસટી, એસજીએસટી અને આઈજીએસટીમાં ટેકસ જવાબદારી અને જમા ક્રેડીટની ગણતરી મેન્યુઅલી કરવી પડતી હતી પરંતુ બુધવારથી પોર્ટલ પર સીજીએસટી અથવા એસજીએસટી ટેકસની રકમ ભર્યા બાદ બાકીના ટેકસ ઓટોમેટીક દર્શાવવામાં આવે છે. ઉપરાંત અત્યાર સુધી જીએસટીઆર - ૩બી રીટર્ન ભરતી વખતે વિગતો ઓટોમેટીક સેવ થતી નહોતી અને જો અધૂરી વિગતે એકિઝટ થઈ જવાય તો બધી વિગતો ફરીથી ભરવાની રહેતી હતી. જો કે બુધવારથી ઓટો સેવ શકય બન્યુ છે. વેપારીઓ અને પ્રેકિટશનરો તેમણે ભરેલા રિટર્નનો પ્રિવ્યુ કરી શકતા નહોતા તે સમસ્યા પણ ઉકેલી દેવામાં આવી છે.

સીએ કરીમ લાખાણીએ જણાવ્યુ હતું કે અત્યાર સુધી ટેકસ જવાબદારી અને ઉપલબ્ધ ઈનપુટ ટેકસ ક્રેડિટની ગણતરી મેન્યુઅલી કરવી પડતી હતી પરંતુ બુધવારથી સિસ્ટમમાં સુધારો કરાયો છે અને એક વખત આઈટીસી કન્ફર્મ કર્યા બાદ કેટલી ટેબ્સ જવાબદારી રહે છે તે કેશ લેજરમાં બતાવવામાં આવે છે. જે ટેકસ જવાબદારી હોય તેના પેમેન્ટ માટે પ્રિ - ફિલ્ડ ચલણ પણ ઉપલબ્ધ બન્યુ છે. ટેકસ ભરી દીધા બાદ રીટર્ન ફાઈલ કરવાની પ્રોસેસ કર્યા બાદ તેને ટ્રેક પણ કરી શકાય છે.

તેમણે જણાવ્યુ કે આઈજીએસટીની ઉપલબ્ધ ક્રેડિટ સીજીએસટી સાથે સેટ - ઓફ કર્યા બાદ સીજીએસટી અને એસજીએસટીની ટેકસ જવાબદારી અલગ અલગ થઈ જાય છે. જો વેપારી સમયમર્યાદા બાદ રીટર્ન ફાઈલ કરે તો બંને ટેકસ જવાબદારી પર વ્યાજ ચૂકવવુ પડે છે. પરંતુ બંને ટેકસની જવાબદારી અલગ હોવા છતાં વ્યાજની રકમ એક જ સરખી ભરવી પડે છે તે સમસ્યાનું નિરાકરણ લાવવુ જરૂરી છે.(૩૭.૭)

(11:28 am IST)