Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

કિસાન આંદોલનને તોડવા

ત્રણેય કૃષિ કાયદા ચડી જશે અભેરાઇએ

નવી દિલ્હી તા. રર :.. કિસાન સંગઠનો દ્વારા ચાલી રહેલ આંદોલનને તોડવા માટે સરકાર અભૂતપૂર્વ નિર્ણય લઇને પોતાના ત્રણે કૃષિ કાનૂનો પર દોઢ વર્ષ સુધી રોક લગાવવાનો પ્રસ્તાવ મુકયો છે. આને સરકારનો માસ્ટર સ્ટ્રોક પણ ગણાવાઇ રહ્યો છે. અને પારોઠના પગલા પણ. આખું ચિત્ર તો પછી સ્પષ્ટ થશે. ખેડૂતો દ્વારા આ પ્રસ્તાવ ફગાવી દેવાયા પછી ફરીથી બોલ સુપ્રીમ કોર્ટ તરફ આવી ગયો છે. હાલ તો એવું મનાય  રહ્યું છે કે સરકાર પોતાના પ્રસ્તાવ પર અડીખમ રહેશે. એટલે શકય છે કે ત્રણે કાનૂનો લાંબા સમય માટે અભેરાઇએ ચડી જાય.

કૃષિ કાનુનો વિરૂધ્ધ આંદોલન અને સરકારી - ઘેરાબંધી વચ્ચે રાજકારણ અને ઇતિહાસ ફરીથી દોહરાયા છે. પહેલા કાર્યકાળમાં પણ મોદી સરકારને લગભગ દોઢ વર્ષની અંદર ભૂમિ અધિગ્રહણ વિધેયક પર પારોઠના પગલા ભરવા પડયા હતાં. સરકારે વિકાસને ધ્યાનમાં રાખીને બનાવેલ ભૂમિ અધિગ્રહણ અધ્યાદેશ ત્રણ વાર જાહેર કર્યો હતો પણ ખેડૂતો અને રાજકીય પક્ષોના દબાણ હેઠળ  સરકારે તેને પાછો ખેંચવો પડયો હતો. મોદી સરકારના બીજા કાર્યકાળને પણ લગભગ દોઢ વર્ષ થઇ ગયું છે. અને હવે કૃષિ કાનૂનો પર સરકાર નરમ પડી છે.

આ પગલું સરકાર પ્રત્યેના કોર્ટના વલણને  પણ બદલશે અને એ સ્પષ્ટ સંદેશ છે કે સરકાર કોઇપણ કિંમતે ખેડૂતોને સાથે લઇને ચાલવા માંગે છે. આમ પણ પંજાબ અને હરિયાણા સિવાયના રાજયોમાં તેની ખાસ અસર નથી. દોઢ વર્ષ સુધી આ કાનુનોનું ક્રિયાન્વયન રોકવાનો અર્થ છે કે ર૦રર ના જુલાઇ સુધી તેનો અમલ નહીં થાય. આ એવો સમય હશે જયારે ર૦ર૪ની ચૂંટણી માટે ર વર્ષથી પણ ઓછો સમય રહેશે. એ તો સ્પષ્ટ છે કે ત્યાં સુધી સરકાર દ્વારા ખેડૂતોને મનાવવાના  પ્રયત્નો ચાલુ રહેશે.

(11:32 am IST)