Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

દેશમાં અત્યારે ચૂંટણી થાય તો ફરી NDAની સરકાર બને

ઇન્ડિયા ટુડે અને કાર્વી ઇનસાઇટસના 'મુડ ઓફ નેશન'ના સર્વેમાં મોદીના જાદુ-કરીશ્મા હજુય યથાવત હોવાનું જણાયું : ૫૪૩ બેઠકોમાંથી એનડીએને ૩૨૧, યુપીએને ૯૩ અને અન્યોને ૧૨૯ બેઠકો મળે : ૭૩ ટકા લોકો મોદીના કામકાજથી સંતુષ્ઠ

નવી દિલ્હી તા. ૨૨ : કોરોના કાળમાં સરકારના પ્રયાસો અને સીમા પર ચીનને આકરી ટક્કર આપનાર પીએમ મોદીનો જાદુ હજુય છવાયેલો છે. એક સર્વે અનુસાર જો અત્યારે લોકસભાની ચૂંટણી યોજાય તો ફરીથી ભાજપને ૨૦૧૯ની જેમ જ બહુમતી મળી જશે. એટલે કે એનડીએ ફરીથી સત્તાનો દોર પોતાના હાથમાં લઇ લેશે. લોકો કોરોના મામલે પીએમની કામગીરીથી ખુશ છે. લોકો માને છે કે મોદીની અસરકારક નીતિઓ અને નિર્ણયોને કારણે ભારતને બીજા દેશો કરતા ઓછું નુકસાન થયું છે.

કોંગ્રેસ ભલે કંઇ પણ કહે, પરંતુ કોરોના સંકટ જેવી તમામ મુશ્કેલીઓ છતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જલવો યથાવત છે. દેશની જનતા આજે પણ પીએમ મોદીને એટલો જ પ્રેમ કરે છે અને જો લોકસભા ચૂંટણી કરાવવામાં આવે તો ભાજપ સરળતાથી બહુમતના આંકડાને પ્રાપ્ત કરી લેશે. ઇન્ડીયા ટુડે-કાર્વી ઇનસાઇટ્સના મૂડ ઓફ ધ નેશન સર્વે અનુસાર, મોટાભાગના લોકો કોરોના મહામારીને સંભાળવાના સરકારી પ્રયત્નોથી ખુશ છે અને જો અત્યારે લોકસભાની ચૂંટણી યોજવામાં આવે તો ભાજપ જ તેમની પહેલી પસંદ હશે.

આ સર્વેક્ષણ ૩ જાન્યુઆરીથી ૧૩ જાન્યુઆરી દરમિયાન ૧૯ રાજયોમાં કરાવવામાં આવ્યો હતો. આ દરમિયાન કુલ ૧૨,૨૩૨ ઇન્ટરવ્યુ કંડકટ કરવામાં આવ્યા. સર્વેમાં જાણવા મળ્યું કે ૭૩ ટકા જનતા કોરોના સંકટનો સામનો કરવાના પ્રધાનમંત્રી મોદી)ના પ્રયત્નોથી સંતુષ્ટ છે. તેને લાગે છે PM ની પ્રભાવી નીતિઓ અને નિર્ણયોના લીધે ભારતને દુનિયાના બાકી દેશોના મુકાબલે ઓછું નુકસાન થયું. સર્વેક્ષણના પરિણામો અનુસાર ૬૪ ટકા લોકો NDA સરકારના અત્યાર સુધીના પ્રદર્શનથી સંતુષ્ટ છે.  

જો અત્યારે લોકસભા ચૂંટણી થાય છે, તો ૫૪૩ લોકસભા સીટોમાંથી પીએમ મોદીના નેતૃત્વવાળી એનડીએને ૪૩ ટકા વોટો સાથે ૩૨૧ સીટો મળી શકે છે. તો બીજી તરફ એકલા ભાજપને જ ૩૭ ટકા વોટો સાથે ૨૯૧ સીટો મળવાની સંભાવના છે. યૂપીએ માટે સ્થિતિ વધુ બદલાવાની નથી તેને ૨૭ ટકા વોટો સાથે ૯૩ સીટો મળી શકે છે, જયારે એકલા કોંગ્રેસને ફકત  ૫૧ સીટો પર જ સંતોષ માનવો પડી શકે છે. તો બીજી તરફ અન્ય પક્ષોને ૩૦ ટકા મતો સાથે ૧૨૯ સીટો મળી શકે છે.

સર્વેમાં સામેલ ૬૬ ટકા લોકોએ સ્વિકાર્યું કે કોરોનાના લીધે તેમની આવક પર અસર પડી છે. જયારે ૧૯ ટકાએ કહ્યું કે તેમને નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. જયાં સુધી રાજય સ્તર પર કોરોના સામે લડાઇનો સવાલ છે, ૭૦ ટકા રાજય સરકારોના કામકાજથી ખુશ છે. આ પ્રકારે ૭૬ ટકા દર્દીઓએ હોસ્પિટલમાં સારવાર પર સંતુષ્ટિ વ્યકત કરી છે. વેકસીન લગાવવાના પ્રશ્ન પર ૭૬ ટકા લોકોએ કહ્યું કે તે તેના માટે તૈયાર છે. જોકે ૨૧ ટકા તેના વિરૂદ્ઘ જોવા મળ્યા.

સર્વેમાં એ પણ પૂછવામાં આવ્યું કે મોદી સરકારના કયા મંત્રી સૌથી વધુ પસંદ છે. આ પ્રશ્નના જવાબમાં ૩૯ ટકા લોકોએ અમિત શાહનું નામ લીધું અને તેમના કામકાજને નંબર ૧ ગણાવ્યું,  જયારે ૧૪ ટકા લોકોએ રાજનાથ અને ૧૦ ટકા લોકોએ નિતિન ગડકરી સૌથી સારી મંત્રી લાગ્યા. તો બીજી તરફ લોકડાઉનના પ્રશ્ન પર ૩૯ ટકા લોકોએ કહ્યું કે તેના લીધે કોરોના વાયરસના સંક્રમણને કંટ્રોલ કરવામાં મદદ મળી. જયારે ૨૮ ટકાએ કહ્યું કે તેનાથી સંક્રમણને રોકવામાં મદદ મળી. પરંતુ ઘણી પરેશાનીઓ પણ આવી.

  • દેશનો મિજાજઃ દક્ષિણ ભારતમાં પીએમ મોદીની લોકપ્રિયતા ઓછીઃ ૩૮ ટકા મુસ્લિમોએ આપ્યુ પોઝીટીવ રેટીંગ

નવી દિલ્હીઃ ચીન સાથે સિમા વિવાદ હોય કે કોરોના સંકટ, પીએમ મોદી પોતાના નેતૃત્વના સહારે એક રાજનેતા તરીકે વધુ મજબુત થઈને બહાર આવ્યા છે પરંતુ કેટલીક જગ્યાએ હજુ પણ તેમની લોકપ્રિયતા જોેવા મળી નથી, પછી તે દક્ષિણ ભારત હોય કે પછી મુસ્લિમ વર્ગ હોયઃ પીએમ મોદી અને ભાજપથી દક્ષિણ ભારતના લોકો પ્રભાવિત નથીઃ દક્ષિણ ભારતમાં પીએમ મોદીની લોકપ્રિયતા સૌથી ઓછી છે, માત્ર ૬૩ ટકા લોકોએ તેમને પસંદ કર્યાઃ પીએમ મોદી અને એનડીએ માટે ચિંતાનો વિષય એ પણ હોવો જોઈએ કે મુસ્લિમો હજુ પણ નારાજ છેઃ માત્ર ૩૮ ટકા મુસ્લિમો જ પોઝીટીવ રેટીંગ આપી રહ્યા છે

  • દેશના સૌથી સારી કામગીરી કરનાર મુખ્યમંત્રીઓમાં યોગી નં. ૧: મમતા ચોથા ક્રમે

નવી દિલ્હીઃ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સતત ત્રીજી વખત એક સર્વેમાં દેશના સર્વશ્રેષ્ઠ મુખ્યમંત્રી તરીકે બહાર આવ્યા છે, તેમને સારી કામગીરી કરનાર મુખ્યમંત્રીઓની યાદીમાં પ્રથમ સ્થાન મળ્યુ છેઃ દેશના ટોચના ૭ સારી કામગીરી કરનાર સીએમમાથી ૬ બીનભાજપી અને બીનકોેંગી રાજ્યો છે, જેમાં સૌથી વધુ નુકશાન મમતાને થયુ છેઃ મમતા ચોથા સ્થાને છે તેમને ૯ ટકા વોટ મળ્યા છેઃ જ્યારે કેજરીવાલને ૧૫ ટકા તો આંધ્રના જગનમોહન રેડ્ડીને ૧૧ ટકા વોટ મળ્યા છેઃ યોગીને ૨૪ ટકા લોકો પસંદ કરે છે

(11:00 am IST)