Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

બદ્રીનાથના પ્રવેશ દ્વાર ૩૦ એપ્રિલના દિવસે ખુલી જશે

પ્રવેશ દ્વાર ખુલવાને લઇને ચાલતી અટકળોનો અંત : રાજા મનુજેન્દ્ર શાહે રાજપુરોહિતો અને અન્ય વિદ્વાનોની ઉપસ્થિતિમાં તારીખની જાહેરાત કરી : શ્રદ્ધાળુની તૈયારી

ગોપેશ્વર, તા. ૨૨ : ભગવાન બદ્રીનાથના કપાટ ખુલવા માટેની સમય મર્યાદા નક્કી કરી દેવામાં આવી છે. બદ્રીનાથ મંદિરના ધર્મઅધિકારી ભુવન ઉનિયાલે કહ્યું છે કે, વસંત પંચમીના પ્રસંગ પર ટિહરીના પૂર્વ રાજાના મહેલમાં બદ્રીનાથ મંદિરના દ્વાર ખોલવા માટેની તારીખ અને મુહુર્ત કાઢવા માટે પરંપરાગત પૂજા કરવામાં આવી ચુકી છે. રાજા મનુજેન્દ્ર શાહે પરંપરાગતરીતે તમામ વિધિ યોજી હતી અને રાજપુરોહિતો અને વિદ્વાનોની ઉપસ્થિતિમાં ૩૦મી એપ્રિલ ૨૦૧૮ના દિવસે સવારે ૪.૩૦ વાગે બદ્રીનાથના દ્વાર ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. રાજા મનુજેંદ્ર શાહે આ પ્રસંગે પોતાના ઉત્તારાધિકારીના નામની પણ જાહેરાત કરી હતી. રાજાના કોઇ પુત્ર નથી જેથી પોતાની પુત્રી શિવજાકુમારીને ઉત્તરાધિકારી તરીકે જાહેર કરવામાં આવી છે. તેમની નિમણૂંક કરવામાં આવ્યા બાદ શિવજા હવે બદ્રીનાથના દ્વાર ખોલવા માટેની પરંપરા અદા કરશે. બદ્રીનાથ ધામની પરંપરામાં ટિહરીના રાજાને બોલંદા બદ્રીસના પ્રતિક તરીકે ગણવામાં આવે છે. એટલે કે બોલતા બદ્રી ભગવાન બદ્રીનાથ ધામના દ્વાર ખોલવાની એવી પરંપરા રહેલી છે કે, પ્રવેશ દ્વાર વસંત પંચમીના દિવસે જ ખોલવામાં આવે તે જરૂરી છે. પરંપરા મુજબ જ્યારે પ્રવેશદ્વાર ખોલી દેવામાં આવે છે ત્યારે કેટલીક વિધિઓ યોજવામાં આવે છે. બદ્રીનાથની યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર વર્ષે પહોંચે છે. ચારધામની યાત્રા પૈકી બદ્રીનાથનો સમાવેશ થાય છે. બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમનોત્રીની યાત્રા યોજવામાં આવે છે. દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચીને ભગવાનનાદર્શન કરે છે. મોટા રાજકીય નેતાઓ પણ દર વર્ષે બદ્રીનાથના દર્શન કરવા માટે પહોંચે છે.

(7:34 pm IST)