Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

કુખ્યાત આતંકવાદી સુભાનને અમદાવાદ લાવવાની તૈયારી

ત્રાસવાદી કેમ્પોમાં ભાગ લઇ ચુક્યો છે

ક્રાઇમબ્રાંચ અબ્દુલ સુભાનને અમદાવાદ લાવશે

   હાલ આંતકવાદી તૌકિર દિલ્હી સ્પેશ્યલ સેલના કબ્જામાં છે અને તેમની તપાસ પૂર્ણ થયેથી અમદાવાદ ક્રાઇમબ્રાંચ ટ્રાન્સફર વોરંટના આધારે તેને અંહી લઇને આવશે અને અમદાવાદ શહેર સહિત ગુજરાતના આંતકવાદી હુમલાઓ સહિતના મામલાઓમાં તેની આકરી પૂછપરછ કરી ચોંકાવનારી માહિતીનો પર્દાફાશ કરશે. ક્રાઇમબ્રાંચના જેસીપી જે.કે.ભટ્ટે જણાવ્યું હતું કે, તેઓ સતત દિલ્હી પોલીસના સંપર્કમાં છે અને ટૂંક સમયમાં જ આંતકવાદી અબ્દુલ સુભાન ઉર્ફે તૌકિરને અમદાવાદ, સુરત સહિતના ગુનાઓની તપાસ માટે લોખંડી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ટ્રાન્સફર વોરંટના આધારે અમદાવાદ લાવવામાં આવશે.

કેરાલા અને હાલોલમાં આંતકવાદી કેમ્પોમાં ભાગ લીધો હતો

   ક્રાઇમબ્રાંચની તપાસમાં એ ચોંકાવનારો ખુલાસો પણ થયો છે કે, આંતકવાદી અબ્દુલ સુભાન કુરૈશીએ સીમી દ્વારા આયોજિત કેરાલાના વાઘોમન કેમ્પમાં ડિસેમ્બર-૨૦૦૭માં અને જાન્યુઆરી-૨૦૦૮માં હાલોલ-પાવાગઢના જંગલોમાં થયેલ આંતકવાદી તાલીમ કેમ્પોમાં ભાગ લીધો હતો. તેણે ત્યાં જેહાદી ભાષણો પણ આપ્યા હતા. તૌકિર ઇન્ડિયન મુજાહિદ્દીનના આંતકવાદીઓને તૈયાર કરતો હતો અને બ્લાસ્ટ સહિતના આંતકવાદી હુમલાઓની તાલીમ માટે બહુ મહત્વની મદદ કરતો હતો.

ભાજપના ધારાસભ્ય રાકેશ શાહની રેકી પણ કરી હતી

   તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, આંતકવાદી અબ્દુલ સુભાન ઉર્ફે તૌકિરે વર્ષ ૨૦૦૩-૦૪માં શહેરના જૂહાપુરા વિસ્તારમાં સીમી દ્વારા આયોજિત મીટીંગમોમાં ભાગ લીધો હતો. એ વખતે મીટીંગમાં સિરિયલ બ્લાસ્ટના ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓ પણ હાજર હતા. આરોપી કયામુદ્દીન કાપડિયા સાથે એ વખતે સંપર્ક થયો હતો અને તેને વડોદરામાં મળતો હતો. આરોપી તૌકિરે કયામુદ્દીનને વડોદરામાં બ્લાસ્ટ કરવા માટે હિન્દુ વિસ્તારોની રેકી કરવા જણાવ્યું હતું. તો પોતે, શહેરના ભાજપના ધારાસભ્ય રાકેશ શાહ અને વડોદરાના સેનેટ મેમ્બર દિપક શાહની ઓફિસો અને ઘરોની રેકી કરી હતી.

સિરિયલ બ્લાસ્ટ પહેલાં વટવામાં રોકાયો હતો

   આંતકવાદી અબ્દુલ સુભાન ઉર્ફે તૌકિર અમદાવાદના સિરિયલ બ્લાસ્ટ પહેલાં વટવા વિસ્તારમાં ગુપ્ત સાહેદના મકાનમાં રોકાયો હતો અને ત્યાં બોંબ બનાવવાની સામગ્રી અને સાધનો પણ લાવવામાં આવ્યા હતા. તૌકિર બ્લાસ્ટ અગાઉ કર્ણાટકમાં હથિયારો અને ભાંગફોડ કરી શકે તેવા છોકરાઓની શોધમાં કર્ણાટક પણ ગયો હતો, ત્યાં તેનો સંપર્ક ભટકલ મોડયુલના આગેવાનો સાથે થયો હતો. આરોપી રિયાઝ ભટકલ અને ઇકબાલ ભટકલના તે બહુ નજીકના સંપર્કમાં હતો.

તૌકિર બ્લાસ્ટ પહેલા અને પછી પાકિસ્તાન પણ જઇ આવ્યો છે

   ક્રાઇમબ્રાંચની તપાસમાં એવી પણ ચોંકાવનારી માહિતી સામે આવી હતી કે, આંતકવાદી અબ્દુલ સુભાન ઉર્ફે તૌકિર અમદાવાદના સિરિયલ બ્લાસ્ટ પહેલા અને પછી પાકિસ્તાન પણ જઇ આવ્યો છે. તે નેપાળના રસ્તે થઇ પાકિસ્તાન જતો હતો અને વારેઘડિયે તે પાક્સ્તિાન જઇ આવ્યો હોવાની નક્કર હકીકત તપાસમાં પ્રસ્થાપિત થઇ ચૂકી છે. અત્યારસુધીમાં અબ્દુલ સુભાન બેથી ત્રણ વખત પાકિસ્તાન જઇ આવ્યો છે, તેથી ત્યાંનું નેટવર્ક અને ત્યાંના તેના આકાઓ કોણ છે અને કોના ઇશારે તે ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓને અંજામ આપતો હતો તે સહિતની અનેક બાબતોની શહેર ક્રાઇમ બ્રાંચ દ્વારા તપાસ હાથ ધરાનાર છે.

(8:16 pm IST)