Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

દિલ્હીને ધણધણાવવાનું ષડયંત્ર નિષ્ફળઃ ભારતનો 'લાદેન' ગણાતો ત્રાસવાદી ઝડપાયોઃ ૨૦૦૮ના અમદાવાદ બ્લાસ્ટમાં હતો હાથ

એક દાયકાથી સુરક્ષા દળો માટે વોન્ટેડ હતો

નવી દિલ્હી તા. ૨૨ : દિલ્હી પોલીસે આજે એક શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરી છે. તેનું નામ અબ્દુલ સુભાન કુરેશી ઉર્ફે તૌકીર ગણાવાય રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ તે ત્રસાવાદી સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીન અને મીની માટે કામ કરતો હતો. ૨૦૦૮માં થયેલા ગુજરાત સીરીયલ બ્લાસ્ટમાં પણ તેનો હાથ ગણાવાય રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ તે દિલ્હીમાં એક ભયાનક મોટા ત્રાસવાદી ષડયંત્રને અંજામ આપવાની યોજના કરી રહ્યો હતો. અબ્દુલે ધરપકડથી બચવા માટે દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલના લોકો પર ફાયરીંગ પણ કરી હતી પરંતુ અંતમાં તે પોલીસના હાથમાં લાગ્યો. સુરક્ષા એજન્સીઓને એક દાયકાથી આ શંકાસ્પદ ત્રાસવાદીની શોધખોળ હતી.

અબ્દુલ સુભાન કુરેશી ઉર્ફે તૌકીરને ભારતનો બિનલાદેન પણ કહેવાય છે. એન્જીનિયર હોવાના કારણે આ ત્રાસવાદી બોમ્બ બનાવામાં માહિર છે.     સુરક્ષા એજન્સીઓને ૧લી જુલાઇ ૨૦૦૬માં મુંબઇમાં થયેલા ટ્રેન બ્લાસ્ટમાં તેની શોધખોળ ચાલુ હતી. આ ઉપરાંત દિલ્હી, બેંગલુરૂ અને અમદાવાદમાં થયેલા બ્લાસ્ટમાં પણ તેઓ હાથ છે. સૂત્રોના જણાવ્યા મુજબ ઇન્ડિયન મુઝાહિદ્દીનના બધા જ ઓનલાઇન કામ તૌકીર જ કરે છે.

૨૬ જુલાઇ ૨૦૦૮ના રોજ ગુજરાતના અમદાવાદમાં ૧૬ બસમાં બ્લાસ્ટ થયા હતા. આ બધા જ બ્લાસ્ટ ૯૦ મિનિટની અંદર કર્યા હતા. આ બ્લાસ્ટની જવાબદારી ઇન્ડીયન મુઝાહિદ્દીને લીધી હતી. બધા જ બ્લાસ્ટમાં કુલ ૫૬ લોકોના મોત થયા હતા.

પોલીસે પત્રકાર પરીષદમાં જણાવ્યું કે, તૌકીરને દિલ્હીના ગાજીપુરથી ધરપકડ કરવામાં આવી પોલીસે જણાવ્યું કે, તૌકીર અનેક કંપનીઓમાં કામ કરી ચૂકયો છે. એટલું જ નહી જ્યારે અમદાવાદ બ્લાસ્ટ બાદ ૨૯ શંકાસ્પદ વિદ્યાર્થીઓ મળ્યા હતા. તેઓએ તૌકીરનું નામ તપાસમાં લીધું હતું. જોકે, પોલીસે સ્પષ્ટ કરી દીધું છે કે, દિલ્હીને હચમચાવાનું કોઇ ષડયંત્ર નહોતું.

(6:36 pm IST)