Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

રાજ્યમાં કાયદો વ્યવસ્થા ખોરવાયા-તોફાનો બંધ નહીં થાય તો રાજીનામુ આપી દઈશ :કરણી સેનાના ગુજરાત પ્રમુખ રાજભા શેખાવત

તોફાની અને અસામાજિક તત્વો વિરોધમાં જોડાઈ ગયા છે :તોફાનો બંધ કરીને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરીશું :કાર્યકરોને હિંસા અને તોફાનો અટકાવવાનો અનુરોધ

ગાંધીનગર : પદ્માવત ફિલ્મનો વિરોધ થઇ રહયો છે રાજ્યમાં ઠેર ઠેર દેખાવો યોજાય છે ત્યારે કરણી સેનાના ગુજરાત પ્રમુખ રાજભા શેખાવતે કહ્યું કે, કાર્યકરો શાંતિ જાળવે અને શાંતિ જાળવવામાં મદદ કરે તોફાની તત્વો અને અસામાજીક તત્વો પણ આ વિરોધમાં જોડાઈ ગયા છે જેને કારણે કાયદો વ્યવસ્થા ખોરવાઈ છે. જો તોફાનો બંધ નહીં થાય તો હું રાજીનામુ આપી દઈશ.

 

  શૂંટીંગના સમયથી જ વિવાદોથી ઘેરાયેલી આ ફિલ્મમાં ઘણા ફેરફાર કરાયા તે પછી 4 રાજ્યોએ તે ફિલ્મના પ્રદર્શન પર પ્રતિબંધ લગાવ્યો હતો. જે પછી સુપ્રિમ કોર્ટે ફિલ્મનો પ્રતિબંધ હટાવી ફિલ્મને તાત્કાલીક સમયસર તારીખે રિલીઝ કરવાનો નિર્ણય લીધો. કરણી સેનાએ તેનો પણ વિરોધ કર્યો છે.વિરોધ પ્રદર્શન બાદ ઠેર ઠેર સીનેમા ઘરોમાં તોડફોડ, રોડ પર આગચંપી, પોલીસ સાથે ઝપાઝપી વગેરે જેવા બનાવો બન્યા છે.

 

    ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, નવસારી, વડગામ, થરાદ, ધોળકા, રાજકોટ વગેરે શહેરો જિલ્લાઓમાં આગચંપીથી માંડી તોડફોડ સહિતના બનાવો ફિલ્મ પદ્માવતીના વિરોધને લઈને બન્યા છે. કરણી સેના દ્વારા આ વિરોધ પ્રદર્શનને પગલે થઈ રહેલા તોફાનોને જાકારો અપાયો છે. કરણી સેનાના નામે કેટલાક અસામાજીક તત્વો આંદોલનમાં જોડાઈ ગયા છે અને આ પ્રકારની કાયદાને હાથમા લેવાની વૃત્તિથી તોફાનો કરી રહ્યા હોવાના આક્ષેપ સાથે કરણી સેનાએ પોતાના કાર્યકરોને હિંસા અને તોફાનો અટકાવવાનો અનુરોધ કર્યો છે.

કરણી સેનાએ આ તમામ અઘટીત ઘટનાઓને નિંદનીય ગણી છે. કરણી સેનાએ આ અંગે કાર્યવાહીની પણ માગ કરી છે. ઈન્ચાર્જ ડીજીપી પ્રમોદકુમારે પણ શાંતિ જાળવવાની અપીલ સાથે વિરોધને અર્થહીન ગણાવતા કડક કાર્યવાહી કરવાની વાત ઉચ્ચારી છે.

(10:44 am IST)