Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

પંજાબમાં ભારત-પાક. સરહદેથી ૨૦૦ કરોડનો ૪૦ કિલો હેરોઈનનો જથ્થો જપ્ત : આરોપીઓ ફાયરિંગ કરીને ફરાર

બીએસએફ અને પંજાબ પોલીસે સંયુક્ત રીતે ડ્રગ્સના રેકેટનો ભાંડાફોડ કર્યો

ચંડીગઢ, તા. ૨૧ : બીએસએફ અને પંજાબ પોલીસે સંયુક્ત રીતે ડ્રગ્સના રેકેટનો ભાંડાફોડ કર્યો હતો. બાતમીના આધારે પોલીસ અને બીએસએફે ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં ૪૦ કિલો હેરોઈનનો જથ્થો પકડાયો હતો. જોકે, પોલીસને જોઈને આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

પંજાબ પોલીસના કહેવા પ્રમાણે પાકિસ્તાનમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો પહોચતો હોવાની બાતમી મળી હતી. એની જાણકારી બીએસએફને આપવામાં આવી હતી. બીએસએફના જવાનો અને પંજાબ પોલીસે મળીને સરહદે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. સુરક્ષાદળોની હાજરીની જાણ થયા પછી આરોપીઓએ ફાયરિંગ કર્યું હતું અને નાસી ગયા હતા.
પોલીસે હેરોઈનનો ૪૦ કિલો જથ્થો જપ્ત કર્યો હતો, જેની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં લગભગ ૨૦૦ કરોડ રૃપિયાની કિંમત થવા જાય છે. હેરોઈન ઉપરાંત ૧૮૦ ગ્રામ અફિણ અને પ્લાસ્ટિકની બે પાઈપ્સ પણ જપ્ત કરવામાં આવી હતી. પાઈપમાં મેડ ઈન પાકિસ્તાન લખાયું હોવાથી જથ્થો પાકિસ્તાન સરહદેથી આવ્યાનું સ્પષ્ટ થયું હતું.
આ જથ્થો પાકિસ્તાનમાંથી નિર્મલ સિંહ ઉર્ફે સોનુએ મંગાવ્યો હતો. નિર્મલ સિંહ વોન્ટેડ સ્મગલર છે અને તેની સામે પંજાબના એકથી વધુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે. ઘરિન્ડાનો વતની વોન્ટેડ સ્મલગર નિર્મલ સિંહ અગાઉ પણ પોલીસને હાથતાળી આપીને ભાગી ગયો હતો. પોલીસે તેના સહિતના તમામ આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત શરૃ કરી હોવાનું પંજાબ પોલીસના ઉચ્ચ અધિકારી ગુલનીત સિંહ ખુરાનાએ કહ્યું હતું.

સુરક્ષાદળોને એલર્ટ કરતા ઉચ્ચ અધિકારીઓએ એવી દહેશત વ્યક્ત કરી હતી કે અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ જોતાં હવે પંજાબની સરહદેથી નશીલા પદાર્થોની તસ્કરીની ઘટનાઓમાં વધારો થશે. પહેલાં અફઘાનિસ્તાનના વેપાર માર્ગે ભારતમાં ડ્રગ્સનો જથ્થો ઘૂસાડાતો હતો, હવે એ રસ્તો બંધ થઈ જતાં સ્મગલરો પંજાબની સરહદે વધારે સક્રિય થશે.

(12:01 am IST)