Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

દિલ્હીમાં ભારે વરસાદના કારણે ૧૩ વર્ષ જૂનો રેકોર્ડ તૂટયો: ઓગસ્ટમા સૌથી વધુ વરસાદ

દિલ્હીમાં ૨૪ કલાકમાં જ સાડા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો

નવી દિલ્હી :  દિલ્હીમાં ભારે વરસાદના કારણે ૧૩ વર્ષ જૂનો રેકોર્ડ તૂટયો હતો. ઓગસ્ટના એક જ દિવસમાં પાંચ ઈંચ કરતાં વધુ વરસાદ પડયો હોય એવું ૧૩ વર્ષ પછી બન્યું હતું.

દિલ્હીમાં ૨૪ કલાકમાં જ સાડા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો. એ સાથે જ ઓગસ્ટના કોઈ એક દિવસે સૌથી વધુ વરસાદ પડવાનો વિક્રમ તૂટયો હતો. દિલ્હીમાં ભારે વરસાદના કારણે સરેરાશ તાપમાન ગગડી ગયું હતું અને વાતાવરણમાં ઠંડીનો અનુભવ થયો હતો. દિલ્હીમાં વીજળી ગૂલ થાય એવી આશંકા વ્યક્ત કરવાની સાથે સાથે ઓરેન્જ એલર્ટ જારી કરાયો હતો. ઓગસ્ટ મહિનામાં એક દિવસમાં સૌથી વધુ વરસાદનો ઓલટાઈમ હાઈ રેકોર્ડ ૧૯૬૧માં નોંધાયો હતો. ૨જી ઓગસ્ટ ૧૯૬૧માં ઈંચ સાત ઈંચ વરસાદ પડયો હતો.
પાટનગરમાં ૧૪ વૃક્ષો પડી ગયાની ફરિયાદ નોંધાઈ હતી. તો સોસાયટીમાં પાણી ભરાઈ જવાની ૩૧૬ ફરિયાદ સરકારી એજન્સીઓને મળી હતી.
દિલ્હી ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ વરસાદની આગાહી થઈ હતી. મધ્યપ્રદેશના ચાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરાયો હતો. પશ્વિમ મધ્યપ્રદેશના ચાર જિલ્લામાં ચારથી આઠ ઈંચ વરસાદની આગાહી થઈ છે.

(11:09 pm IST)