Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

કોરોનાના નિયમોનું પાલન નહિ કરાય અને ત્રીજી લહેર વહેલી આવશે તો લોકડાઉન લગાવવું પડશે: ઉદ્ધવ ઠાકરેની ચેતવણી

આ ભીડ ભેગી કરવી યોગ્ય નહીં, જો લોકડાઉન ટાળવું હોય તો નિયમોનું પાલન કરવું જરૂરી છે’

મુંબઈ : મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેનું નિવેદન સામે આવ્યું છે. તેમણે ફરી એક વખત રાજ્યમાં કડક લોકડાઉનની ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે જો ભીડ આ રીતે વધતી રહેશે અને કોરોનાના નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો કોરોનાની ત્રીજી લહેર અપેક્ષા કરતા વહેલી આવી જશે. આવી પરીસ્થિતિમાં કડક લોકડાઉન લગાવવું જરૂરી રહેશે.

મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે રાજ્યમાં આરોગ્ય સુવિધાઓમાં સુધારો કરવામાં આવી રહ્યો છે. પરંતુ અમારી પાસે મેડિકલ ઓક્સિજનનો સ્ટોક બહુ વધારે નથી. આવી પરીસ્થિતિમાં જો કોરોના સંક્રમણ ઝડપથી વધવા માંડે તો રાજ્ય સરકાર પાસે ફરી એકવાર કડક લોકડાઉન લાદવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં. મુખ્યમંત્રીએ આજે સાન્તાક્રુઝ, મુંબઈ ખાતે બાળકો માટે કોવિડ કેન્દ્રનું ઉદ્ઘાટન કરતી વખતે આ વાત કરી હતી.

સીએમ ઉદ્ધવ ઠાકરેએ એ પણ કહ્યું હતું કે કેવી પરિસ્થીતીમાં લોકડાઉનની જરૂરિયાત ઊભી થશે. જો કોરોનાની ત્રીજી લહેર આવે તો કડક લોકડાઉન લગાવવું પડશે. મુખ્યમંત્રીએ કહ્યું કે જ્યારે રાજ્યમાં કોવિડ દર્દીઓની સારવાર માટે 700 મેટ્રિક ટન સુધી ઓક્સિજનની જરૂરિયાત ઉભી થશે તો તે સમયે લોકડાઉન લગાવવું જરૂરી બનશે. ‘આ ભીડ ભેગી કરવી યોગ્ય નહીં, જો લોકડાઉન ટાળવું હોય તો નિયમોનું પાલન કરવું જરૂરી છે’.

સ્થળે સ્થળે વધતી ભીડ અંગે મુખ્યમંત્રીએ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું "આ ભીડ યોગ્ય નથી. તમામ સાવચેતીઓને ધ્યાનમાં રાખીને અમે અર્થવ્યવસ્થાના ચક્રને ગતિશીલ રાખવાના હેતુથી પ્રતિબંધોને હળવા કર્યા છે. કોઈ પણ રાજકીય હિત માટે લોકોના સ્વાસ્થ્ય સાથે રમત ન કરવી જોઈએ. આ હું અપીલ કરું છું. ”

(8:31 pm IST)