Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

સાસરિયાએ જબરજસ્તી પીવડાવ્યું મહિલાને એસિડ

૫૦ દિવસ સુધી યુવતી લડતી રહી મોત સામે જંગ : મોતને ભેટતા પહેલા આ મહિલાએ મોત માટે જવાબદાર કોઈને પણ છોડવામાં ના આવે તેવી માગણી કરી હતી

ભોપાલ, તા.૨૧ : સાસરિયાંએ જબરજસ્તી એસિડ પીવડાવી દેતાં ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવેલી એક મહિલાએ ૫૦ દિવસની સારવાર બાદ આખરે અંતિમ શ્વાસ લીધો છે. મોતને ભેટતા પહેલા મહિલાએ પોલીસને સંબોધીને એક વિડીયો બનાવ્યો હતો, જેમાં તેણે પોતાની મોત માટે જવાબદાર કોઈને પણ છોડવામાં ના આવે તેવી માગ કરી હતી. મૃતકનું નામ શશી જાટવ હોવાનું બહાર આવ્યું છે.

મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લાના એસપી અમિત સાંઘીના જણાવ્યા અનુસાર, મૃતકના પતિ, સાસુ અને નણંદ હાલ જેલમાં છે. ત્રણેય વિરુદ્ધ હવે હત્યાની કલમ પણ લગાવવામાં આવશે. એસપીએ એમ પણ જણાવ્યું હતું કે શરુઆતમાં મૃતકના નિવેદનમાં ફેરફાર જોવા મળ્યો હતો. જોકે, તેના મરણોન્મુખ નિવેદનમાં તેણે પોતાનાં સાસુ, નણંદ અને પતિનું નામ લીધું છે. કેસની શરુઆતમાં તપાસ કરી રહેલા PSIને પણ શંકાસ્પદ ભૂમિકા ભજવવા બદલ સસ્પેન્ડ કરી દેવાયા છે. મૃતક શશીના લગ્ન હજુ ૧૭ એપ્રિલ ૨૦૨૧ના રોજ ગ્વાલિયર જિલ્લાના દાબરા તાલુકામાં રહેતા વિરેન્દ્ર જાટવ સાથે થયા હતા. ૨૭મી જૂને વિરેન્દ્રએ શશીને પોતાના પિયરમાંથી ત્રણ લાખ રુપિયા લઈ આવવા માટે કહ્યું હતું. જોકે, શશીએ તેના માટે સ્પષ્ટ ઈનકાર કરી દેતાં તેણે પોતાની માતા અને બહેન સાથે મળીને શશીના મોઢામાં એસિડની બોટલ નાખી દીધી હતી, અને એસિડ શશીનાં ગળામાં ઉતરી ગયું હતું.

ઘટના બાદ મૃતકને ગ્વાલિયર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, તે વખતે પોલીસે માત્ર દહેજ માગવાની કલમ લગાડીને તેના સાસરિયા સામે કેસ કર્યો હતો. તેની હાલત વધુ ખરાબ થતાં તેને દિલ્હી ખસેડવામાં આવી હતી. પરંતુ તેની સ્થિતિ સતત બગડતી જઈ રહી હતી. તેણે પોતાના નિવેદનમાં પણ જણાવ્યું હતું કે તેને સાસરિયાએ જબરજસ્તી એસિડ પીવડાવ્યું હતું. મામલે રાષ્ટ્રીય મહિલા પંચના અધ્યક્ષ સ્વાતિ માલિવાલે ટ્વીટ કરીને એમપીના સીએમને મામલે યોગ્ય પગલાં લેવા જણાવ્યું છે.

(7:29 pm IST)