Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

ઇઝરાયેલે ગે પુરુષો માટે રક્તદાનના નિયંત્રણ ઉઠાવી લીધા

ઇઝરાયેલના આરોગ્ય મંત્રીએ કહ્યું- લાંબા સમયથી ચાલતા આ અંકુશો ભેદભાવયુક્ત અને અપમાનજનક હતા

જેરુસલેમ: ઇઝરાયેલે ગે પુરુષો માટે રક્તદાનના નિયંત્રણ ઉઠાવી લીધા છે. ઇઝરાયેલના આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, લાંબા સમયથી ચાલતા આ અંકુશો ભેદભાવયુક્ત અને અપમાનજનક હતા.

 અગાઉ ચાલુ વર્ષે બ્રિટને ગે અને બાયસેક્સ્યુઅલ પુરુષો માટે રક્તદાનના નિયમ હળવા કર્યા હતા. એ પહેલાં ગયા વર્ષે દેશના બ્લડ સપ્લાયમાં ઘટાડો થવાને કારણે અમેરિકાએ પણ આવો જ નિર્ણય લીધો હતો. અત્યાર સુધી ઇઝરાયેલમાં રક્તદાન કરનારને પૂછવામાં આવતું કે છેલ્લા ૧૨ મહિનામાં તેમણે સમાન લિંગની વ્યક્તિ સાથે સંબંધ બાંધ્યો છે કે નહીં. તેનો જવાબ હામાં હોય તો એ વ્યક્તિ રક્તદાન કરી શકતી નહીં.

હવેની પ્રશ્નસૂચિમાં એવી પૂછપરછ કરવામાં આવે છે કે, રક્તદાન કરવા ઇચ્છુકે નવા પાર્ટનર કે પાર્ટનર્સ સાથે છેલ્લા ત્રણ મહિનામાં જોખમી જાતીય સંબંધો બાંધ્યા છે કે નહીં. ઇઝરાયેલના આરોગ્ય મંત્રી નિત્ઝાન હોરોવિત્ઝ જે પોતે ગે છે તેમણે ફેસબુક પરની પોસ્ટમાં જણાવ્યું હતું કે, 'આરોગ્ય મંત્રાલયે વ્યક્તિને ઉતારી પાડતા અને અસંબંધ પ્રશ્નોને રક્તદાન કરવા ઇચ્છુક વ્યક્તિની પ્રશ્નસૂચિમાંથી હટાવી દીધા છે. હવે જાતીય ભેદભાવ વગર દરેકની સાથે સમાન વ્યવહાર કરવામાં આવશે.'

 તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'જુદીજુદી વ્યક્તિઓના લોહીમાં કોઇ તફાવત હોતો નથી. રક્તદાનમાં ગે લોકો સાથે થતો ભેદભાવ હવે પૂરો થયો છે.' ઇઝરાયેલના LGBTQ અધિકાર જૂથોએ આ પગલાને આવકાર્યું હતું અને ઇઝરાયેલમાં સમાનતાની દિશામાં તેને મહત્વનું પગલું ગણાવ્યું હતું. ઇઝરાયેલના LGBT મેડિકલ એસોસિએશન્સના વડા ગેલ વેગ્નર કોલાસ્કોએ ટિ્વટર પર 'ઐતિહાસિક સુધારા' માટે હોરોવિત્ઝનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, 'હવે ભેદભાવ કે માનવ અધિકારોના ઉલ્લંઘન વગર રક્તદાન કરી શકાશે. કારણ કે ભેદભાવથી આરોગ્યને પણ ગંભીર નુકસાન થાય છે.'

(2:09 pm IST)