Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

જમ્મુ-કાશ્મીરઃ ત્રાલમાં જૈશના ત્રણ આતંકવાદી ઠાર

ફરી એક વખત આતંકવાદી પ્રવૃત્તિઓ સામે આવી

શ્રીનગર, તા.૨૧: જમ્મુ-કાશ્મીરમાં ફરી એક વખત આતંકવાદી પ્રવૃત્તિઓ સામે આવી છે. જમ્મુ -કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં આતંકવાદી એન્કાઉન્ટર થયું, જેમાં આજે એટલે કે શનિવારે ૩ આતંકવાદીઓ માર્યા ગયા. યાદ અપાવી દઈએ કે,ગઈકાલે એટલે કે શુક્રવારે પણ પુલવામામાં જ આતંકવાદી એન્કાઉન્ટર થયું હતું, જેમાં સુરક્ષા દળો દ્વારા ૨ આતંકવાદીઓ માર્યા ગયા હતા.

શુક્રવારે રાત્રે આતંકવાદીઓએ શિક્ષણ વિભાગના કર્મચારી જાવેદ અહમદના ઘરમાં ઘૂસીને દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલમાં ગોળી મારી હત્યા કરી હતી. ઘટના બાદ સુરક્ષા દળોએ વિસ્તારને દ્યેરી લીધો છે. આ દરમિયાન ત્રણ આતંકવાદીઓ દ્યેરાયેલા હોવાના સમાચાર સામે આવ્યા છે. જોકે, આતંકીઓની શોધ ચાલુ છે.

સંબંધિત અધિકારીઓએ જણાવ્યું કે, ૩૫ વર્ષીય જાવેદ અહેમદ શુક્રવારે રાત્રે ત્રાલના લુરગામમાં તેમના દ્યરે હતા. શુક્રવારે રાત્રે લગભગ ૯ૅં૩૫ વાગ્યે આતંકવાદીઓએ ઘરમાં ઘૂસીને તેને ગોળી મારી અને નાસી ગયા.

આ પહેલા ૩૧ જુલાઇની સવારે સુરક્ષા દળો દ્વારા પુલવામા જિલ્લામાં એન્કાઉન્ટર દરમિયાન બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. પુલવામાના નાગબેરન-તરસર જંગલ વિસ્તારમાં આતંકીઓ સાથે સુરક્ષા દળો વચ્ચે આ એન્કાઉન્ટર થયું હતું. સેના અને પોલીસને મોટી સફળતા મળી છે.

યાદ અપાવી દઈએ કે, આતંકીઓ પર સુરક્ષા દળોનો હુમલો ચાલુ છે. આ પહેલા પણ ઘણા આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા કુલગામના અહરબલ વિસ્તારના જંગલ વિસ્તારમાં થયેલા એન્કાઉન્ટરમાં સેનાએ લશ્કરના એક ટોચના કમાન્ડરને ઠાર કર્યો હતો. લશ્કર-એ-તૈયબાના આ ટોચના કમાન્ડરની ઓળખ અમીર અહેમદ મીર તરીકે થઈ હતી. તે ચોલેન્ડ શોપિયાનો રહેવાસી હતો. સેનાએ કહ્યું કે વર્ષ ૨૦૧૭ થી અમીર મીર પોતાના વિસ્તારમાં કામગીરી કરવા માટે કામ કરી રહ્યા હતા અને ખૂબ સક્રિય પણ હતા.

(1:05 pm IST)