Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

જળવાયુ પરિવર્તનની ખતરનાક અસરઃ કયારેય વરસાદ ના પડયો હોય ત્યાં વરસ્યું ૭ અબજ ટન પાણી

દુનિયાના સૌથી મોટા બર્ફીલા ટાપુ ગ્રીનલેન્ડની ઘટનાથી ચિંતામાં વધારો

નવી દિલ્હી :. જળવાયુ પરિવર્તનની ખરાબ અસર હાલમાં જ દુનિયાના સૌથી મોટા દ્વીપ ગ્રીનલેન્ડમાં જોવા મળી. આર્કટીક અને એટલાન્ટીક મહાસાગરો વચ્ચે દુનિયાના સૌથી ઠંડા અને બર્ફીલા વિસ્તારોમાંના એક ગ્રીનલેન્ડમાં ગયા અઠવાડીયે કેટલાક કલાકો સુધી જોરદાર વરસાદ થયો. આ પહેલા આ દેશમાં વરસાદ થયો હોવાનો કોઈ રેકોર્ડ નથી. ત્યાં ફકત ત્રણ દિવસમાં ૭ અબજ ટન પાણી વરસ્યું. ગ્રીનલેન્ડના ૬.૫૬ લાખ ચોરસ માઈલના બર્ફીલા વિસ્તારમાં દર વર્ષે વધઘટ થતી રહે છે.

વૈજ્ઞાનિકોએ ગ્રીનલેન્ડની સૌથી ઉંચી બર્ફીલી સપાટી પર વરસાદ થયાની પુષ્ટી કરી છે. ગ્રીનલેન્ડમા સામાન્ય રીતે આખુ વરસ બરફ પડે છે. આખા દ્વિપનો પારો શૂન્યથી નીચે જ રહે છે, પણ પર્યાવરણમાં ફેરફારથી અહીં પારો શૂન્યથી ઉપર ગયો જેના લીધે અહીં પહેલીવાર વરસાદ પડવાની ઘટના નોંધાઈ હતી. અહીં સૌથી ઉંચી સપાટી સમુદ્રની સપાટીથી ૧૦૦૫૧ ફુટ ઉપર છે.

કેટલાક પર્યાવરણ મોડલ્સમાં કહેવાયુ છે કે જો વર્તમાન પરિસ્થિતિ આમને આમ ચાલુ રહેશે તો ૨૦૫૦ સુધીમાં આર્કટીક મહાસાગરમાંથી બરફનું નામોનિશાન મટી શકે છે. ગ્રીનલેન્ડનો બરફ જો સંપૂર્ણપણે ઓગળી જાય તો સમુદ્રનું જળસ્તર ૨૦ ફુટ સુધી ઉપર જઈ શકે છે એટલે કે શાંઘાઈ, એમ્સટર્ડેમ અને ન્યુયોર્ક જેવા મોટા શહેરોના કાંઠાળ વિસ્તારો પાણીમાં ડૂબી જશે.

(1:04 pm IST)