Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

ગભરાયેલી અફઘાન મહિલાઓ કાળજે પથ્થર રાખી પોતાના બાળકોને US - UKનાં સૈનિકોને સોંપી રહી છે

એક જ આશા... નર્કથી તો બહાર નીકળશે... જીવ તો બચી જશે

કાબુલ તા. ૨૧ : અફઘાનિસ્તાનની કેદથી 'પોતાના'ઓને કાઢવા માટે કાબુલ એરપોર્ટ પર ઉપસ્થિત અમેરિકન અને બ્રિટીશ સૈનિકો અત્યારે રોજ એવા દ્રશ્યો જોઇ રહ્યા છે, જેને જોઇને તેમની આંખોમાંથી આંસુ રોકાતા નથી. જ્યારથી કાબુલ પર તાલિબાનોએ કબ્જો કર્યો છે, ત્યારથી એક પણ દિવસ એવો નથી ગયો કે આ સૈનિકોની આંખો ભીની ના થઇ હોય. ખાસ કરીને છેલ્લા ૨-૩ દિવસથી આવા દ્રશ્યો બહુ સામે આવ્યા, જે તેમને હચમચાવી નાખે છે. ભયભીત અફઘાન મહિલાઓ પોતાના બાળકોને આ સૈનિકોના હાથોમાં સોંપી રહી છે. ફકત એટલી આશા સાથે કે કદાચ તે આ નર્કમાંથી બહાર નીકળી જાય અને તેનો જીવ બચી જાય.

એક રિપોર્ટ અનુસાર, શુક્રવારે પણ કાબુલ એરપોર્ટ પર અફઘાન નાગરિકોની લાચારી સ્પષ્ટપણે દેખાઇ રહી છે. મોટી સંખ્યામાં લોકો પોતાના બાળકોને લઇને એરપોર્ટ પહોંચી રહ્યા છે અને અમેરિકન સૈનિકોને તેમને બચાવવા વિનંતી કરી રહ્યા છે. એક પરિવારે તો તાલિબાનના ડરનો હવાલો આપીને પોતાના નવજાત બાળકને સૈનિકો તરફ ઉઠાવી રાખ્યું અને પછી દિવાલ પર ચડેલ સૈનિક તે બાળકને પકડતા પોતાને ના રોકી શકયો.

ઉલ્લેખનિય છે કે કાબુલ એરપોર્ટ પર યુએસ અને બ્રિટીશ સૈનિકોનો કબ્જો છે પણ બહાર તાલિબાનીઓ ઉપસ્થિત છે જે અફઘાનીઓ એરપોર્ટ પહોંચી રહ્યા છે તેમને આ આતંકવાદીઓ મારી રહ્યા છે. એટલે જ મહિલાઓનો આ પ્રયાસ છે કે તે આ સૈનિકોના હાથમાં પોતાના બાળકોને સોંપી દે.

હાલમાં જ એક અફઘાની મહિલાએ 'મારા બાળકને બચાવો' એવી બૂમો પાડતા પોતાની બાળકીને કાંટાળા તારોની ઉપરથી જોરથી ઉછાળી હતી તો બીજી તરફ ઉભેલા એક બ્રિટીશ સૈનિકે દોડીને સમયસર તેને ઝીલી લીધી હતી. અમુક બાળકો આટલા નસીબદાર નહોતા. તેમને કાંટાળા તાર પર પડવાથી ઇજાઓ પણ થઇ હતી.

(1:03 pm IST)