Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

તેલ, સાબુ અને બિસ્કિટ મોંઘા થયા : હજુ ભાવ વધારો

એફએમસીજી કંપનીઓ કાચા માલની કિંમતમાં વૃધ્ધિ વપરાશકારો ઉપર નાખી રહી છે

મુંબઈ, તા. ૨૧: પેકેજડ ફૂડ્સ અને સાબુનું વેચાણ કરતી બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ, આરએસએચ ગ્લોબલ અને ગોદરેજ કન્ઝયુમર પ્રોડકટ્સ લિ. સહિતની મોટી કંપનીઓએ જણાવ્યું છે કે તેઓ ખર્ચ ઉપર પણ નિયંત્રણ કરી રહી છે.

બ્રિટાનિયાના મેનાજિંગ ડિરેકટર વરુણ બેરીએ કહ્યું હતું કે, ક્રૂડતેલના ભાવ ઘણા વધ્યાં છે. પામતેલના ભાવ પણ ગયા વર્ષ કરતાં ઘણા ઊંચા ગયા છે. આ ત્રિમાસિકમાં ઓઈલ ફેટની કિંમતમાં અચાનક જ તીવ્ર ઉછાળો જોવાયો હતો. તેથી કંપનીએ તેની પ્રોડકટ્સની કિંમત વધારી છે.

કંપનીઓ અનેક વર્ષથી કાચા માલના ઊંચા ભાવની સમસ્યાનો સામનો કરી રહી છે. પામતેલની વૈશ્વિક કિંમતો આ વર્ષે વિક્રમી ટોચે પહોંચ્યા પછી પણ તેમાં સ્થિરતા આવી નથી. પામતેલનો ઉપયોગ સાબુ, બાકિંગ પ્રોડકટ્સ અને સૌંદર્ય પ્રસાધનોમાં થાય છે.

કોલકાતાની આરએસએચ ગ્લોબલ જે જોય બ્રાન્ડની પર્સનલ કેર પ્રોડકટ્સ બનાવે છે તેના સહ-સ્થાપક અને ચેરમેન સુનીલ અગરવાલે કહ્યું કે, કંપનીના કાચા' માલનો ખર્ચ છ મહિનામાં ૨૦થી ૨૫ ટકા વધ્યો છે. ઉદ્યોગ માટે આ બાબત ચેતવણીરૂપ છે. દર સપ્તાહે કાચા માલની કિંમતમાં થોડો-ઘણો વધારો થઈ રહ્યો છે. અગરવાલે કહ્યું કે, કંપનીએ આ અગાઉ મે મહિનામાં અને પછી તે પછી ગયા મહિને જુલાઈમાં તેની વેચાણ કિંમત વધારી હતી. એકંદરે કિંમતમાં ૮-૧૦ ટકાનો વધારો થયો છે. મોટી કિંમતના પેક ઉપર આ ભાવ વૃદ્ઘિ કરાઈ છે. કંપની હવે કિંમત વધારવાના' બદલે માર્કેટીંગ ખર્ચ ઘટાડશે કારણકે નફા ગાળો પણ જાળવવો જરૂરી છે.

વૈશ્વિક સ્તરે કોમોડિટીસની ભાવ વૃદ્ઘિ (ફૂગાવો) છેલ્લા એક દાયકાની ટોચે પહોંચ્યો છે, એમ જણાવતાં ગોદરેજ કન્ઝયુમર પ્રોડકટ્સ લિ. (જીસીપીએલ)ના ભારત અને સાર્કના ચીફ એકિઝકયુટીવ ઓફિસર સુનીલ કટારિયાએ કહ્યું કે, કંપનીએ પહેલી જુલાઈએ સાબુની કિંમત વધારી હતી. આમ, છ મહિનામાં બે વાર કિંમત વધારી છે. અત્યારે પામોલીનના ભાવ સૌથી ઊંચા છે અને હજી વધી રહ્યાં છે. તે સાથે ઈબીટીડા માર્જિન પણ જાળવાની છે. તેથી ગણતરીપૂર્વકનો ભાવ વધારો કરાશે. કંપની અત્યાર સુધીના સૌથી ખર્ચ નિયંત્રણ ઉપર વધુ ધ્યાન આપી રહી છે.

જૂનમાં ભારત સરકારે ક્રૂડ પામતેલ ઉપરનો અસરકારક આયાત વેરો પ્રતિ મેટ્રિક ટન ૩૫.૭૫ ટકાથી ઘટાડીને ૩૦.૨૫ ટકા કર્યો હતો. આને કારણે રિટેલ બજારમાં ખાઘ તેલની કિંમત ઘટવાની ધારણા છે.

જોકે, વૈશ્વિક સ્તરે પામ તેલની કિંમત ઊંચી જળવાઈ રહી છે. વૈશ્વિક સ્તરે ઊંચી માગ અને મલેશિયા અને ઈન્ડોનેશિયાના પામ તેલ ઉત્પાદક દેશોમાં કોવિડ-૧૯ના બીજી લહેરની તીવ્ર અસર આ માટે જવાબદાર છે. તેને કારણે પૂરવઠા ઉપર વિપરીત અસર થઈ છે. ભારત તેના પામતેલની મુખ્યત્વે જરૂરિયાત આયાત દ્વારા પૂરી કરે છે.

મોટી પેકેજડ કન્ઝયુમર ગુડ્ઝ કંપનીના એક એકિઝકયુટીવે કહ્યું કે, તહેવારોની શરૂઆત થઈ રહી છે તેવા સમયે ખાઘ તેલના ઊંચા ભાવ ગ્રાહકો અને કંપનીઓ બંને માટે યોગ્ય નથી. પુરવઠા ખેંચ ચાલુ છે. વર્ષના છ મહિના પૂરા થયા છે અને પામ તેલનું ઉત્પાદન ગયા વર્ષ કરતાં ઘણું ઓછું છે. આનું મુખ્ય કારણ એ છે કે મલેશિયા અને ઈન્ડોનેશિયાના પામ તેલ ઉત્પાદક દેશોમાં મહામારીની બીજી લહેરની તીવ્ર અસર છે. કેનેડાથી આવતા પામતેલ અને રાયના તેલની અછત ચાલુ રહેવાના સંકેત તેમણે આપ્યાં હતાં.

(10:19 am IST)