Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

કોરોના હાંફતા હવે નાના-મોટા ધંધા દોડવા લાગશે

ખરીદી સુધરતા ટર્નઓવર ૩૦ ટકા વધવાની ધારણા : જવેલરી, કપડાં, ઘર સજાવટનો સામાન, ફર્નિચર, રેસ્ટોરન્ટ, ટ્રાવેલ્સ, ખાણીપીણીના ધંધામાં હવે વધારો થઇ રહ્યો છે

નવી દિલ્હી,તા. ૨૧: ગુજરાતમાં કોરોનાનો હાઉ હવે ઓછો થયો હોય એવું અનુભવાઇ રહ્યું છે. લોકો મુકત રીતે એક બીજા શહેરોમાં અને પ્રવાસન સ્થળોએ ફરવા લાગ્યા છે. એસટી વિભાગ ૭૫ ટકા ક્ષમતા સાથે બસ ચલાવવા લાગ્યો છે. ક્ષમતા પણ વધતી જાય છે. તહેવારોમાં વધુ બસ સેવા પણ શરુ કરશે. રેલવેની પણ સુવિધા ઠીક ઠીક શરુ થઇ ગઇ છે. હેરફેર શરુ થઇ જવાને લીધે આના કારણે રાજયના નાનાથી લઈને મોટા ધંધાના ટર્નઓવરમાં ૩૦ ટકા જેટલો વધારો થવાની ધારણા છે. લોકો લગ્નની સિઝનમાં પણ બહાર જવા લાગ્યા છે, એનો લાભ મળશે.

રક્ષાબંધનથી હવે તહેવારોની શ્રૃંખલા શરુ થઇ રહી છે એ કારણે સૌરાષ્ટ્રમાં હેરફેર વધશે. શ્રાવણ મહિનો છે એટલે ધાર્મિક સ્થળોએ લોકો જઇ રહ્યા છે. એ પછી ગણેશ અને દિવાળી આવી રહી છે.

બધા તહેવારોનો લાભ લોકો લેશે અને અર્થતંત્રને વેગ મળશે. જો ત્રીજી લહેર આ તહેવારોમાં આતંક ન મચાવે તો ફરીથી બધું ધમધમવા લાગશે. લગ્નગાળાને લીધે અત્યારે લોકો એકથી બીજા શહેરોમાં અને ગામડાંમાંથી શહેરોમાં પણ જવા માંડ્યા છે.

જવેલરી, કપડાં, ઘર સજાવટનો સામાન, ફર્નિચર, રેસ્ટોરન્ટ, ટ્રાવેલ્સ, ખાણીપીણીના ધંધામાં હવે વધારો થઇ રહ્યો છે. તહેવારોમાં ૩૦-૪૦ ટકા સુધીનો વધારો થઇ ગયો હશે. જોકે અત્યારે પણ ખાણીપીણીના ધંધામાં ખાસ્સી રોનક આવી ચૂકી છે. પૂર્વવત ટર્નઓવર હવે થવા પર છે.

તહેવારોને લઈ એસટી ડેપો પર લોકોનો ધસારો છે. હાલ જઝમાં ૭૫ ટકા ક્ષમતામાં મુસાફરો સાથે ૬૩૦૦ બસનું સંચાલન થઇ રહ્યું છે.

તહેવારોને ધ્યાનમાં રાખી બસની ટ્રીપ વધારવામાં આવી રહી છે. ખાસ કરીને સોમનાથ, દ્વારકા, અંબાજી સહિત યાત્રાધામમાં મુસાફરો વધ્યા હોવાનું સામે આવ્યું છે. તો આ તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ મુસાફરોનો વધારો થયો છે.

ગુજરાતની ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા સંજીવ છાજેડ જણાવે છે કે 'કોરોનાનો ડર હજુ યથાવત છે અને લોકો વિદેશમાં કે દૂર અન્ય રાજયમાં જવાનું ટાળશે, આના કારણે ગુજરાતમાં જ રહેલા ડેસ્ટિનેશન ઉપર લોકોનું ફરવાનું લક્ષ્ય રહેશે અને આથી જ રાજયની અંદરનું પરિવહન વધશે.

(10:19 am IST)