Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

હવે પાકિસ્તાનમાં ઘુસ્યું તાલિબાન !

પાક.ના કટ્ટરપંથી મદરેસા પર ફરકાવ્યો આતંકીઓનો ઝંડો

લાહોર તા. ૨૧ : અફઘાનિસ્તાનમાં તાલિબાનની સફળતાની ઉજવણી હવે પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ઉજવવામાં આવી રહી છે. આ જ કારણ છે કે રાજધાની ઇસ્લામાબાદ સહિત ઘણા શહેરોમાં કટ્ટરવાદીઓના ટોળા તાલિબાનના ઝંડા લહેરાવી રહ્યા છે. એટલું જ નહીં, પાકિસ્તાનના ઘણા મૌલવીઓ ખુલ્લા મંચ પરથી તાલિબાનને જીત માટે અભિનંદન આપી રહ્યા છે. ઇસ્લામાબાદના જામિયા હાફસા મદરેસામાં તાલિબાનનો ધ્વજ ફરકાવવામાં આવ્યો.

જામિયા હાફસા અગાઉ મહિલા મદ્રેસા હતી. બાદમાં કટ્ટરવાદીઓએ તેને બંધ કરી દીધો. આ મદરેસા ઇસ્લામાબાદની વિવાદિત લાલ મસ્જિદની નજીક સ્થિત છે. લાલ મસ્જિદના મૌલાના અબ્દુલ અઝીઝે પાકિસ્તાન સરકારને ઘણી વખત ખુલ્લો પડકાર ફેંકયો છે. આ મસ્જિદ પર સૈન્ય કાર્યવાહી કરવા બદલ પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફની ધરપકડ કરવામાં આવી છે.

અગાઉ એવું કહેવામાં આવતું હતું કે પાકિસ્તાનનો પ્રભાવ તાલિબાન પર છે. હવે તાલિબાનનો પ્રભાવ પાકિસ્તાન પર વધુ દેખાય છે. આતંકવાદીઓને ટેકો આપતી પાકિસ્તાની સરકાર અજાણતા જ પોતાના દેશમાં ઉગ્રવાદીઓને પ્રોત્સાહન આપી રહી છે. આ કટ્ટરવાદીઓ પાકિસ્તાનમાં પણ પાયમાલી સર્જી રહ્યા છે. આ હોવા છતાં પાકિસ્તાન સરકારની આંખો ખુલતી નથી. થોડા મહિના પહેલા તહરીક-એ-લબાઈક પાકિસ્તાનના સમર્થકોએ દેશભરમાં હંગામો મચાવ્યો હતો.

તે એટલી હદે આવી કે આ કટ્ટરપંથી જૂથ પર પ્રતિબંધ મૂકવા છતાં, ઇમરાન ખાન સરકારે તેના વડાને મુકત કરવા પડ્યા. એટલું જ નહીં, દેશના ગૃહમંત્રી શેખ રશીદ પોતે કટ્ટરવાદીઓને મળ્યા અને તેમની માંગણીઓ સ્વીકારી. આ એ જ સંગઠન છે જેણે ફ્રેન્ચ રાજદૂતની હકાલપટ્ટી અંગે પાકિસ્તાન સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું.

તાલિબાન શાસનની અસર એ હશે કે આગામી વર્ષોમાં પાકિસ્તાનમાં સુન્ની અને વહાબી ઉગ્રવાદમાં વધારો થશે. લોકો ધાર્મિક નેતાઓના હાથની કઠપૂતળી બનશે. એટલું જ નહીં, આખા પાકિસ્તાન પર તેની નકારાત્મક અસર પડશે. પહેલેથી જ આર્થિક સંકટનો સામનો કરી રહેલું પાકિસ્તાન ગૃહયુદ્ઘની આગમાં સળગી શકે છે.

(12:58 pm IST)