Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

'બુઢ્ઢા' થઇ ગયેલા વાહનોન જશે ભંગાર બજારમાં

૧૫ વર્ષ જૂના કોમર્શીયલ વાહનો તથા ૨૦ વર્ષ જૂના પ્રાઇવેટ વાહનો 'કબાડ' જાહેર થશે : ૧૫ વર્ષ જૂના ૪.૨૩ કરોડ વાહનોના પૈડા થંભાવી દેવા યોજના

નવી દિલ્હી,તા. ૨૧: દેશના વિભીન્ન રાજ્યોમાં ૧૫ વર્ષ જૂના ચાર કરોડથી વધારે વાહનો રોડ પર ધુમાડો ફેલાવી રહ્યા છે. તેનાથી વાયુ પ્રદૂષણ થવાના કારણે પર્યાવરણને ભારે નુકસાન થઇ રહ્યુ છે. કેન્દ્ર સરકારે વૈકલ્પિક ભંગાર નીતિ લાગુ કરીને આવા વાહનોને રોડ પરથી હટાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ શ્રૃંખલામાં કેન્દ્રએ રાજ્ય સરકારો અને તેના ઉપક્રમોના સરકારી વાહનોને હટાવવાની મુદત એપ્રિલ ૨૦૨૨ કરી નાખી છે.

રોડ પરિવહન અને નેશનલ હાઇવે મંત્રાલયના આંકડાઓ અનુસાર ૧૫ વર્ષ જુના વાહનોની કુલ સંખ્યા ૪,૨૩,૭૧,૩૧૧ છે. તેમાં સૌથી વધારે વાહનો કર્ણાટકમાં (૭૩,૦૨,૧૬૭) અને બીજા નંબરે યુપી (૫૯,૬૮,૨૧૯)ામં ચલાવાઇ રહ્યા છે. આમાં તેલંગાણા, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, લક્ષ્યદ્વીપના વાહનોની સંખ્યા ઉમેરાવાની બાકી છે કેમ કે આ રાજ્યોએ મંત્રાલયના વાહન પોર્ટલ-૪ પર રજીસ્ટર્ડ વાહનનોને અપલોડ નથી કર્યા. મંત્રાલયે ૧૮ માર્ચે વૈકલ્પિક ભંગાર નીતિ સંબંધી ડ્રાફટ નોટીફીકેશન બહાર પાડી દીધુ છે. હિતધારકોના વાંઘા અને સૂચન પછી તેને આગામી મહિનાથી લાગુ કરી દેવાશે નવો કાયદો લાગુ થતા ૧૫ વર્ષ જૂના ધંધાદારી વાહન અને ૨૦ વર્ષ જૂના ખાનગી વાહનોને ભંગાર જાહેર કરી દેવાશે

સરકારે જૂના વાહનોમાં રસ ઓછો કરવા અને નવા વાહનો ખરીદવા માટે આકર્ષિત કરવા નિયમોમાં ફેરફાર કર્યા છે. ૧૫ વર્ષ જૂના વાહનો ચલાવવા માટે ફીટનેસ સેન્ટરમાંથી ફીટનેસ સર્ટીફીકેટ લેવાનું ફરજીયાત છે. જો સેન્ટરે વાહનને ફીટનેસ ટેસ્ટમાં ફેલ કર્યું તો વાહન રોડ પર નહીં ચલાવી શકાય. આ સાથે જ સરકારે જૂના વાહનોના રજીસ્ટ્રેશન રીન્યઅુલ, ફીટનેસ સર્ટીફીકેટ વગેરેની ફી માં આઠ ગણાથી વધારે વધારો કર્યો છે. તો જૂના વાહનને ભંગારમાં વેંચીને નવું વાહન ખરીદવા પર ૩૦ ટકા સુધીની છૂટની જોગવાઇ કરી છે. સરકારનો ઉદ્દેશ પ્રદૂષણ રોકવાનો, પર્યાવરણ બચાવવાનો અને ગ્રાહકોને વધુ માઇલેજ વાળી આધુનિક કારો પ્રત્યે આકર્ષિત કરવાનો છે.

સરકારે કેન્દ્ર અને રાજ્ય સરકાર તથા નગર નિગમના ૧૫ વર્ષ જૂના વાહનો (કાર,ટ્રક, જીપ, બસ વગેરે)ને ભંગારમાં વેચવાની તૈયારી શરૂ કરી દીધી છે. તેમાં આવા જૂના વાહનોનું ૧ એપ્રિલ ૨૦૨૨થી દેશમાં કયાંય રજીસ્ટ્રેશન નહીં કરવામાં આવે.

(10:19 am IST)