Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

મુંબઈને ઓગસ્ટમાં મળશે પહેલી એસી ઈલેક્ટ્રિક ડબલ ડેકર બસ: રાજ્ય સરકાર 900 ઇલેક્ટ્રિક બસો ખરીદશે

2028 સુધીમાં શહેરમાં તમામ ડીઝલ બસોને ઈલેક્ટ્રીકમાં રૂપાંતરિત કરવાની યોજના

મુંબઈમાં ટૂંક સમયમાં ડબલ ડેકર ઈલેક્ટ્રિક બસ લોન્ચ થઈ શકે છે. મુંબઈની પ્રથમ ઈલેક્ટ્રિક એસી ડબલ ડેકર બસ ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં 7મી ઓગસ્ટના રોજ બેસ્ટના સ્થાપના દિવસના અવસરે લોન્ચ થવાની શક્યતા છે. મુંબઈની ડબલ ડેકર બસ પણ બેટરી પર ચાલશે. મુંબઈવાસીઓ હવે ઈલેક્ટ્રિક ડબલ ડેકર બસમાં મુસાફરી કરી શકશે. ખાસ વાત એ છે કે આ બસ એર કન્ડિશન્ડ હશે. મુંબઈમાં ડબલ ડેકર બસોની સંખ્યા 2019માં 120થી ઘટીને 2021માં માત્ર 48 થઈ ગઈ છે. સરકારે પહેલેથી જ 900 ડબલ ડેકર ઈલેક્ટ્રિક બસોને મંજૂરી આપી છે. જેમાં આ વર્ષના અંત સુધીમાં 225 બસો દોડશે. આગામી 225 બસો માર્ચ 2023માં અને બાકીની 450 બસો જૂન 2023માં દોડશે.

બેસ્ટની બસોને ઈલેક્ટ્રીકમાં બદલવામાં આવી રહી છે. આ માટે રાજ્ય સરકાર 900 ઇલેક્ટ્રિક બસો ખરીદી રહી છે. સરકાર 2028 સુધીમાં શહેરમાં તમામ ડીઝલ બસોને ઈલેક્ટ્રીકમાં રૂપાંતરિત કરવાની યોજના ધરાવે છે. રાજ્યના પર્યટન, પર્યાવરણ અને શિષ્ટાચાર મંત્રી અને મુંબઈના પાલક મંત્રી આદિત્ય ઠાકરેએ થોડા દિવસો પહેલા એક કાર્યક્રમમાં કહ્યું હતું કે અમારું લક્ષ્ય શહેરમાં 10,000 ઈલેક્ટ્રિક બસો લાવવાનું છે.

ત્યારબાદ બેસ્ટ સમિતિએ 12 વર્ષ માટે વેટ લીઝ પર 900 એસી ઈલેક્ટ્રિક ડબલ ડેકર બસ ખરીદવાના કરારને મંજૂરી આપી હતી. પ્રથમ તબક્કામાં બસ ઓગસ્ટમાં મુંબઈ પહોંચશે. રાજ્ય સરકારનું કહેવું છે કે તમામ BEST બસો કાં તો સંપૂર્ણપણે ઈલેક્ટ્રીક પર ચાલશે અથવા હાઈડ્રોજન ઈંધણ સેલ પર ચાલશે.

જેના આધારે બસોનું સંચાલન વધુ સુરક્ષિત બનશે તેમજ ખર્ચ પણ ઓછો થશે. ઈલેક્ટ્રિક બસોને ચાર્જ કરવા માટે 55 વિસ્તારોમાં ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવી રહ્યા છે. આ ચાર્જિંગ સ્ટેશન જાહેર-ખાનગી ભાગીદારી હેઠળ બનાવવામાં આવી રહ્યા છે. આગામી 3-4 મહિનામાં મુંબઈમાં આવા કેટલાંય પબ્લિક ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવામાં આવશે. આ સ્ટેશનો પર લોકો તેમની ઈલેક્ટ્રિક કાર, બાઈક અથવા સ્કૂટર પણ ચાર્જ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે મે મહિનામાં મુંબઈમાં ફુડ વેસ્ટથી ચાલવા વાળું દેશનું પહેલું ઈલેક્ટ્રિક વાહન ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશનનું આદિત્ય ઠાકરે દ્વારા ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. અહીં બગડેલા અથવા ફેંકેલા ખોરાકમાંથી વીજળી ઉત્પન્ન થાય છે. તે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન અને એરોકાર ક્લીન એનર્જી વચ્ચેનો સંયુક્ત પ્રોજેક્ટ છે.

(12:14 am IST)