Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

યોગ કરે હમ યોગ કરે, દૂર સભી હમ રોગ કરે....

સ્‍વાસ્‍થ્‍ય, સમૃધ્‍ધિ અને સુખાકારી માટે યોગ

કોરોના પછી યોગની લોકપ્રિયતા વધી : મનસુખ માંડવિયા વર્ણવે છે ફાયદા

યોગના લાભો વિશે કોઇ પરિચય આપવાની જરૂર નથી. આ એક પ્રાચીન ભારતીય પ્રથા છે જે આધ્‍યાત્‍મિક, માનસિક, ભાવનાત્‍મક અને શારીરિક પરિમાણો વચ્‍ચે સંતુલન સ્‍થાપિત કરવા અને સુખાકારી માટે તૈયાર કરવામાં આવી છે.
યોગ એ ભારતે દુનિયાને આપેલી ભેટ છે - એક એવું એકતા બળ છે જે ઉત્‍કર્ષની ભાવના સાથે લોકોને એકજૂથ કરે છે. વ્‍યાયામ અને ધ્‍યાનના સૌથી લોકપ્રિય સ્‍વરૂપમાંથી એક એવો યોગ છેલ્લા લગભગ બે દાયકામાં વૈશ્વિક ઘટના બની ગયો છે. ૧૯મી સદીના અંતમાં અને ૨૦મી સદીના આરંભમાં સ્‍વામી વિવેકાનંદની સફળતા બાદ, આપણા દેશના વિવિધ ઋષિઓ અને સાધુઓએ પશ્ચિમી દેશોમાં યોગનો પરિચય કરાવ્‍યો. પヘમિમાં ભલે યોગનો શારીરિક તંદુરસ્‍તી જાળવવા અને તણાવને દૂર કરવાના મુદ્રા આધારિત સ્‍વરૂપ તરીકે વિકાસ થયો હોય તેમ છતાં, તેના સાચા અર્થમાં યોગ એ શારીરિક વ્‍યાયામના એક સ્‍વરૂપ કરતાં ઘણું વિશેષ છે.
વડાપ્રધાન મોદીજીના અવિરત પ્રયાસોના ફળસ્‍વરૂપે, આખી દુનિયામાં યોગને ઓળખ અને સ્‍વીકૃતિ મળી છે અને સંયુક્‍ત રાષ્ટ્ર દ્વારા ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્‍યો છે. યોગને મળેલી સ્‍વીકૃતિ અને તે અંગે લોકોમાં આવેલી જાગૃતિના કારણે, તેનાથી કોવિડ સામેની જંગ લડવામાં પણ મદદ મળી છે. મહામારીના કારણે યોગની લોકપ્રિયતામાં વધારો થયો છે, કારણ કે બીમારીઓથી દૂર રહેવામાં અને શારીરિક તેમજ માનસિક સુખાકારી બંને પ્રાપ્ત કરવા માટે તેમાં રહેલી શક્‍તિનું લોકોને સ્‍મરણ થયું છે. કેટલાક રેન્‍ડમાઇઝ્‍ડ ધોરણે કરવામાં આવેલા નિયંત્રિત અભ્‍યાસોમાં જોવા મળ્‍યું છે કે, કોવિડ-૧૯થી ચેપગ્રસ્‍ત દર્દીઓમાં સહબીમારી તરીકે જોવા મળી શકે તેવી હાઇપરટેન્‍શન, તીવ્ર અવરોધક ફેફસા સંબંધિત બીમારીઓ, શ્વાસનળીના અસ્‍થમા, ડાયાબિટીસ, ઊંઘની સમસ્‍યાઓ, ડિપ્રેશન અને મેદસ્‍વીતા જેવી બિન-ચેપી બીમારીઓના નિયંત્રણમાં યોગને લગતી પ્રથાઓ અસરકારક છે. કોવિડના ચેપની વધુ સંભાવના હોય તેવા વસતી સમૂહો જેમ કે વૃદ્ધો અને બાળકોમાં પણ યોગ ઉપયોગી હોવાનું જોવા મળ્‍યું છે. હાર્વર્ડ મેડિકલ સ્‍કૂલે કોવિડ-૧૯ સંબંધિત અજંપા અને ચિંતાને દૂર કરવા માટે યોગ આસનનું આચરણ કરવાની ભલામણ કરી છે. મહામારીએ લોકોને સ્‍વસ્‍થ રહેવાના મહત્‍વનો અહેસાસ કરાવ્‍યો છે અને મોટી સંખ્‍યામાં લોકો યોગ તરફ વળ્‍યા છે.
 સમગ્ર દેશમાં ૧૧૯,૬૨૩ આરોગ્‍ય અને સુખાકારી કેન્‍દ્રો (HWC) પર આપવામાં આવતી સેવાઓમાં યોગ પણ એક અભિન્ન હિસ્‍સો છે. HWCનું વ્‍યાપક અને સતત વિકસી રહેલું નેટવર્ક લોકોને ગુણવત્તાપૂર્ણ આરોગ્‍ય સંભાળ સેવાઓની સુલભતા પૂરી પાડે છે અને અહીં આપવામાં આવતી આવી સુખાકારી સેવાઓમાં યોગ એ પાયાનો પથ્‍થર છે જેનો લાભ લોકો પોતાની લાંબા ગાળાની સુખાકારી માટે લઇ શકે છે.
 વાસ્‍તવમાં, આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રોજ સ્‍ટાર્ટ-અપ ઇન્‍ડિયા અને ઇન્‍વેસ્‍ટ ઇન્‍ડિયા દ્વારા સંયુક્‍ત રીતે યોજવામાં આવેલી સ્‍ટાર્ટઅપ યોગ ચેલેન્‍જનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. આના માટેના વિચારોમાં વિવિધ પ્રકારની થીમ હોઇ શકે છે, જેમ કે - યોગના વસ્ત્રોથી માંડીને શિક્ષણ અને યોગના જ્ઞાનનો લાભ લેવા માટે અને જ્ઞાનના શેરિંગ માટે ટેકનોલોજીનો ઉપયોગ વગેરે કંઇપણ હોઇ શકે છે. ઉદાહરણ તરીકે જોઇએ તો, ૨૦૨૧માં માત્ર વૈશ્વિક યોગ કપડા ઉદ્યોગ જ USD ૨૨.૭૨ બિલિયનથી વધીને ૨૦૨૮માં USD ૩૯.૯૧ બિલિયન થવાનું અનુમાન છે, જે ૮.૪%નો ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દરનોંધાવે છે. ભારતમાં યોગ પ્રવાસન પણ વિકાસના વિશાળ ક્ષેત્ર તરીકે ઝડપથી ઉભરી રહ્યું છે.
આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ યોગની અત્‍યાર સુધી ઉપયોગમાંના લેવાયેલી સંભાવનાઓ પારખી લીધી અને વૈશ્વિક સ્‍તરે તેને ઓળખ અપાવવા તેમજ તેની લોકપ્રિયતા વધારવા માટે અથાક કામ કર્યું. તેમણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું વિચાર બીજ આપ્‍યું અને ૨૦૧૪માં સંયુક્‍ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના સંબોધન દરમિયાન આ દિવસ ઉજવવાનો પ્રસ્‍તાવ મૂક્‍યો અને ત્‍યારથી આખી દુનિયામાં દર વર્ષે ૨૧ જૂનના રોજ સામૂહિક રીતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સ્‍થાપિત કરતા મુસદ્દાનો ઠરાવ ભારત દ્વારા રજૂ કરવામાં આવ્‍યો હતો અને ૧૭૫ સભ્‍ય દેશોના વિક્રમી સમર્થન સાથે તેને સ્‍વીકૃતિ મળી હતી. આ પહેલને દુનિયાભરના નેતાઓ દ્વારા વ્‍યાપક આવકાર પ્રાપ્ત થયો છે. ભારત માટે આ ખૂબ જ ગૌરવપૂર્ણ પરાક્રમ છે!
હું વધુને વધુ લોકોને યોગાભ્‍યાસ કરવા માટે અનુરોધ કરવા માગું છું કારણ કે, તે સર્વાંગી સુખાકારી માટે પરિવર્તનકારી છે. દુનિયાભરમાંથી સેંકડો અને હજારો લોકો યોગ શીખવા અને તેનો અભ્‍યાસ કરવા માટે ભારતમાં આવે છે કારણ કે તેઓ જાણે છે કે યોગથી વ્‍યક્‍તિની આંતરિક ચેતના અને બાહ્ય વિશ્વ વચ્‍ચેના જોડાણને વધુ ગાઢ બનાવીને આનંદ, સ્‍વાસ્‍થ્‍ય અને આંતરિક શાંતિ લાવી શકાય છે. દુનિયા જયારે અશાંતિમાં છે તેવા આવા પડકારજનક સમયમાં, યોગ સૌના માટે આરોગ્‍ય અને સુખાકારી સુનિヘતિ કરીને શાંતિ અને વૈશ્વિક બંધુતાનો સંદેશ ફેલાવે છે.
અને અંતે, યોગનો સીધો અને સરળ અર્થ એકજૂથ થવું અથવા એકીકૃત થવું એવો થાય છે. યોગ વિશ્વને એકીકૃત કરશે. આપણે ભારતીયોએ માનવ સુખાકારી અને વિશ્વ શાંતિ માટે યોગની આપણી પરંપરાને પ્રોત્‍સાહન આપવા માટે આપણે પોતાનાથી થઇ શકે તેવું બધું જ કરવું જોઇએ કારણ કે યોગ એ સર્વગ્રાહી ભેટ છે જે દરેક વ્‍યક્‍તિએ આનંદપૂર્ણ અસ્‍તિત્‍વ માટે સ્‍વીકારવી જોઇએ.


- લેખક -
ડો. મનસુખ માંડવિયા
મો. ૯૪૨૬૨ ૧૧૬૭૦
નવી દિલ્હી

 

(1:04 pm IST)