Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

મહારાષ્ટ્રના પરિવહન મંત્રી અનિલ પરબની મુશ્કેલી વધી:મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે ઇડીનું તેડું

અગાઉ ઈડીએ અનિલ પરબ અને તેના સહયોગીઓ સાથે જોડાયેલા સાત સ્થળો પર દરોડા પાડ્યા હતા

મહારાષ્ટ્રના પરિવહન મંત્રી અનિલ પરબને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. EDએ અનિલ પરબને આવતીકાલે (21 જૂન મંગળવાર) હાજર થવા જણાવ્યું છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર અનિલ પરબને મની લોન્ડરિંગ કેસના સંબંધમાં બોલાવવામાં આવ્યા છે. અનિલ પરબને રત્નાગીરી જિલ્લાના દાપોલી રિસોર્ટ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. જણાવી દઈએ કે ગયા મહિને 26 મેના રોજ ઈડીએ અનિલ પરબ અને તેના સહયોગીઓ સાથે જોડાયેલા સાત સ્થળો પર દરોડા પાડ્યા હતા. અનિલ પરબના ઘરની પણ તપાસ કરવામાં આવી હતી અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર સામે કેસ નોંધવામાં આવ્યો હતો.

EDએ કથિત મની લોન્ડરિંગ કેસમાં શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના મંત્રી અનિલ પરબને સમન્સ પાઠવ્યું છે. તેમને આવતીકાલે 21 જૂને એજન્સી સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે મહાવિકાસ અઘાડીના મોટા નેતાઓ જેમ કે, અનિલ દેશમુખ અને નવાબ મલિક પહેલેથી અલગ અલગ મની લોન્ડ્રિંગ કેસમાં ઈડીની તપાસનો સામનો કરી રહ્યા છે.

નેશનલ હેરાલ્ડ અખબાર સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં રાહુલ ગાંધીની આજે ચોથા રાઉન્ડમાં પૂછપરછ કરવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગયા અઠવાડિયે આ કેસમાં રાહુલની સતત ત્રણ દિવસ પૂછપરછ કરી હતી. આ પછી આજે ફરી એકવાર આ મામલે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષની પૂછપરછ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, EDએ રાહુલ ગાંધીને મંગળવારે ફરી પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે.

નોંધનીય છે કે વાયનાડના સાંસદ રાહુલની અત્યાર સુધી ચાર દિવસમાં 40 કલાક પૂછપરછ કરવામાં આવી છે. ગયા અઠવાડિયે સોમવારથી બુધવાર સુધી રાહુલ ગાંધીની 30 કલાકથી વધુ પૂછપરછ કરવામાં આવી હતી. તેઓ ગયા શુક્રવારે ફરીથી તપાસ એજન્સી સમક્ષ હાજર થવાના હતા. જો કે, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે તેમની માતા સોનિયા ગાંધીની નાદુરસ્ત તબિયત પર EDના તપાસ અધિકારીને પત્ર લખીને તેમને શુક્રવાર (17 જૂન) ના રોજ થનારી પૂછપરછમાંથી મુક્તિ આપવા વિનંતી કરી હતી. EDએ પણ તેમની અપીલ સ્વીકારી લીધી હતી અને તેમને 20 જૂન એટલે કે આજે તેમની સામે હાજર થવા જણાવ્યું હતું.

(12:53 am IST)