Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

હરિયાણાના પૂર્વ સીએમ ઓમ પ્રકાશ ચૌટાલા આવકથી વધુ સંપત્તિના કેસમાં દોષિત : 26 મેના રોજ થશે સજા : ફ્લેટ, પ્લોટ અને માલિકીની જમીન જપ્ત

ન્યુદિલ્હી : હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને ઈન્ડિયન નેશનલ લોકદળ (INLD)ના સુપ્રીમો ઓમ પ્રકાશ ચૌટાલાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. શનિવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે અપ્રમાણસર સંપત્તિના કેસમાં ચૌટાલાને દોષિત ઠેરવ્યા હતા. આ સજા પર 26 મેના રોજ કોર્ટમાં ચર્ચા થવાની છે.

વર્ષ 2019માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ઓમ પ્રકાશ ચૌટાલાની 3 કરોડ 68 લાખની સંપત્તિ જપ્ત કરી હતી. આ મિલકતોમાં ફ્લેટ, પ્લોટ અને ઓમ પ્રકાશ ચૌટાલાની માલિકીની જમીનનો સમાવેશ થાય છે.

મળતી માહિતી મુજબ, શનિવારે યોજાયેલી આ સુનાવણી દરમિયાન ઓમ પ્રકાશ ચૌટાલા કોર્ટરૂમમાં હાજર રહ્યા હતા. અગાઉ 19 મેના રોજ રાઉઝ એવન્યુ કોર્ટે અપ્રમાણસર સંપત્તિ રાખવાના કેસમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આ કેસમાં, સીબીઆઈએ 26 માર્ચ, 2010ના રોજ ચૌટાલા સામે ચાર્જશીટ દાખલ કરી હતી અને તેમને 1993 અને 2006 વચ્ચે તેમની કાયદેસરની આવકના કથિત રીતે અપ્રમાણસર રૂ. 6.09 કરોડની સંપત્તિ એકત્ર કરવા માટે જવાબદાર ઠેરવ્યા હતા. જો કે ચૌટાલા પરિવાર હંમેશા આ આરોપોને રાજનીતિથી પ્રેરિત ગણાવે છે.

અટેચ કરેલી મિલકતો નવી દિલ્હી, પંચકુલા અને સિરસામાં આવેલી છે. આ કાર્યવાહી અપ્રમાણસર સંપત્તિના કેસમાં મની લોન્ડરિંગ એક્ટ હેઠળ નોંધાયેલી એફઆઈઆરના સંદર્ભમાં કરવામાં આવી હતી.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે

(5:53 pm IST)