Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

પૂ. ભૂપેન્‍દ્રભાઇ પંડયાજીના પરિચયની ઝલક

જેમને સાંભળવા માટે આપ સૌ આતુરતાથી પ્રતીક્ષા કરી રહ્યા છો તેવા એક વિલક્ષણ વ્‍યકિતત્‍વનો પરિચય જાણીએ.

સન ૧૯૬૩માં સાત્‍વિક વિદ્વાન બ્રાહ્મણ પરિવારમાં જન્‍મેલા પૂજ્‍યશ્રી ભૂપેન્‍દ્રભાઇ પંડયા વિજ્ઞાનના સ્‍નાતક છે. નાનપણમાં દાદીમાના ખોળામાં બેસીને સાંભળેલી શ્રીમદ ભાગવત રામાયણ, મહાભારત તથા ઉપનિષદોની કથા અત્‍યારે ગાદીમાના ખોળામાં બેસી એટલે કે વ્‍યાસપીઠ પર બિરાજી સમગ્ર વિશ્વને સંભળાવી રહ્યા છે.
પરંપરાથી ચાલ્‍યા આવતા કથા-કથનથી બિલકુલ અલગ એવી આધુનિક, તકશુદ્ધ,વૈજ્ઞાનિક અને રસાળ શૈલીમાં પૂજયશ્રી ભૂપેન્‍દ્રભાઈનાં પ્રવચનો સાંભળવા એ જીવનનો અમૂલ્‍ય લ્‍હાવો છે. ગંભીર અને ગહન વિષયને રમૂજી અને જીવનલક્ષી દ્રષ્ટાંતો દ્વારા શ્રોતાના હૃદય સુધી પહોચાડવાનું તેમનું સામર્થ્‍ય વિશ્વભરના શ્રોતાઓને આકર્ષે છે. ગૂઢ આધ્‍યાત્‍મિક તત્ત્વોનું વેદાંત તથા વિજ્ઞાનના સમન્‍વય દ્વારા અર્થઘટન કરી જનસામાન્‍યને સુલભ તેવી ભાષા તથા શૈલીમા ઉપલબ્‍ધ કરાવવાનો પુરુષાર્થ પૂજયશ્રી ભૂપેન્‍દ્રભાઈ પંડ્‍યા સતત કરી રહ્યા છે. વિશેષ કરીને બુદ્ધિમાન, સુશિક્ષિત અને યુવા પેઢીને ધર્માભિમુખ કરવામાં પૂજયશ્રી ભૂપેન્‍દ્રભાઈનો ફાળો અતુલ્‍ય છે. ગુજરાતી, હિન્‍દી, સંસ્‍કૃત, મરાઠી અને ઈંગ્‍લીશ પરના પ્રભુત્‍વને કારણે એમના વિચારોની અભિવ્‍યક્‍તિને ભાષાની કોઈ મર્યાદા નડતી નથી. તેથી જ, ભારતીય ઉપરાંત વિદેશી જીજ્ઞાસુઓ પણ પૂજયશ્રી ભૂપેન્‍દ્રભાઈના જ્ઞાનનો લાભ લેતા હોય છે.
છેલ્લા પચ્‍ચીસ વર્ષોથી ભારત ઉપરાંત વિશ્વના પાંચેય ખંડોમાં અનેક દેશોમાં ભ્રમણ કરી તેમણે ૯૫૦ થી પણ વધુ જ્ઞાનયજ્ઞો દ્વારા લાખ્‍ખો લોકોની અધ્‍યાત્‍મ ચેતનાને પ્રજવલિત કરી છે. અનેક વિષયો પરનાં વિચારપ્રેરક પ્રવચનો તથા સેમિનારોની DVD અને MP3 દ્વારા દુનિયાભરના અગણિત લોકો પોતાની જ્ઞાનપિપાસા સંતોષે છે. એમનાં પ્રવચનો પર આધારિત શ્રીમદ્‌ ભાગવતામૃતમ્‌ ગ્રંથની ગુજરાતીમાં ૨૧ અને અંગ્રેજીમાં ૪ આવૃત્તિઓ પ્રકાશિત થઈ ચૂકી છે.
‘પ્રાર્થના માટે ઉઠાવેલા બે હાથ કરતાં મદદ માટે લંબાવેલો એક હાથ વધુ ઉપયોગી છે' - એ સિદ્ધાંતમાં માનનારા પૂજયશ્રી ભૂપેન્‍દ્રભાઈની પ્રેરણા અને માર્ગદર્શનથી ભારત ઉપરાંત ઈંગ્‍લેન્‍ડ, અમેરિકા અને આફ્રિકામાં કાર્યરત સત્‍કર્મ પરિેવાર દ્વારા અનેક શેક્ષણિક, સામાજિક અને મેડીકલ પ્રવૃત્તિઓ થતી રહે છે. એમના સાનિધ્‍યમાં ચારધામ, કૈલાસ માનસરોવર અથવા દક્ષિણ ભારતની યાત્રા હોય કે પછી અલાસ્‍કા કે યુરોપની ક્રૂઝ હોય, પ્રસન્નતા સાથે જ્ઞાનનો લાભ જેણે એક વખત લીધો એ વારંવાર લીધા વગર રહી શકતો નથી.
આવું એક અનોખું વ્‍યક્‍તિત્‍વ ધરાવતા સરળ સંત પૂજયશ્રી ભૂપેન્‍દ્રભાઈ પંડ્‍યા આપણી વચ્‍ચે ઉપસ્‍થિત છે તે આપણા સૌનું સદભાગ્‍ય છે.

 

(3:58 pm IST)