Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

આટકોટની પરવાડિયા હોસ્‍પિટલમાં માનવતા - આધુનિકતાનો સંગમ

સૌરાષ્‍ટ્રની પ્રથમ હરોળની અદ્યતન સુવિધાપૂર્ણ હોસ્‍પિટલનું ૨૮મીએ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇના હસ્‍તે ઉદ્‌ઘાટન : ૧૬૦ જનરલ સહિત ૨૦૦ બેડ : ૬ ઓપરેશન થિયેટર : અત્‍યાધુનિક લેબ અને મેડીકલ સ્‍ટોર : બેડનો ચાર્જ એક દિવસના રૂા. ૨૫૦ ભોજન સાથે

અકિલાના આંગણે આયોજકો :  આટકોટમાં વડાપ્રધાનના હસ્‍તે ખુલ્લી મુકાનાર શ્રી કે.ડી.પરવાડિયા હોસ્‍પિટલના ઉદ્‌ઘાટન નિમિતે હોસ્‍પિટલના સંચાલકો અને ભાજપના આગેવાનોએ આજે અકિલા કાર્યાલયની મુલાકાત લઇ અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને ઉદ્‌ઘાટન સમારંભનું નિમંત્રણ આપેલ. આ પ્રસંગે હોસ્‍પિટલના મેનેજીંગ ટ્રસ્‍ટી ડો.ભરતભાઇ બોઘરા, મેયર પ્રદીપ ડવ, સાંસદ મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્‍યો ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠિયા, ભાજપના વિભાગીય પ્રવકતા રાજુભાઇ ધ્રુવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, જિલ્લાના મહામંત્રી મનસુખભાઇ રામાણી તેમજ અકિલા પરિવારના ડો. અનિલ દશાણી વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ૨૧ : રાજકોટ - જસદણની વચ્‍ચે આટકોટ પાસે નવનિર્માણ પામેલ શ્રી પટેલ સેવા સમાજ સંચાલિત શ્રી કે.ડી.પરવાડિયા મલ્‍ટીસ્‍પેશ્‍યાલિટી હોસ્‍પિટલનું ઉદ્‌ઘાટન તા. ૨૮ મે શનિવારે સવારે ૧૦ વાગ્‍યે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે થશે. આ પ્રસંગે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ સી.આર.પાટીલ તેમજ કેન્‍દ્રીય મંત્રીઓ મનસુખ માંડવીયા, પરસોત્તમ રૂપાલા, મહેન્‍દ્ર મુંજપરા સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહેશે. સુવિધાની દૃષ્‍ટિએ સૌરાષ્‍ટ્રની પ્રથમ હરોળની બની રહેનાર આ હોસ્‍પિટલમાં માનવતા અને આધુનિકતાનો સંગમ જોવા મળશે. અન્‍ય ખાનગી હોસ્‍પિટલોની સરખામણીએ એકદમ ઓછા દરે દર્દીઓની સારવાર કરવામાં આવશે. આજે હોસ્‍પિટલના મેનેજીંગ ટ્રસ્‍ટી ડો. ભરત બોઘરા અને અન્‍ય આગેવાનોએ ‘અકિલા' કાર્યાલયની શુભેચ્‍છા મુલાકાત લઇ ઉદ્‌ઘાટન સમારંભ અને હોસ્‍પિટલની સુવિધા બાબતે અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા  સાથે વિગતવાર ચર્ચા કરી હતી.
ડો. ભરત બોઘરાએ જણાવ્‍યા મુજબ જસદણ - વિંછીયા પંથક સહિત સમગ્ર સૌરાષ્‍ટ્રના તમામ સમાજના નાગરિકોને મેટ્રોસીટી જેવી ઉત્‍કૃષ્‍ટ આરોગ્‍ય સુવિધા મળી રહે તે માટે આ આધુનિક હોસ્‍પિટલ બનાવવામાં આવી છે. પ્રથમ બાબુભાઇ અસલાલિયા સહિતના ટ્રસ્‍ટી મંડળે રાત-દિવસ જહેમત ઉઠાવી છે. આ હોસ્‍પિટલ સમગ્ર પંથકની શાન બની રહેશે. વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે તેનું ઉદ્‌ઘાટન થાય તે વિશેષ ગૌરવની બાબત છે.
ડો. ભરત બોઘરાએ જણાવેલ કે, હોસ્‍પિટલમાં પ્રથમ તબક્કે ૧૬૦ જનરલ બેડ અને ૪૦ રૂમ સહિત કુલ ૨૦૦ બેડની સુવિધા શરૂ થશે. ભવિષ્‍યમાં ૪૦૦ બેડ સુધી વિસ્‍તારી શકાય તેટલી ક્ષમતા છે. ૬ ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્‍યા છે. જેમાંથી ૪ ઓપરેશન થિયેટર ઉદ્‌ઘાટન પછી તુરંત શરૂ થઇ જશે. ૩૫ નિયમિત અને બાકીના મુલાકાતી સહિત કુલ ૭૪ જેટલા નિષ્‍ણાંત ડોકટરોની સેવાનો લાભ મળશે. ૧૯૫ પેરામેડિકલ સ્‍ટાફ કાર્યરત થશે. હોસ્‍પિટલમાં માઁ કાર્ડ, આયુષ્‍યમાન કાર્ડ તેમજ મેડિકલ વીમાના કાર્ડ માન્‍ય રહેશે. જેની પાસે આવુ એકય કાર્ડ ન હોય તેને કોર્પોરેટ પ્રકારની ખાનગી હોસ્‍પિટલની સરખામણીએ માત્ર ૨૦% જેટલા ચાર્જમાં સારવાર મળી રહેશે. જનરલ બેડનો ચાર્જ એક દિવસના રૂા. ૨૫૦ ભોજન સાથે રહેશે. નર્સિંગ સ્‍ટાફની સેવાનો ખર્ચ પણ તેમા સમાવેશ થઇ જાય છે.
હોસ્‍પિટલનો રોજિંદો ખર્ચ રૂા. અઢી લાખ થવાની ધારણા છે. તેના માટે દાતાઓએ હાથ લંબાવ્‍યા છે. ૪૫ દાતાઓ સીરામીક ઉદ્યોગમાંથી મળ્‍યા છે જેના માટે સાંસદ મોહનભાઇ કુંડારીયાએ જહેમત ઉઠાવી હતી. હોસ્‍પિટલ નિર્માણ અને નિભાવ માટે રૂા. ૨૧ હજારથી માંડી ૨૧ કરોડના દાન નોંધાયા છે. મે પોતે પાંચ કરોડનું દાન નોંધાવ્‍યું છે. હોસ્‍પિટલમાં ૨૪ ઓપીડી સહિત તમામ રોગની સારવાર શક્‍ય બનશે. ૫૦૦ વીઘા જગ્‍યામાં બે લાખ ચોરસ ફુટ બાંધકામ કરવામાં આવ્‍યું છે. બે મહિના પછી હૃદય રોગની જટિલ સારવાર માટે કેથલેબ તૈયાર થઇ જશે. ભવિષ્‍યમાં કિડની, લીવર જેવા અંગોના પ્રત્‍યારોપણ માટેની પણ વ્‍યવસ્‍થા વિચારાધીન છે. આધુનિક લેબોરેટરી અને મેડિકલ સ્‍ટોર તૈયાર કરવામાં આવ્‍યો છે. રોજના ૬૦ દર્દીઓના ડાયાલિસીસ થઇ શકે તેવી સુવિધા ઉપલબ્‍ધ થશે. વેન્‍ટીલેટર, મોનીટર, સીરીઝ પમ્‍પ, એનેસ્‍થેસિયા વર્ક સ્‍ટેશન, એલઇડી, ઓટી લાઇટ, વોર્મર ફોટોથેરાપી વગેરે સુવિધા ઉપલબ્‍ધ કરવામાં આવી છે. હોસ્‍પિટલમાં પેથોલોજી, ડાયાલિસીસ, એન્‍ડોસ્‍કોપી, ફિઝીયોથેરાપી વગેરે વિભાગ કાર્યરત થશે. ઉદ્‌ઘાટન પ્રસંગે ૪૦૦ ઉદ્યોગપતિઓ સહિત ત્રણ લાખ લોકો ઉમટી પડશે.
હોસ્‍પિટલમાં આંતરરાષ્‍ટ્રીય કક્ષાના ધારાધોરણ મુજબની સુવિધા રાખવામાં આવેલ છે. તમામ સાધનો સ્‍ટાર્ન્‍ડડ કંપનીના જ વસાવવામાં આવ્‍યા છે. બાંધકામ, ફર્નિચર અને હોસ્‍પિટલ માટે જરૂરી સાધનો વસાવવા રૂા. ૫૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્‍યો છે. નામાંકિત ડોકટરો હોસ્‍પિટલમાં સેવા આપશે.  હોસ્‍પિટલ માટે ત્રણ એમ્‍બ્‍યુલન્‍સ વસાવવામાં આવી છે. ભવિષ્‍યમાં ગ્રામ્‍ય વિસ્‍તારના ગરીબ વડિલોને હોસ્‍પિટલે લાવીને જરૂરી સારવાર કરવાની વ્‍યવસ્‍થા કરવામાં આવશે. આ હોસ્‍પિટલ માનવતા અને આધુનિકતાના સમન્‍વય સમાન બની રહેશે તેમ મેનેજિંગ ટ્રસ્‍ટી અને પૂર્વ ધારાસભ્‍ય ડો. ભરત બોઘરાએ જણાવ્‍યું હતું.

સરકારી કાર્ડ માન્‍ય, બાકીના દર્દીઓ માટે ૨૦% ચાર્જ
સાવ ગરીબ દર્દી હોય તો પણ પૈસાના અભાવે સારવાર અટકશે નહિઃ ડો. બોઘરા

રાજકોટ : આટકોટની શ્રી પટેલ સેવા સમાજ સંચાલિત કે.ડી.પરવાડિયા મલ્‍ટીસ્‍પેશ્‍યાલિટી હોસ્‍પિટલના મેનેજીંગ ટ્રસ્‍ટી ડો. ભરત બોઘરાએ જણાવેલ કે, આ હોસ્‍પિટલમાં અકસ્‍માત સહિત તમામ રોગની સારવાર કરવામાં આવશે. રાજ્‍ય અને કેન્‍દ્ર સરકારના માઁ કાર્ડ જેવા કાર્ડ તેમજ માન્‍ય વીમા કંપનીની વીમા પોલીસી સારવાર માટે માન્‍ય રહેશે. જેની પાસે કાર્ડ કે મેડીક્‍લેમ ન હોય તેને આ પ્રકારની અન્‍ય ખાનગી હોસ્‍પિટલની સરખામણીએ ૨૦ ટકા જેટલા ખર્ચમાં સારવારનો લાભ મળશે. અત્‍યંત ગરીબ દર્દી હોય તેને યોગ્‍યતાના ધોરણે વિનામૂલ્‍યે સારવારનો લાભ પણ મળશે. પૈસાના અભાવે હોસ્‍પિટલમાં કોઇની સારવાર ન અટકે તેવો અમારો ધ્‍યેય છે.

બાયપાસ સર્જરી સહિત હૃદયની તમામ સારવાર થશે
ઉચ્‍ચ કક્ષાની કેથલેબ બે મહિનામાં કાર્યરત થઇ જશે : ભવિષ્‍યમાં અંગપ્રત્‍યારોપણ સુધીની તૈયારી

રાજકોટ : આટકોટની નવનિર્મિત પરવાડિયા હોસ્‍પિટલના મેનેજીંગ ટ્રસ્‍ટી પૂર્વ ધારાસભ્‍ય ડો. ભરત બોઘરાએ અકિલાના આંગણે જણાવેલ કે, હોસ્‍પિટલમાં વધારાની સુવિધા તરીકે કેથલેબ ઉમેરવામાં આવી છે. તેના માટે વિશ્વસ્‍તરની કંપનીઓએ બનાવેલા સાધનોના ઓર્ડર અપાઇ ગયા છે. બે મહિનામાં કેથલેબ કાર્યરત થઇ જવાની ધારણા છે. હોસ્‍પિટલમાં એન્‍જીયોગ્રાફી, એન્‍જીયોપ્‍લાસ્‍ટી, બાયપાસ સર્જરી વગેરે સુવિધા ઉપલબ્‍ધ થશે.

ઉદ્‌ઘાટનમાં ૩ લાખ લોકો ઉમટશે, બધા માટે ભોજન
રાજકોટ : આટકોટની હોસ્‍પિટલના મેનેજિંગ ટ્રસ્‍ટી ભરત બોઘરાએ જણાવેલ કે, તા. ૨૮મીએ સવારે ૯ વાગ્‍યે વડાપ્રધાનના હસ્‍તે ઉદ્‌ઘાટન થનાર છે તે પ્રસંગે રાજકોટ અને આસપાસના જિલ્લાઓમાંથી ત્રણેક લાખ લોકો પ્રસંગના સાક્ષી બનવા તથા વડાપ્રધાનને સાંભળવા ઉમટી પડે તેવી ધારણા છે. ગામેગામ પ્રવાસ કરી આમંત્રણ અપાઇ રહ્યા છે. ઉદ્‌ઘાટનમાં આવનાર તમામ માટે મોહનથાળ, ગુંદી, ગાંઠીયા, પુરી, શાક, રોટલી સહિતના ભોજનની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

કે.ડી.પરવાડિયા હોસ્‍પિટલની ઇમારત અને અંદરના વિવિધ વિભાગોની તસ્‍વીરી ઝલક

હોસ્‍પિટલ આંકડાકીય દ્રષ્‍ટિએ

 

૫૦૦ વીઘા

- જગ્‍યા

૨ લાખ ચો.ફુટ

- બાંધકામ

૦૬

- ઓપરેશન થિયેટર

૭૪

- ડોકટરો

૧૬૦

- જનરલ રૂમ

૦૪૦

- સ્‍પેશ્‍યલ રૂમ

૨૪૦

- સીસીટીવી કેમેરા

૦૦૩

- એમ્‍બ્‍યુલન્‍સ

૬૦

- દૈનિક ડાયાલીસીસી ક્ષમતા

રૂા. ૨.૫૦ લાખ

- દૈનિક નિભાવ ખર્ચ

નિર્માણ ખર્ચ

- ૫૦ કરોડ રૂા.

(4:23 pm IST)