Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

જમ્મુ કાશ્મીરમાં સંપૂર્ણ લોકડાઉનની તૈયારીઓ

દુકાનો, બજારો સવારે ૧૦ થી સાંજે ૭ સુધી ખુલ્લી રહેશેઃ રાત્રી કર્ફયુનો અમલ

જમ્મુઃ જમ્મુ કાશ્મીર સંપૂર્ણ લોકડાઉન તરફ આગળ વધી રહયું છે. આખા રાજયમાં રાત્રી કર્ફયુ લાગુ કરવાની સાથે જ દુકાનો અને વ્યાપારીક સંસ્થાઓને હવે સવારના ૧૦ થી સાંજના ૭ વાગ્યા સુધી ખોલી શકાશે. આ ઉપરાંત બજારોને રોટેશનના આધારે ખોલવામાં આવશે. ઉપરાજયપાલે આ અંગેના આદેશો જાહેર કર્યા છે.

પ્રશાસને રાજયના વિસે વીશ જીલ્લાઓમાં રાતનાં ૧૦ થી સવારે ૬ વાગ્યા સુધી કર્ફયુ અમલી હતો, જે હાલની કોરોનાની સ્થિતીને ધ્યાનમાં રાખીને આખા રાજયમાં લાગુ કરાયો છે. રોટેશનના આધારે દુકાનો ખોલવાના આદેશના કારણે હવે બજારમાં રોજ ૫૦ ટકા દુકાનો જ ખુલી શકશે.

જમ્મુ કાશ્મીરમાં કોરોનાના કેસ સતત વધી રહયા છે. રાજયમાં સોમવારે ૧૫૦૦ થી વધારે નવા કેસ આવ્યા હતા જે અત્યાર સુધીના સૌથી વધારે કેસો, હોસ્પિટલો કોરોના દર્દીઓથી ભરાઇ ગઇ છે અને આ પરિસ્થિતી જો થોડા વધારે દિવસ રહેશે તો દર્દીઓને દાખલ કરવાની જગ્યા પણ નહીં રહે.

પ્રશાસને યાત્રી વાહનો માટે પણ આદેશ બહાર પાડયા છે જેના અનુસાર યાત્રી વાહનોમાં તેની ક્ષમતાના ૫૦ ટકા મુસાફરોને જ બેસાડી શકાશે. પ્રશાસને આ આદેશનું સખ્તાઇપુર્વક પાલન કરાવવાના દરેક જીલ્લા એસએસપીને સૂચના આપી છે. એક સીટ પર એક જ મુસાફરને બેસાડી શકાશે. જો કોઇ વાહનમાં ૫૦ ટકા ક્ષમતાથી વધારે મુસાફરો જણાય તો તેની સામે કાર્યવાહી કરવા પણ કહેવાયુ છે.

(4:15 pm IST)