Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

વિપક્ષી એકતા માત્ર દેખાડોઃ રાહુલની ‘ભારત જોડો યાત્રા'ના પરિણામ સામે સવાલ

જયાં સુધી વિપક્ષો વચ્‍ચે વૈચારિક સમાનતા નહિ આવે ત્‍યાં સુધી ભાજપને હરાવી નહિ શકાય : મારે કોંગ્રેસને બેઠી કરવી હતી પણ તેઓનો હેતુ ચૂંટણી જીતવાનો હતોઃ જે રીતે મારા વિચારો લાગુ કરવા'તા તેની સાથે હું સહમત નહોતો : પ્રશાંત કિશોર

નવી દિલ્‍હી, તા.૨૧: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પર સવાલ ઉઠાવનારાઓમાં ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર પણ જોડાયા છે. તેમણે કહ્યું કે યાત્રાની ખરી કસોટી જમીની અસરથી થશે. આ સાથે તેમણે વિપક્ષી પાર્ટીઓની એકતા પર પણ શંકા વ્‍યક્‍ત કરી છે અને કહ્યું છે કે જ્‍યાં સુધી ‘વૈચારિક ગઠબંધન' ન થાય ત્‍યાં સુધી ભારતીય જનતા પાર્ટીને હરાવી શકાય નહીં.

કિશોરે સોમવારે કહ્યું કે ૨૦૨૪માં વિપક્ષી એકતા અસ્‍થિર અને વિચારધારાના સ્‍તરે વિભાજીત હોવાને કારણે કામ નહીં કરે. તેમણે કહ્યું કે વિપક્ષી એકતા માત્ર દેખાડો છે અને તે માત્ર પક્ષો અને નેતાઓને સાથે લાવવાથી સાકાર થશે નહીં.

એક ચેનલ સાથેની એક્‍સક્‍લુઝિવ વાતચીતમાં તેમણે કહ્યું, જો તમે ભાજપને પડકારવા માંગતા હોવ તો તમારે તેની તાકાત (હિંદુત્‍વ, રાષ્‍ટ્રવાદ અને કલ્‍યાણ) સમજવી પડશે. તે ત્રણ સ્‍તર છે. જો તમે આમાંથી ઓછામાં ઓછા બેને ભેદવામાં સફળ ન થાવ, તો તમે ભાજપને પડકારી શકશો નહીં.

તેમણે કહ્યું, ‘હિંદુત્‍વની વિચારધારા સામે લડવા માટે વિચારધારાઓનું ગઠબંધન હોવું જોઈએ. ગાંધીવાદી, આંબેડકરવાદી, સમાજવાદી, ડાબેરી... વિચારધારા ખૂબ જ મહત્‍વપૂર્ણ છે, પરંતુ તમે વિચારધારાના આધારે આંધળો વિશ્વાસ ન રાખી શકો. તેમણે કહ્યું,'...જ્‍યાં સુધી વૈચારિક સમાનતા નહીં આવે. ત્‍યાં સુધી ભાજપને હરાવી શકાય નહીં.

તેઓ તેમની વિચારધારાને મહાત્‍મા ગાંધીની વિચારધારા તરીકે વર્ણવે છે.. જન સૂરજ યાત્રા અંગે તેમણે કહ્યું કે, ઁતે બિહારની આસપાસની સ્‍થિતિ બદલવાની છે. બિહાર જ્ઞાતિની રાજનીતિ અને ઘણાં ખોટા કારણોસર જાણીતું છે. હવે સમય આવી ગયો છે બિહારને લોકોની ક્ષમતાઓથી ઓળખવામાં આવે.

કોંગ્રેસ સાથે અણબનાવ પર કિશોરે કહ્યું, મારો ઉદ્દેશ્‍ય કોંગ્રેસને ફરીથી બનાવવાનો હતો. તેમનો હેતુ ચૂંટણી જીતવાનો હતો. તે જે રીતે મારા વિચારોને અમલમાં મૂકવા માંગતો હતો તેના પર અમે સહમત ન હતા, શું તમારે ૬ મહિના સુધી દોડ્‍યા પછી ફરક જોવો જોઈએ? પક્ષની ચૂંટણીની સ્‍થિતિ બદલવા માટે આ યાત્રા કાઢવામાં આવી હતી. અત્‍યાર સુધી હું માત્ર ચાર જ જિલ્લાઓને કવર કરી શકયો છું. મારા માટે મુસાફરી એ એક મિશન નથી, પરંતુ વિસ્‍તારને જાણવાની રીત છે.

(3:29 pm IST)