Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

GST: ૧૦,૦૦૦ કરોડનું રિફંડ ચુકવવા કવાયત

વેપારીઓના રીફંડ ચૂકવાય તો વેપાર ધંધાને વેગ મળેઃ વેપારીઓ સાથે કસ્ટમ અધિકારીઓની બેઠકઃ સામાન્ય કવેરીઓના નિવારણ માટે 'ઓફ લાઇન' પ્રોગ્રામ શરૂઃ ૧૫ હજારથી વધુ સામાન્ય કવેરીઓ

નવી દિલ્હી તા. ૨૧:  GST બાદ વેપારીઓને સૌથી વધુ પરેશાની રિફંડ મેળવવામાં થઇ રહી છે. ત્યારે જ નિકાસકારોની નજીવી ભૂલને લઇને અટકાવાયેલા રિફંડ હવે શ્નઓનલાઇન' ને બદલે શ્નઓફ લાઇન' પ્રોગ્રામ અંતર્ગત સોલ્વ કરવામાં આવશે. કમ્પ્યૂટરાઇઝડ સિસ્ટમમાં સામાન્ય ભૂલોને લીધે પણ રિફંડ અટકી પડતું હોવાથી હજારો કરોડનું રિફંડ અટકવાઇ ગયું હતું. હવે કસ્ટમની આ કવાયતને લઇને વેપારીઓના ૧૦ હજાર કરોડ નજીકના ભવિષ્યમાં જ રિફંડ થશે. જેના માટે વેપારીઓએ પોતાના બિલની કોપી લઇને પોર્ટ ઓફિસ કે આઇસીડી (ઇનલેન્ડ કન્ટેનર ડેપો) ખાતે જવાનું રહેશે ત્યાં તેની કોપી સબમીટ થતાં જ તેના રિફંડ માટેની પ્રક્રિયા શરૂ થઇ જશે.

 

દેશના નિકાસકારોની વ્યાપક ફરિયાદ હતી કે રિફંડ માટેની વિગતો સબમિટ કરી હોવા છતાં રિફંડ મળતું નથી. રિફંડ ન મળતાં વેપારીઓ- નિકાસકારોના કરોડો રૂપિયા બ્લોક થઇ જવાથી તેની વેપાર ઉદ્યોગ પર વિપરીત અસરો પડી રહી છે. આ મુદ્દે વેપારીઓની વ્યાપક રજૂઆતો બાદ ચીફ કસ્ટમ કમિશનર પી.વી.આર રેડ્ડી, કસ્ટમ કમિશનર ભારતી ચવ્વાણ તથા કસ્ટમના સિનિયર અધિકારી મનિષ કુમારે ચેમ્બરની મદદથી વેપારીઓ સાથે રિફંડના મુદ્દે વાર્તાલાપ કર્યો હતો.

 

જેમાં અધિકારીઓએ વેપારીઓ સામે તેમની ભૂલો રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સંપૂર્ણ સિસ્ટમ કમ્પ્યૂટરાઇઝ છે જેમાં નાનકડી ભૂલ પણ કમ્પ્યૂટર સ્વીકારતું નથી. હવે જયારે વેપારી રિફંડ માટે જે વિગતો સબમીટ કરે તેના ડેટા 'મિસ મેચ' થતાં હોવાથી તેમના રિફંડ અટકી ગયા છે. જેના સમાધાન પેટે હવે જે એકસપોર્ટરના રિફંડ અટકયા છે. તેઓ પોતાની રિફંડ માટેની હાર્ડ કોપી લઇને કસ્ટમની પોર્ટ ઓફિસ કે પછી આઇસીડી પર જઇને સબમિટ કરી શકશે. તેની આ મેન્યુઅલ કોપી સ્વીકારતા જ રિફંડ માટેની કામગીરી શરૂ કરી દેવાશે.(૨૧.૧૭)

જાન્યુઆરી સુધી કસ્ટમ દ્વારા ૩૭૫ કરોડનું રિફંડ કરાયું

વેપારીઓને રિફંડ નહિ મળતું હોવાનો સૌથી મોટો પ્રશ્ને છે. તેમાંય વળી મોટા એકસપોર્ટરોને કસ્ટમ ડિપાર્ટમેન્ટ દ્વારા રિફંડ નથી મળ્યું હોવાની બૂમો પડી રહી છે. ત્યારે જ ચીફ કસ્ટમ કમિશનર, અમદાવાદ પીવીઆર રેડ્ડીએ જણાવ્યું હતું કે રિફંડની કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં એકસપોર્ટરોને રૂપિયા ૩૭૫ કરોડ કરતાં વધુનું રિફંડ આપવામાં આવ્યું છે. જે લોકોએ રિફંડ માટે કલેઇમ કર્યા છે. તેમની રિફંડ માટેની કામગીરી ચાલી રહી છે.

ગુજરાતના ચારેય કમિશનરેટ ખાતે રિફંડ માટે હેલ્પ ડેસ્ક કાર્યરત કરાયા

કસ્ટમ અને એકસાઇઝ અંતર્ગત કોઇ પણ એકસપોર્ટરને રિફંડ સંલગ્ન કોઇપણ પ્રશ્નો હોય તો તેઓનું ગુજરાતના ચારેય કમિશનરેટ ખાતે કાર્યરત હેલ્પ ડેસ્કની મદદથી પોતાની મુશ્કેલીનું સમાધાન કરી શકશે. એકસપોર્ટર માટે તમામ કમિશનરેટ ખાતાના હેલ્પ ડેસ્ક પર ખાસ અધિકારીઓની પણ ફાળવણી કરવામાં આવી છે. જયાં વેપારી પોતાની રિફંડ અંગેની કોઈ પણ કવેરી રજૂ કરી શકશે.

(12:58 pm IST)