Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

ગાયના પેટમાંથી નીકળ્યું ૮૦ કિલો પોલિથીન, ૩ કલાક ચાલ્યું ઓપરેશન

પટણા તા. ૨૧ : બિહારમાં એક ગાયના પેટનું ઓપરેશન કરવામાં આવ્યું તો તેમાંથી ૮૦ કિલો પોલિથીન વેસ્ટ કાઢવામાં આવ્યું. પટણા વેટનરી કોલેજમાં થયેલા આ ઓપરેશનમાં ડોકટરો પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. આ મામલાએ લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા કે રસ્તા પર પડેલા કચરાના ઢગલાથી પોતાનનું પેટ ભરનારા રખડું જનાવરો માટે પોલિથીન ખતરનાક છે. હિન્દુસ્તાન ટાઈમ્સની ખબરો પ્રમાણે ગાયનું પેટ સાફ કરતા ત્રણ કલાક કરતા વધુ સમય લાગ્યો હતો.

ઓપરેશન કરનારા ડોકટરોની ટીમે લીડ કરી રહેલા આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. જીડી સિંહે દર્શાવ્યું કે ગાયના પેટના ચાર ભાગમાં જમા મોટી પોલિથીનને ૩ કલાકમાં કાઢવામાં આવી. સિંહે કહ્યું, 'મારી પ્રોફેશનલ પ્રેકિટસના ૧૩ વર્ષના અનુભવમાં આ પહેલો મામલો છે જેમાં ગાયના પેટમાંથી ૮૦ કિલો પોલિથીન વેસ્ટ કઢાયું છે.' ડોકટર્સ મુજબ ગાય હજુ સ્વસ્થ છે.

દક્ષિણ પટનામાં ગૌશાળા ચલાવવાવાળા ગાયના માલિક દીપક કુમારે જણાવ્યું કે પાછલા કેટલાક દિવસોથી ગાય બરોબર રીતે ખાતી નહોતી. કુમારે કહ્યું, 'ગાયને અમે ચરવા માટે છોડી દેતા હતા. જયારે ગાયે સંપૂર્ણ રીતે ખાવાનું છોડી દીધું તો અમે તેને અહીં લઈને આવ્યા.' ડો. સિંહે કહ્યું કે શહેર અને કસબામાં ગાયને ખુલ્લામાં ચરવા માટે ન છોડી શકાય. સિંહે કહ્યું, લોકોએ પણ ખાવાવાળી વસ્તુઓ પોલિથીનમાં બાંધીને ન ફેંકવી જોઈએ, તેની પર્યાવરણ પર પણ ખરાબ અસર પડે છે.ગાય ખાવાનાને ગળી જાય છે અને પછી પાછું મોઢામાં લાવીને તેને ચાવે છે. ચાવ્યા પછી તે તેને ફરી પેટમાં ઉતારે છે જયાં ૪ ચેમ્બર હોય છે. પ્લાસ્ટિક આ રીતે ગાયના પેટમાં જમા થવાથી તેનું મોત પણ થઈ શકે છે.(૨૧.૧૦)

 

(11:29 am IST)