Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

ખુશ્બુ ગુજરાત કી ફેલાવનારા બીગબી હવે કોંગ્રેસ તરફ ઢળી ગયા છે?

બચ્ચનનો કોંગ્રેસ પ્રેમ જાગી ઉઠયો?: જૂના છે ગાંધી - બચ્ચન પરિવારના સંબંધો

મુંબઇ તા. ૨૧ : શું સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનો કોંગ્રેસ પ્રેમ ફરી એકવાર જાગી ઉઠ્યો છે? નહેરુ-ગાંધી પરિવાર સાથે બચ્ચન પરિવારના એક જમાનામાં ઘણા સારા સંબંધો રહી ચૂકયા છે એ વાત કોઈનાથી છૂપાયેલી નથી. ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના કહેવા પર અમિતાભે ૧૯૮૪માં અલહાબાદની સીટ પરથી લોકસભાની ચૂંટણી પણ લડી હતી. જો કે અમિતાભને રાજનીતિમાંથી મોહભંગ થઈ ગયો અને ધીરેધીરે નહેરુ-ગાંધી પરિવારથી તેમનું અંતર વધતુ ગયુ.

આટલા વર્ષ પછી વેલેન્ટાઈન ડે વાળા મહિનામાં એટલે કે ફેબ્રુઆરીમાં અમિતાભનો કોંગ્રેસ પ્રત્યેનો પ્રેમ ફરી જાગી ઉઠ્યો છે? આવું એટલા માટે કહી શકાય કારણ કે બચ્ચન એક પછી એક કોંગ્રેસના નેતાઓને ટ્વીટર પર ફોલો કરતા જાય છે.

શરૂઆત ૨ ફેબ્રુઆરીએ થઈ જયારે અમિતાભ બચ્ચને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને ટ્વીટર પર ફોલો કરવાનું શરૂ કર્યું. ત્યાર પછી તેમણે કોંગ્રેસના મીડિયા સંભાળતા રણદીપ સુરજેવાલાને ફોલો કર્યા. આટલાથી જ ન અટકતા બિગ બીએ એક અઠવાડિયા બાદ ૯ ફેબ્રુઆરીએ કોંગ્રેસના પાર્ટી ઓફિશિયલના ટ્વીટર હેન્ડલને પણ ફોલો કર્યું. રાહુલ ગાંધીએ અત્યાર સુધી બચ્ચનને ટ્વીટર પર ફોલો નથી કર્યું. પરંતુ કોંગ્રેસ પાર્ટીના ઓફિશિયલ હેન્ડલે બચ્ચનનો આભાર માની તેમને વળતા ફોલો કર્યા છે.

બિગ બીનો ટ્વીટરના માધ્યમથી ઊભરાતો કોંગ્રેસ પ્રેમ અટકવાનું નામ જ નથી લેતો. તે પી. ચિદમ્બરમ, કપિલ સિબ્બલ, સીપી જોશી, અજય માકન, પ્રિયંકા ચતુર્વેદી, સંજય ઝા જેવા કોંગ્રેસ નેતાઓને પણ પોતાના ટ્વીટર પર ફોલો કરી ચૂકયા છે. સિબ્બલ, ચિદમ્બરમ, જોશી જેવા વરિષ્ઠ નેતાઓએ તો આ વાત પર ખાસ ધ્યાન નથી આપ્યું પરંતુ બાકી નેતાઓએ બિગ બીને ટ્વીટર પર ફોલો કરી લીધા છે.

કોંગ્રેસના નેતાઓનું માનવું છે કે દેશમાં શું ચાલી રહ્યું છે તે બધા જ જાણે છે. આ બદલાતા સમય સાથે લોકોનું સરકાર પ્રત્યેનું વલણ પણ બદલાઈ રહ્યું છે. નહિં તો બિગબી શા માટે ચૂંટણીના એક વર્ષ પહેલા જ આવુ કરે? વળી પનામા પેપર્સ હોય કે પેરેડાઈઝ પેપર્સ, બધામાં બિગ બીનું નામ ઉછળ્યું છે. બિટકોઈનમાં પણ બિગ બીનું નામ ચર્ચામાં આવ્યું હતું. એક સમયે બચ્ચનને મોટા ભાઈ કહીને બોલાવનારા અમર સિંહે રાજયસભામાં આ મુદ્દો ઉછાળ્યો હતો.

બચ્ચન પરિવાર અને ગાંધી પરિવારના સંબંધોની વાત કરીએ તો અમિતાભ અને ગાંધી પરિવારના સંબંધો તેમની બોલિવુડમાં એન્ટ્રી કરતા પણ અનેક વર્ષો જૂના છે. ઈન્દિરા ગાંધી અને બચ્ચનના માતા તેજી બચ્ચન જૂના મિત્રો હતા. રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીના લગ્ન નહતા થયા ત્યારે સોનિયાએ ઈટાલીથી આવીને થોડા દિવસો બચ્ચન પરિવાર સાથે વીતાવ્યા હતા. જો કે બોફોર્સ ગોટાળામાં અમિતાભનું નામ સંડોવાતા તેમની ઈમેજ પર બટ્ટો લાગ્યો હતો અને તેમણે રાજકારણને હંમેશા માટે રામ રામ કરી દીધા હતા.(૨૧.૧૬)

 

(11:27 am IST)