Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

પંજાબ નેશનલ બેન્કમાંથી શાસ્ત્રીજીએ ૫૦૦૦ની કાર લોન લીધી હતીઃ મૃત્યુ બાદ પેન્શનમાંથી પત્નિએ લોન ભરપાઈ કરી

બેન્કના એક ગ્રાહક શાસ્ત્રીજી હતા તો એક નિરવ મોદી છે : લાલબહાદુર શાસ્ત્રીને ૧૨૦૦૦ની કાર લેવી હતીઃ રોકડા ૭૦૦૦ હતાઃ ૧૯૬૪માં ૫૦૦૦ની કાર લોન લીધી અને ૧૯૬૬માં જ તેઓનું નિધન થયું

નવી દિલ્હી, તા. ૨૧ :. કોઈએ કહી નથી શકતુ કે, દેશ છોડીને ભાગી ગયેલો ડાયમંડ વેપારી નિરવ મોદી પંજાબ નેશનલ બેન્કમાંથી લીધેલા કરોડો રૂપિયા ચૂકવશે કે નહિં ? પરંતુ દેશની સૌથી જૂની આ બેન્ક પાસે એવા પણ ગ્રાહકો રહી ચૂકયા છે જેમના મોત પછી પણ તેમના પરિવારે બેન્કની લોન ચૂકવી છે. પંજાબ નેશનલ બેન્કના આવા જ એક અત્યંત ખાસ ગ્રાહક હતા દેશના બીજા વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રી. ભૂતપૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ પણ આ બેન્કમાંથી ૫૦૦૦ રૂ.ની કાર લોન લીધી હતી. જેને તેમના મૃત્યુ બાદ તેમના વિધવા પત્નિ લલીતાબેને તેમના પેન્શનમાંથી ચૂકવી હતી. આ માહિતી તેમના પુત્ર અનિલ શાસ્ત્રીએ આપી છે.

વરિષ્ઠ કોંગી નેતા અનિલ શાસ્ત્રીએ કહ્યુ હતુ કે, અમે ઘોડાગાડીમાં સ્કૂલે જતા. અમને કદી પિતાજીએ અંગત કામ માટે કાર વાપરવા નહોતી દીધી તેથી ઘર વપરાશ માટે એક કાર ખરીદવા માંગણી કરી હતી. ૧૯૬૪નું વર્ષ હતુ વડાપ્રધાનના સ્પેશ્યલ આસિસ્ટન્ટ વૈંકટરામને જણાવ્યુ હતુ કે, નવી ફીયાટ ૧૨૦૦૦ની છે. શાસ્ત્રી પરિવાર પાસે બેન્કમાં ૭૦૦૦ રૂ. છે. વડાપ્રધાને ૫૦૦૦ રૂ.ની લોન માટે અરજી કરી જેને તે જ દિવસે મંજુર કરવામાં આવી હતી, પરંતુ તૂર્ત જ દેશ માટે ખરાબ સમાચાર આવ્યા.  ૧૧ જાન્યુઆરી ૧૯૬૬ના રોજ તાશકંદમાં શાસ્ત્રીજીનું મૃત્યુ થયું. અનિલ શાસ્ત્રી કહે છે કે, લોન બાકી હતી. મારા પિતાજીના મૃત્યુ બાદ તેમના મળતા પેન્શનમાથી મારી માતાએ એ લોન ભરપાઈ કરી હતી.

શાસ્ત્રી પરિવાર દ્વારા ખરીદવામાં આવેલી ક્રીમ કલરની કાર ૧૯૬૪ મોડલની હતી. જેનો નંબર ડીએલઈ ૬ હતો. અત્યારે આ કાર શાસ્ત્રી મોમેરીયલમાં પ્રદર્શનમાં રાખવામાં આવી હતી. પીએનબીની સ્થાપના ૧૮૯૪માં થઈ હતી. બ્રિટીશ રાજ દરમિયાન તેની શરૂઆત પાછળનો આઈડીયો હતો કે દેશમાં એક સ્વદેશી બેન્ક હોવી જોઈએ. શરૂઆતના ડાયરેકટરોમાં લાલા લજપતરાય સામેલ હતા.

(11:17 am IST)