Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

રઘુરામ રાજને બેન્કોની ગરબડ દૂર કરવાનું આયોજન કર્યુ હતું: સરકારે તેમને જ દૂર કર્યા

હવે નાણામંત્રી સહિત સૌ કોઇ બેન્કિંગ સિસ્ટમ સુધારવાની વાતો કરે છેઃ જાહેર ક્ષેત્રની એક પણ બેન્ક એવી નથી જે નબળી ન પડી રહી હોયઃ ર૦૦૮ ની મંદીની આગાહી રાજને છેક ર૦૦પ માં કરી હતી

નવી દિલ્હી તા. ર૧ :.. વિશ્વ વિખ્યાત અર્થશાસ્ત્રી અને રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ભારતીય બેન્કિંગ સિસ્ટમમાં વ્યાપેલો સડો દૂર કરવા માટે રોડ-મેપ તૈયાર કર્યો હતો. એ રોડ-મેપનો અમલ કરે તો સરકારના માનીતા ઘણા ઉદ્યોગપતિ નારાજ થાય. સાથે સાથે જાહેર ક્ષેત્રની બેન્કોમાં ચાલતી ભ્રષ્ટ વ્યવસ્થા પણ બંધ કરવી પડે. સરકારને રાજનના એ પગલાંમાં રસ ન પડયો. ઉલટાના રાજનને જ બીજી વખત રીઝર્વ બેન્કના ગવર્નર બનવા ન દેવાયા. એ પછી ગુજરાતી ગવર્નર ઉર્જીત પટેલ આવ્યા જેમણે નોટબંધી વખતે મૌન રહી સરકારની હામાં હા મિલાવી હતી.

 

ભારતમાં સહકારી ક્ષેત્રની બેન્કો સતત દેવામાં ડૂબી રહી છે. વળી સરકારી બેન્કો હોવાથી તેમને પર્ફોમેન્સની કોઇ ચિંતા હોતી નથી. કેમ કે આવી બેન્ક ખાડે જાય તો સરકાર તેને પૈસા પુરા પાડે. માટે જાહેર ક્ષેત્રની બેન્કો કયારેય કાર્યક્ષમ બનવાનો પ્રયાસ કરતી નથી. તેના કર્મચારીઓ પણ વારંવાર હડતાલ પાડવાનું કામ કર્યા રાખે છે, જયારે ગ્રાહકો સાથે ઘણા ખરા કર્મચારીઓનું ઉધ્ધત વર્તન હોય છે. આવી બેન્કો સીધી દોર થાય એટલા માટે રાજને વારંવાર ચેતવણી આપી હતી.

રાજન ગવર્નર હતા ત્યારે અને ગવર્નર પદેથી નિવૃત થયા પછી તેમણે લખેલા પુસ્તક વ્હોટ ડુ આઇ ડુ માં પણ લખ્યુ છે કે દેશની બેન્કોની બેડ લોન ચિંતાનો વિષય હોવી જ જોઇએ. બેન્કોને મર્જર કરવાની વાત આવી ત્યારે પણ તેમણે કહયું હતંુ કે મર્જ કરવાને બદલે કિલન કરવી જોઇએ. એટલે કે બેન્કોએ પોતાના સલવાયેલા પૈસા પરત મેળવવા પ્રયાસ કરવા જોઇએ અને એ માટે આકરા  પગલા ભરવા જોઇએ. તેમણે કહ્યું હતું કે જાહેર ક્ષેત્રની એક પણ બેન્ક એવી નથી., જે નબળી ન પડી રહી હોય. એ સંજોગોમાં નબળી પડેલી બેન્કને બીજી બેન્ક સાથે મર્જ કરવાથી નબળી બેન્ક સુધરવાને બદલે સબળી બેન્કને બગાડશે. અત્યારે દેશમાં એવુ જ થઇ રહ્યું છે. (પ-૧૦)

બેન્કોની અવદશાનો અહેવાલ રિઝર્વ બેન્કે જ આપ્યો હતો

જૂન ર૦૧૭ માં આરબીઆઇએ 'ફાઇનાન્સિયલ સ્ટેબીલીટી રિપોર્ટ' રજૂ કર્યો હતો. ત્યારે જ કહેવાયું હતું કે દેશની બેન્કો ખાડે જઇ રહી છે. બેન્કોની સ્થિતી બગડવાનું કારણ ત્યારે પણ એનપીએ જ આપવામાં આવ્યુ હતું. રીપોર્ટમાં ત્યારે લખ્યુ હતું કે સાડા સાત વર્ષ પહેલા જાહેર ક્ષેત્રની ૬ બેન્કો જ એવી હતી જે જેની એનપીએ ૩ ટકા કરતા વધુ હતી. આજે ર૦૧૭ માં એવી સ્થિતિ છે, કે સરકાર હસ્તકની બધી બેન્કોમાં એનપીએનું પ્રમાણ ૩ ટકાથી વધી ગયુ છે. રીઝર્વ બેન્કે રીપોર્ટમાં બેન્કોની આ સ્થિતી અંગે ચિંતા વ્યકત કરી છે. ર૦૧ર માં પબ્લીક સેકટરની બેન્કોની એનપીએ તેની નેટવર્થના પ્રમાણમાં ૧૮ ટકા હતી. પાંચ વર્ષ પછી એ વધીને ૭૬ ટકા થઇ ચુકી છે. એ સ્થિતિ હવે વધુ બગડી ચુકી છે.

(10:16 am IST)