Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

રીપબ્‍લીકન હિંદુ કોએલેશનના સંચાલકોએ રેલીના આયોજન પ્રસંગે જણાવ્‍યું કે, ડાકા પ્રોગ્રામના સંતાનો સરહદોની દિવાલ માટે ભલે જરૂરી નાણાં આપેઃ હાલમાં કાયમી વસવાટ કરનારાઓને ગ્રીન કાર્ડ આપવામાં આવે છે તેને બદલે ડાકા પ્રોગ્રામના સંતાનોને અત્રે વસવાટ કરતી વેળા જાંબલી રંગના કાર્ડ આપવામાં આવે પરંતુ અમેરિકા નાગરિકત્‍વ ન આપવા સૂચના

(સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો): ફેબ્રુઆરી માસની ૩જી તારીખના રોજ અમેરિકાના પાટનગર વોશિંગ્‍ટન ડીસીમાં રીપબ્‍લીકન હિંદુ કોએલેશનના સંચાલન હેઠળ એચ-૪ વીઝા ધારક સંતાનો કે જેઓ ૨૧ વર્ષથી વધુ વયના થાય તો તેઓને આ દેશ છોડીને પોતાના વતન ભારત દેશમાં પાછા ફરવું ન પડે તે અંગેની જોરદાર રજૂઆત કરવા માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સેંકડો લોકોએ હાજરી આપીને ભાગ લીધો હતો.

પરંતુ આ પ્રસંગે યોજવામાં આવેલ રેલીના સંચાલકો તથા તેમના ટેકેદારો દ્વારા એક નવો વળાંક આપવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં નાની વયના સંતાનો પોતાના પરિવારના સભ્‍યો સાથે ગેરકાયદેસર રીતે આવીને વસેલા છે અને તેઓને ડાકા પ્રોગ્રામનો લાભ આપીને દેશ નિકાલ ન કરવાનો જે નિર્ણય લેવામાં આવેલ છે તેવા પ્રશ્નને એચ-૪ વીઝા ધરાવતા સંતાનોને પણ આપવામાં આવે તેવો પ્રયાસ હાથ ધરવામાં આવ્‍યો હતો. આ રેલીના સંયોજકોએ ડાકા પ્રોગ્રામનો લાભ લેનારા સંતાનોને ગ્રીન કાર્ડના બદલે જાંબલી રંગનો કાર્ડ ઓળખ માટે આપવામાં આવે પરંતુ અમેરિકન નાગરિકત્‍વ ન આપવામાં આવે એવી ઇચ્‍છા વ્‍યક્‍ત કરી હતી તેમજ તેની સાથે સાથે દરેક સંતાનોએ અમેરિકા દેશની સરહદો નજીક પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍ટ દેશના રક્ષણ માટે જે દિવાલ બનાવવા માંગે છે તે અંગે થનાર ખર્ચ પેટે પ્રતિ વર્ષે ૨પ૦૦ ડોલર ફરજીયાતપણે આપે એવી પણ એક લાગણી આ પ્રસંગે રજુ કરવામાં આવી હતી.

આ અંગે એવી પણ એક ધારણા છે કે ભારતીય પરિવારના આવા સાત હજાર જેટલા સંતાનોને જો ડાકા પ્રોગ્રામનો લાભ મળે તો તેઓને દેશ નિકાલ થવાનો ભય પણ ન રહે અને તેની સાથે સાથે જોબ કરવા અંગે વર્ક પરમીટનો પણ લાભ મળી શકે. હાલમાં જે સંતાનોને ડાકા પ્રોગ્રામનો લાભ મળે છે તેમાં વીસ ટકા જેટલા એશિયન અમેરિકન સંતાનોનો સમાવેશ થાય છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍ટે ડાકાનો જે પ્રોગ્રામ ચાલે છે તેને ૨૦૧૭ના વર્ષના સપ્‍ટેમ્‍બર માસની પાંચમી તારીખના રોજથી રદ્દ કરેલ છે અને તેની સાથે સાથે કોંગ્રેસના ચૂંટાયેલા રાજકીય નેતાઓને પાંચમી માર્ચ, ૨૦૧૮ પહેલા આ સમગ્ર પ્રોગ્રામનો કાયમને માટે યોગ્‍ય ઉકેલ લાવવા પણ જણાવેલ છે.

એચ-૪ સંતાનો કે જેઓ આ પ્રકારનો વીઝા ધરાવે છે તેઓ એચ-૧બી વીઝા ધરાવતા મા-બાપના સંતાનો છે અને આ સંતાનો ૨૧ વર્ષથી વધુ વયના થઇ જાય તો તેઓને પોતાના મા-બાપના આધારિત સંતાનો ગણવામાં આવતા નથી અને તેઓએ આ દેશ છોડીને પોતાના માદરે વતનમાં પાછા ફરવું પડે છે.

રોજગાર આધારિત ગ્રીન કાર્ડ પ્રાપ્‍ત કરવા માટે એચ-૧બી વીઝા ધારકોનો ઓછામાં ઓછો ૭૦ વર્ષ જેટલો સમય તેમનો બેકલોગ ઓછો કરવા માટે પસાર કરવો પડે છે અને તેથી તેમના બે લાખ એચ-૪ વીઝા ધારક સંતાનોનું ભાવિ અંધકારમય બની જશે. આ પ્રકારના જે સંતાનો છે તે ઉચ્‍ચ કળા-કૌશલ્‍ય ધરાવતા મા-બાપના છે અને તેઓએ આ દેશમાં જરૂરી ટેક્ષ પણ આપેલ છે અને કાયદેસરનો વસવાટ અમેરિકા દેશમાં કરે છે માટે તેઓને અત્રે કાયમી વસવાટ કરવાનો હક્ક પ્રાપ્‍ત થાય તેમજ ક્રમાનુસાર અમેરિકન નાગરિકત્‍વ પણ આપવામાં આવે.

આ રેલીના સંયોજકો દ્વારા ડાકા પ્રોગ્રામનો લાભ લેનારા સંતાનો દર વર્ષે ૨પ૦૦ ડોલર દિવાલ બાંધવા પેટે આપે તે યોગ્‍ય છે અને તેનો બચાવ કરતાં એક્‍ટીવિસ્‍ટે જણાવ્‍યું હતું કે, ડાકા પ્રોગ્રામના સંતાનો અત્રેથી જે પ્રાપ્‍ત કરે છે તેમાંથી સમાજના લોકોને બદલામાં પરત આપવું જોઇએ. પરંતુ ૨૦૧૩ની સાલમાં એક હેવાલ મુજબ ગેરકાયદેસર રીતે વસવાટ કરતા લોકોએ સોશ્‍યલ સિક્‍યોરિટીમાં ૧૩ બિલીયન જેટલી માતબર રકમ તેઓ ટેક્ષ પેટે પેરોલ દ્વારા ભર્યા હતા.

આ રેલીના સંયોજકોએ જે વિચારો રજૂ કરેલ છે તે અંગે આપી વિક્‍ટરી ફંડના ચેરમેન અને સ્‍થાપક શેખર નરસિંહમને જણાવ્‍યું હતું કે આ સમગ્ર નીતિ વિભાજન અને જીતની હોય એમ સર્વેને લાગે છે અને તેથી તે અત્‍યંત ખોટા માર્ગની છે. એચ-૪ વીઝા ધારક સંતાનોનો પ્રશ્‍ન એક અતિ સંવેદનશીલ છે પરંતુ આ સંતાનોને બીજા અન્‍ય સંતાનો સાથે ભટકારી માંડવા એ ખોટો માર્ગ છે. આપણે બધાએ સાથે મળીને આ પ્રશ્‍નનો યોગ્‍ય ઉકેલ શોધવો જોઇએ એવું નરસિંહમને અંતમાં જણાવ્‍યું હતું.

રિપબ્‍લીકન હિંદુ કોએલેશનના સંચાકોએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે ઇમીગ્રેશનની નીતિ અંગે જે યોજના વિચારેલ છે તેને અનુસરવાનો નિર્ણય કરેલ છે અને તેમાં કૌટુંબિક આધારિત જે પદ્ધતિ હાલમાં ચાલે છે તેનો અંત લાવવો અને લાયકાત મુજબ ઇમીગ્રેશન સિસ્‍ટમનો અમલ શરૂ કરવો એ મુખ્‍ય છે.

રિપબ્‍લીકન હિંદુ કોએલેશન દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ એક પ્રેસનોટ દ્વારા જણાવવામાં આવેલ કે આ રેલીમાં એક હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો. પરંતુ નરસિંહમને આ અંગે જણાવ્‍યું હતું કે આ કાર્યક્રમમાં ૨૦૦ જેટલા લોકોએ ભાગ લીધો હતો.

(11:05 pm IST)