Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

કાલે નિર્ણય જણાવશે ખેડૂતો

સરકારના પ્રસ્તાવથી ખેડૂતો ખુશઃ થઈ શકે છે સમાધાન

નવી દિલ્લી, તા.૨૧: કૃષિ કાયદાઓથી નારાજ ખેડૂતો લગભગ છેલ્લાં બે મહિનાથી દિલ્લી બોર્ડર પર પ્રદર્શન કરી રહ્યાં છે. આ દરમિયાન સરકારે સાથે દ્યણીવાર વાર્તાલાપ થઈ ચૂકયો છે. જોકે, આ વખતે પહેલીવાર ખેડૂતો અને સરકાર વચ્ચે સુખદ સમાધાન થાય તેવું લાગી રહ્યું છે. બુધવારે થયેલાં વાર્તાલાપમાં કોઈ નિર્ણાયક નિષ્કર્ષ તો નથી આવ્યો, પણ સરકારે આપેલાં પ્રસ્તાવથી હાલ ખેડૂત નેતાઓ ખુશ જણાઈ રહ્યાં છે. ખેડૂત નેતાઓએ કહ્યુંકે, તેઓ ખેડૂતો સાથે ચર્ચા કરીને ૨૨ જાન્યુઆરીએ મળનારી બેઠકમાં પોતાનો નિર્ણય જણાવશે.

કેન્દ્ર સરકાર અને ખડૂતો વચ્ચે અત્યાર સુધીમાં ૧૧ વખત વાતચીત થઈ ચૂકી છે. જોકે, અત્યાર સુધીના વાર્તાલાપ અને બેઠકોમાં કૃષિ કાયદાના વિરોધ અંગે કોઈ નિવેડો આવ્યો નથી. અત્યાર સુધીની તમામ બેઠકોમાં ખેડૂતો તરફથી ભાગ લેનારા ખેડૂત નેતા શિવકુમાર કક્કાએ સરકારના આ વખતે આપવામાં આવેલાં પ્રસ્તાવનું સ્વાગત કર્યું છે. અને કહ્યું છેકે, તેમને કમિટી પર તો ભરોસો નથી, પણ સરકારે અત્યારે કાયદાને સ્થગિત કરવાનો જે પ્રસ્તાવ રાખ્યો છે, તે વિશ્વાસ પાત્ર લાગી રહ્યો છે. અમે તમામ ખેડૂત આગેવાનો સરકારના આ નિર્ણય પર વિચાર કરીશું અને આગામી ૨૨ જાન્યુઆરીએ મળનારી બેઠકમાં પોતાનો નિર્ણય જણાવીશું. ખેડૂત નેતા દર્શન પાલ સિંહે કહ્યું કે, સરકારે એમને વિશ્વાસ અપાવ્યો છેકે, સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિટ દાખલ કરવામાં આવશે. જેમાં આ કૃષિ કાયદાઓને ૧૮ મહિના સુધી સ્થગિત કરવાની વાત સુપ્રીમ કોર્ટમાં જણાવવામાં આવશે. સરકારનો આ પ્રસ્તાવ વિચારવા યોગ્ય છે. ઓલ ઈન્ડિયા કિસાન સભાના મહાસચિવ એ પણ સરકારના આ પ્રસ્તાવનો ખુલ્લા દિલથી સ્વાગત કર્યું.

બુધવારે ૧૧મી વખત સરકાર અને ખેડૂતો વચ્ચે વર્તાલાપ થયો. જેમાં સરકારે હાલ પુરતો કેટલાંક સમય માટે આ કૃષિ કાયદો સ્થગિત કરવાનો પ્રસ્તાવ ખેડૂતો સામે મૂકયો. સરકારે ખેડૂતો સામે પ્રસ્તાવ મૂકયો છેકે, ખેડૂતો અને સરકારની એક સંયુકત કમિટી બનાવવામાં આવશે. જયાં સુધી આ સમિતિ કોઈ નિર્ણય પર ન પહોંચે ત્યાં સુધી આ ત્રણેય કૃષિ કાયદાઓ લાગૂ નહીં કરવામાં આવે. આ કમિટીને રિપોર્ટ તૈયાર કરવા માટે ૧૮ મહિનાનો સમય આપવામાં આવશે.

આગામી ૨૬મી જાન્યુઆરીએ ટ્રેકટર માર્ચ કરવા માટે ખેડૂતો અને દિલ્લી પોલીસ વચ્ચે આજે મહત્ત્વની બેઠક મળશે.

આ મુદ્દે સુપ્રીમ કોર્ટે કહ્યું છેકે, માર્ચ નિકાળવાની મંજૂરીનો મામલો દિલ્લી પોલીસના અધિકાર ક્ષેત્રમાં આવે છે. આ મુદ્દે ખેડૂત નેતાઓ અને દિલ્લી પોલીસે સાથે મળીને વાતચીત કરવી જોઈએ.

(3:16 pm IST)