Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

ગુડગાંવમાં મહિલાઓએ ટ્રેકટર રેલી દ્વારા કર્યુ શકિત પ્રદર્શન

ર૬ જાન્યુઆરીની ટ્રેકટર પરેડમાં પણ જોડાશે મહિલાઓ

ગુડગાંવ તા. ર૧ :.. કૃષિ કાનુનોને લઇને દેશમાં ખાસ કરીને રાજધાની દિલ્હીમાં સીંધુ બોર્ડર અને ટીકરી બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલનને ટેકો આપવા માટે બુધવારે ગુડગાંવમાં મહિલાઓએ ટ્રેકટર રેલી કાઢી હતી. આ રેલીમાં હાથોમાં તિરંગા લઇને મહિલાઓએ પોતાની માંગણીઓના હિતમાં કિસાન આંદોલન બાબતે નારાઓ પોકાર્યા હતાં. સાથે જ દેશભકિત ગીતો પણ વગાડયા હતાં. આ ટ્રેકટર રેલીને પોલીસે એમ જી. રોડ પર આવેલા બાટા ચોક પર રોકી દીધી હતી. ત્યાં ઘણીવાર સુધી ગરમા ગરમી થઇ હતી.

સંયુકત કિસાન મોર્ચાના બેનર હેઠળ કાઢવામાં આવેલ આ રેલીમાં મહિલાઓ બહુ જોશમાં દેખાતી હતી. ભાષણ આપતી વખતે તેમણે એક તરફ સરકારને લલકારી હતી. તો બીજી તરફ ખેડૂતોના સમર્થનમાં પણ ઘણું બધું કહયું હતું. અહીં અંબાણી- અદાણી પર પણ નિશાન તકાયા હતાં. નારાઓમાં કહેવાયું હતું કે અંબાણી - અદાણીની દલાલી બંધ કરો. મહિલાઓના હાથમાં નો ફાર્મરનો ફુડના બેનરો પણ જોવા મળ્યા હતાં.

સામાજીક કાર્યકર પૂનમ સેહરાવતે પોતાના સંબોધનમાં કહયું કે દેશમાં ખેતીમાં મહીલાઓ પણ પુરૂષો સાથે ખભે ખભો મિલાવીને કામ કરે છે એટલે મહીલાઓને કોઇ પણ રીતે ઓછી ન આંકવી જોઇએ. મહિલાઓની ભાગીદારી વગર ન પરિવાર ચાલે, ન સરકાર, ચુલા-ચોકા કરતી મહિલાઓ આજે ગાડીનું સ્ટીયરીંગ પણ પકડી રહી છે.  અને ટ્રેકટર પણ ચલાવે છે. આગામી ર૬ જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રેકટર પરેડમાં પણ મહિલાઓ ઉત્સાહ પૂર્વક ભાગ લેશે.

(1:09 pm IST)